યુવતીઓ માટે ખૂબ જ સુરક્ષિત શહેર ગણાતા મહારાષ્ટ્રના પુણેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. અહીં મોડી રાત્રે મિત્ર સાથે ફરવા ગયેલી યુવતી પર ત્રણ છોકરાઓએ ગેંગરેપ કર્યો અને આ પછી સ્થળ પરથી ભાગી ગયા. હાલ પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને બેની શોધ ચાલુ છે. રીપોર્ટ 18 અનુસાર, જલગાંવની રહેવાસી 21 વર્ષીય યુવતી સુરતના રહેવાસી તેના મિત્ર સાથે મોડી રાત્રે ફરવા માટે નીકળી હતી. બંને કોલેજના વિદ્યાર્થીઓ છે.
આ દરમિયાન ત્રણ છોકરાઓએ તેમને પકડીને કારમાં બેસાડી સૂમસામ જગ્યાએ લઈ ગયા અને ત્યાં પહેલા તેમણે પીડિતા સાથે રહેલા છોકરાને માર માર્યો અને પછી યુવતી સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ. ઘટના બાદ યુવક પીડિતાને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે તેમને શુક્રવારે સવારે 5 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. છોકરી પર સામૂહિક દુષ્કર્મ કરનાર પૈકી એકની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ કોંધવા નિવાસી 36 વર્ષીય વ્યક્તિ તરીકે થઈ છે. પોલીસ અન્ય બે આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે અને તેમના સ્કેચ પણ જારી કરવામાં આવ્યા છે. પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા અને તેનો મિત્ર બોપદેવ ઘાટ વિસ્તારમાં હતા. માહિતી અનુસાર, પીડિત યુવતી જલગાંવની રહેવાસી છે, જ્યારે તેનો મિત્ર સુરતનો રહેવાસી છે. બંને એક જ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેઓ બંને રાત્રે ફરવા ગયા હતા.
પુણેની ઘટના બાદ સુપ્રિયા સુલેએ મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘મહિલાઓ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે. ગૃહ મંત્રાલય તેમને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. મહારાષ્ટ્ર મહિલાઓ માટે સુરક્ષિત નથી… કહેવું પડે. ગુનેગારોને પકડીને કડક કાર્યવાહી થવી જોઈએ.