એક જ વર્ષમાં પંક્ચર બનાવનારાએ ભેગી કરી લીધી કરોડોની સંપત્તિ, દુનિયાને બતાવવા ચલાવતો હતો પંક્ચરની દુકાન આમ ખુલી પોલ

આપણે કોઈ મિત્ર સાથે જયારે બહાર જઈએ અને તે કોઈ વસ્તુનું બિલ આપવામાં સંકોચ કરતો હોય અને કહેતો હોય કે મારી પાસે પૈસા નથી ત્યારે આપણે એક કહેવત તેને સંભળાવીએ છીએ કે “હાથીના દાંત ચાવવાના પણ જુદા હોય છે અને બતાવવાના પણ જુદા” એનો અર્થ એવો થાય છે કે ઘણા લોકો પાસે પૈસા હોવા છતાં પણ પોતે ગરીબ હોવાનો દેખાડો કરતા હોય છે.

ઘણા લોકોની રહેણી કરણી જોઈને કોઈને પણ થઇ આવે કે આ વ્યક્તિ પાસે પૈસા નહીં હોય પરંતુ જયારે તેની સંપત્તિનું રહસ્ય ખુલે છે ત્યારે અચ્છા અચ્છા લોકો પણ ચોંકી જતા હોય છે, હાલ એક એવા જ પંક્ચર વાળાની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જે કોઈ સામાન્ય માણસ નહિ પરંતુ કરોડપતિ નીકળ્યો છે.

આ ચોંકાવનારી ખબર સામે આવી છે ઉત્તર પ્રદેશના બરેલીમાંથી. અહીં પંચર કરનાર વ્યક્તિએ એક વર્ષમાં લગભગ સાત કરોડની મિલકત બનાવી. તે ભણેલો પણ નથી. જો કે તે એટલો હોંશિયાર હતો કે કરોડોની પ્રોપર્ટી કમાઈ હોવા છતાં તે કોઈની નજરમાં ન આવે તે માટે પંચર બનાવવાનું કામ કરતો રહ્યો. જોકે હવે તેની પોલ ખુલ્લી પડી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના નાકટિયા વિસ્તારનો રહેવાસી ઇસ્લામ ખાન અભણ હતો. તેની પાસે કોઈ રોજગાર ન હતો. દિલ્હી-લખનઉ હાઈવેની બાજુમાં ટાયર પંચર બનાવવા માટે એક કિઓસ્ક રાખવામાં આવ્યું હતું. પંચર બનાવીને તે રોજના 300થી 400 રૂપિયા જ કમાઈ શકતો હતો. તે માંડ માંડ ગુજરાન ચલાવતો હતો. ઇસ્લામ પણ અમીર બનવા માંગતો હતો. આ દરમિયાન તેની મુલાકાત સ્મેક સ્મગલર નન્હે લંગડા સાથે થઈ હતી. આ પછી ઇસ્લામે પંચરની દુકાનની આડમાં નન્હે લંગડા માટે ડ્રગ્સ અને સ્મેકની તસ્કરી કરવાની શરૂ કરી.

ઈસ્લામે કાળા નાણાંથી બાઇકનો શોરૂમ, આલીશાન કોઠી બનાવી હતી. છેલ્લા એક વર્ષમાં તે લગભગ સાત કરોડની પ્રોપર્ટીનો માલિક બન્યો છે. કરોડપતિ બન્યા પછી પણ ઈસ્લામે પંચર બનાવવાનું કામ ચાલુ રાખ્યું જેથી કોઈ તેના પર શંકા ન કરે. બરેલી પોલીસે થોડા દિવસો પહેલા નન્હે લંગડા અને તેના ભત્રીજાને સ્મેક કરતા રંગે હાથ ઝડપ્યા હતા. પૂછપરછ દરમિયાન ઇસ્લામનું નામ સામે આવ્યું હતું. પોલીસના ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરતાં ઇસ્લામની પોલ ખુલ્લી પડી હતી.

ઈસ્લામની જીવનશૈલી જોઈને પોલીસને પહેલાથી જ શંકા ગઈ હતી અને જ્યારે તેનું આધાર કાર્ડ, પાન કાર્ડ ચેક કરવામાં આવ્યું તો તમામ રેકોર્ડ સામે આવ્યા. એસપી રૂરલએ જણાવ્યું કે, તાજેતરમાં જ આવેલા ઈસ્લામ અને તેના પરિવારના ઈન્કમ ટેક્સ રિટર્નમાં મોટી રકમ દર્શાવવામાં આવી છે. તેણે હાઈવે પર બહુમાળી ઈમારત બનાવી હતી અને બાઇકનો શોરૂમ પણ ખોલ્યો હતો. પોલીસે તેની મિલકતો જપ્ત કરી અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધીને તેને જેલમાં મોકલી દીધો. BDAએ પોલીસ સાથે મળીને તાજેતરમાં જ ઈસ્લામ દ્વારા ખોલવામાં આવેલ બાઇક શોરૂમને તોડી પાડ્યો છે.

Niraj Patel