જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે વૈવાહિક-જીવન

આજના દરેક યુવાન સ્ત્રી અને પુરુષે જાણવા જેવી વાત, પછી જુઓ શું ચમત્કાર થાય- પોસ્ટ વાંચીને જરૂર શેર કરજો.

આપણા સમાજનો સૌથી શ્રેષ્ઠ સંબંધ જો કોઈ હોય તો તે છે એક પતિ પત્નીનો. કારણ કે એ બેજ એવી વ્યક્તિઓ છે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાની છે, બાળકો જયારે તરછોડી મૂકે છે, માતા પિતા પણ જયારે હયાત નથી હોતા ત્યારે એક પતિ અને પત્ની જ એકબીજાનું સુખ દુઃખ સમજતા હોય છે, એકબીજાની સાથે ચાલતા હોય છે.

Image Source

પરંતુ આજના સમયમાં આ સંબંધોનું સ્તર પણ જાણે ઓછું થતું હોય તેમ લાગી રહ્યું છે, છૂટાછેડા માટેની અસંખ્ય અરજીઓ કોર્ટના ચોપડે નોંધાયેલી જોવા મળે છે. કાલ સુધી જે હસતા, બોલતા અને એકબીજા સાથે પ્રેમથી રહેતા યુગલો વચ્ચે ક્યારે તિરાડ પડી જાય અને એ બંને ક્યારે અલગ થઇ જાય તે નક્કી નથી હોતું.

Image Source

આ સંબંધને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ? એ વિષય ઉપર ઘણા જ લેખ લખાયા, ઘણી જ ફિલ્મો બની ગઈ, ઘણા જ ભાષણો આપણે સાંભળ્યા હશે છતાં પણ હજુ સ્થિતિમાં કોઈ સુધાર આવતો જોવા નથી મળી રહ્યો. મોટા મોટા સલાહકારો પણ હવે તો પતિ પત્નીના સંબંધોમાં મધુરતા લાવવા માટેના વ્યવસાયો પણ ખોલીને બેસી ગયા છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઉણપ રહી જાય છે અને લાખ સાચવ્યા છતાં પણ સંબંધો તૂટતાં જ હોય છે.

Image Source

સંબંધો તૂટવા પાછળ કોઈ એક વ્યક્તિનો હાથ નથી હોતો. આપણામાં કહેવત છે કે “તાળી ક્યારેય એક હાથે નથી પડતી” એમ જ સંબંધો તૂટવા પાછળ પણ કોઈ એક વ્યક્તિ જવાબદાર તો નથી જ હોતું. છતાં પણ કોર્ટ સુધી કેસ જાય છે અને એકબીજા વચ્ચે રહેલો પ્રેમ, આરોપ-પ્રત્યારોપમાં ક્યારે નફરતમાં બદલાઈ જાય છે એ કોઈ નથી સમજી શકતું.

Image Source

તમને શું લાગે છે? જો થોડી સમજણ રાખવામાં આવે તો શું આ સંબંધને તૂટતો ના બચાવી શકાય? જે આધાર આપણે કોઈ ત્રીજી વ્યક્તિ ઉપર રાખીને સંબંધને ટકાવવા માંગીએ છીએ એજ આધાર પોતાની પત્ની કે પોતાના પતિ ઉપર રાખી ના શકીએ? કોર્ટમાં જઈને સમાધાન માટે ખોટા નાટક કરવા કે પછી ત્યાં જઈને પોતાના સંબંધને નીલામ કરવા કરતા પતિ પત્નીએ સાથે બંધ ઓરડામાં બેસી છૂટા પડવું કે અલગ થવું એ વિશે ચર્ચા ના કરી શકાય?

Image Source

દરેક પ્રશ્નનો જવાબ આપણી પાસે જ હોય છે પરંતુ આપણી આખો આગળ એક એવો પડદો આવી જાય છે જેમાં આપણે એકબીજાની ભૂલો સિવાય બીજું કાંઈજ દેખાતું જ નથી હોતું, કેમ કરીને સામેના વ્યક્તિને નીચી પાડું? કેમ કરીને એને એની ભૂલ સમજાવું? કેમ કરીને એનાથી છુટકારો મેળવું? બસ આજ વાતોનું ઝેર દિલમાં એ હદ સુધી ફેલાઈ ગયું હોય છે કે ચાહવા છતાં પણ આપણે કોઈ રસ્તો શોધી જ નથી શકતા.

Image Source

કોઇપણ સંબંધમાં જો કઈ સૌથી મહત્વનું હોય છે તે છે વિશ્વાસ અને તેમાં પણ પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ વગર આખી વાર્તા જ અધૂરી લાગે. બંને માંથી એક પક્ષ તો એવો હોય છે જે વિશ્વાસ ટકાવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરતો હોય પરંતુ બીજો પક્ષ એ વિશ્વાસને વારંવાર તોડતો હોય છે અને તેના કારણે જ એક દિવસ સંબંધ પણ કાચની માફક તૂટીને ચકનાચૂર થઇ જતો હોય છે. લગ્ન પહેલા કે લગ્નના થોડા સમય સુધી પતિ અને પત્ની બંને એકબીજા ઉપર ભારોભાર વિશ્વાસ રાખતા હોય છે પરંતુ થોડા જ સમય બાદ બંને એકબીજાની વાતો કરતા કોઈ ત્રીજી વ્યક્તિની વાતો ઉપર વધુ વિશ્વાસ રાખતા થઈ જાય છે અને ત્યારથી જ બંનેના સંબંધોમાં મીઠું ઝેર પ્રવેશવા લાગે છે. પરંતુ જે વાતથી એકબીજાને પેટમાં દુખ્યું હોય, જે વાતનું એકબીજા સાથે મનદુઃખ થયું એજ વાતને જો બંને સાથે મળીને નિરાકરણ લાવવા લાગે તો હું માનું છું કે સંબંધો હંમેશા તાજા જ રહે છે.

Image Source

ક્યારેક સંબંધોમાં અહમ પણ પ્રવેશી જાય છે જેના કારણે પણ પતિ પત્ની વચ્ચે મતભેદો પ્રવેશવા લાગે છે. શરૂઆતમાં એકબીજાની વાત માનતા બંને લોકો થોડા સમય પછી એકબીજાની જ વાતનો વિરોધ શરૂ કરે છે. બંનેનો અહં વધવા લાગે છે અને આજ વધેલો અહમ ટકરાઈને સંબંધોને તૂટવા ઉપર લાવીને ઉભો કરી દે છે. પરંતુ જો બંને વ્યક્તિઓ સાચી સમજણ રાખે અને પોતાના અહમને એકબીજા આગળ નીચો રાખે તો પણ ચોક્કસ તમારા સંબંધને તમે તૂટતો અટકાવી શકો છો.

Image Source

લગ્ન પહેલા કે લગ્નના શરૂઆતના સમયમાં આપણે એકબીજાને ખુશ રાખવા માટેના તમામ પ્રયત્નો કરતા હોઈએ છે. પરંતુ લગ્ન બાદ જાણે ગમતું મળી ગયું એટલે હવે એની કિંમત ઓછી થઇ ગઈ હોય એવું માનવા લાગીએ. ક્યારેક તો એકબીજાને કોઈક વાતમાં ગણકારતા પણ નથી અને ત્યારે આપણે તો એ સમયે ભૂલી જઈએ છીએ પરંતુ સામેની વ્યક્તિના દિલમાં એજ સમયે એક ડંખ લાગે છે અને એ ડંખનું ઝેર આવી અવાર નવાર બનતી ઘટાઓમાં ફેલાતું જાય છે. છેલ્લે એક દિવસ એવો આવે છે કે આ ઝેર આખા સંબંધને જ ખોખલું કરી નાખે છે. એક સમયે એકબીજાની ખૂબીઓ જોઈને કરેલો પ્રેમ ક્યારે ખામીઓમાં પરિવર્તિત થઇ જાય છે તેનું પણ આપણને ભાન રહેતું નથી. માટે સંબંધોમાં હંમેશા તાજગી રાખવી જોઈએ. લગ્નના પહેલો દિવસ જે ખુશીથી વિતાવ્યો હોય એ ખુશી પાંચ-દસ-પંદર વર્ષે પણ ચહેરા ઉપર દેખાવવી જોઈએ તો જ સંબંધ હર્યોભર્યો રહેશે.

Image Source

ઘણા તૂટતાં સંબંધોમાં બાળકનો પક્ષ મહત્વની ભૂમિકા ભજવી જાય છે. બાળકના કારણે ઘણા લોકો સમજૂતી કરી અને પાછા જોડાઈ જતા પણ આપણે જોયા જ હશે, પરંતુ ઘણા કિસ્સાઓમાં બાળક કોઈ એક પક્ષ પાસે જ રહે છે. ત્યારે એ બાળકના માનસપટ ઉપર શું અસર થતી હશે એ બંનેમાંથી કોઈને વિચાર નથી આવતો. બાળક જો મા પાસે જાય તો પિતાના સુખથી વંચિત રહી જાય અને પિતા પાસે જાય ત્યારે માતાના પ્રેમથી વંચિત રહે છે. ઘણા કિસ્સામાં આપણે જોયું પણ હશે કે બાળક જે પક્ષ પાસે રહે છે એ પક્ષ પણ કોઈ નવા સંબંધમાં જોડાઈ જાય છે ત્યારે એ બાળકની દશા ખુબ જ દયનિય પણ થતી હોય છે.  ત્યારે મોટા થયેલા બાળકના મનમાં પણ ઘણા પ્રશ્નો ઉદભવતા હશે. તેને પણ એક જ પક્ષ પાસે રહ્યાનું દુઃખ પણ થતું હશે, તેને પણ વેદના અનુભવાતી હશે પરંતુ જે સમયે બંને પક્ષ અલગ થાય છે ત્યારે તે બાળક બોલી નથી શકતું અને જયારે બોલી શકે છે ત્યારે કદાચ બહુ મોડું થઇ ગયું હોય છે ત્યારે તેના બોલવાનો કોઈ મતલબ પણ રહેતો નથી. આવા બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં જ હોય છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે છુટા પડતી વખતે આ લોકોને બાળકનો પણ વિચાર નહિ આવ્યો હોય? છુટા પડતી વખતે નફરતની જે આગ ફેલાય છે તેમાં બંને પક્ષને કાંઈજ દેખાતું નથી અને આ આગમાં હોમાય જાય છે એ બાળક.

Image Source

હું માનું છું કે છૂટાછેડા જેવો નિર્ણય અમસ્તા જ નથી લેવામાં આવતો. દરેક વ્યક્તિના પ્રશ્નો અને સમસ્યાઓ અલગ અલગ હોય છે. ઘણીવાર અત્યાચારો, વ્યસનો, ખોટી સંગતોના કારણે પણ ઘણા સંબંધો તોડવા પડતા હોય છે. પરંતુ જો સંબંધમાં પોતાને લાગતું હોય કે “હા, હજુ આ વ્યક્તિ સાથે જીવી શકાય એમ છે” તો એ સંબંધને ગમે તેમ કરીને બચાવી રાખજો. માનું છું કે સમજાવટ પણ એટલી સહેલી નથી હોતી, કોઈ એકપક્ષ ગમે તેટલી સમજાવટ કરવાના પ્રયત્નો કરે પણ સામેવાળી વ્યક્તિ જો સમજવા જ તૈયાર ના હોય તો વિચારેલું અને બોલેલું કાંઈજ થતું પણ નથી. છતાં પણ જો શક્ય હોય તો સાથે રહેવામાં જ મઝા છે. બાકી જે લોકો સારા સંબંધોમાંથી અલગ થઈને જીવી રહ્યા છે તેમાં 80 ટકા લોકો દુઃખી જ થતા હોય છે અને પોતાની ભૂલ તેમને એવા સમયે જ સમજાય છે જયારે પ્રાયશ્ચિત કરવાનો પણ કોઈ રસ્તો બાકી નથી રહેતો.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.