પુનીત રાજકુમારની છેલ્લી ઝલક માટે ઉમટી પડ્યા ચાહકો, દીકરીના આગમન બાદ સરકારી સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

જાણીતા કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું શુક્રવારે બપોરે હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. અભિનેતાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે. અગાઉ, પુનીત રાજકુમારના પાર્થિવ દેહને બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં ચાહકો અને પરિવારજનો માટે રાખવામાં આવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ અભિનેતાના પાર્થિવ દેહની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. પુનીત રાજકુમારે 46 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવાર દ્વારા ચક્ષુ દાન પણ કરવામાં આવ્યુ હતુ. તેમના પિતાના નિધન બાદ પણ ચક્ષુ દાન કરવામાં આવ્યુ હતુ.

શુક્રવારે સાંજે પુનીત રાજકુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ પોતાના મનપસંદ અભિનેતાને છેલ્લી વાર જોવા માંગતા હતા.રાજ્યના મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

સાવચેતીને ધ્યાાને રાખીને, વહીવટીતંત્રે બેંગલુરુમાં દારૂની દુકાનોને બે રાત માટે બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે. પુનીત રાજકુમારને શુક્રવારના રોજ સવારે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અભિનેતાનું ECG થયુ હતું, તે બાદ ખબર પડી હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

નિધન પહેલા હોસ્પિટલના ડો.રંગનાથનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે. જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનીત રાજકુમારના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અભિનેતા સાથેની એક તસવીર પણ શેર કરી છે. આ સાથે રામ ગોપાલ વર્મા, બોની કપૂર, સોનુ સૂદ, અનિલ કપૂર, અજય દેવગન, વિવેક ઓબેરોય, તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત સહિતના અન્ય સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

ડૉ. રાજકુમાર અને પર્વતમ્માના પાંચ બાળકોમાં પુનીત સૌથી નાનો હતો. તેમના પરિવારમાં પત્ની અશ્વિની રેવંત અને બે પુત્રી છે. પુનીત રાજકુમારે કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

વર્ષ 1985માં તે ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’માં જોવા મળ્યા હતા. આ રોલ માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા. આ સાથે તેમને નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તે છેલ્લે ફિલ્મ ‘સુવરત્થાના’માં જોવા મળ્યા હતા, જ્યાં દર્શકોને તેમનો અભિનય પસંદ આવ્યો હતો. આ ફિલ્મ એ જ વર્ષે રિલીઝ થઈ હતી.

પુનીત રાજકુમાર હાલમાં ચેતન કુમાર દ્વારા નિર્દેશિત જેમ્સ માટે શૂટિંગ કરી રહ્યા હતા. સંપૂર્ણ એક્શન એન્ટરટેઈનર તરીકે જાણીતા પુનીતે શૂટિંગનો મોટો ભાગ પૂરો કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સામે પ્રિયા આનંદ હતી. તેમણે દ્વિત્વા માટે પણ શૂટિંગ કરવાનું હતું. તે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ફ્લોર પર જવાની હતી. પવન કુમાર સાથે તેમનો આ પહેલો સહયોગ હતો.

પુનીતનો સંતોષ આનંદરામ સાથે અનટાઈટલ્ડ પ્રોજેક્ટ પણ હતો. બંનેએ રાજકુમાર અને યુવારત્ન ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ સિવાય પુનીત પાસે તેના હોમ બેનર હેઠળ પાંચ ફિલ્મો પણ છે જે તેણે પ્રોડ્યુસ કરી છે.

Shah Jina