મનોરંજન જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ વધુ એક મોટા નામને ખોઇ દીધુ છે. ફિલ્મમેકર નિતિન મનમોહનનું 29 ડિસેમ્બર ગુરુવારના રોજ નિધન થઇ ગયુ છે. નિતિન મનમોહન ઘણા સમયથી મુંબઇની હોસ્પિટલમાં દાખલ હતા. રીપોર્ટ્સ અનુસાર, તેમને કાર્ડિયાક અરેસ્ટ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નીતિન મનમોહનના નિધનના સમાચારે ચાહકોને દુઃખી કરી દીધા છે.
સોશિયલ મીડિયા પર ફિલ્મ નિર્માતાને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. નીતિનના મિત્ર કલીમ ખાન તરફથી તેમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્માતા છેલ્લા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. ડોકટરોએ તેમને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ નીતિન મનમોહનને બચાવી શકાયા નહિ. નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યા બાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તે બાદ તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. ચાહકો અને પરિવારજનોએ તેમના માટે પ્રાર્થના પણ કરી હતી. અહેવાલ મુજબ નીતિન મનમોહનનો પુત્ર દુબઈથી પરત આવી રહ્યો છે, જે આવ્યા બાદ નિર્માતાના અંતિમ સંસ્કારની તારીખ જાહેર થશે. નીતિન મનમોહન એક ભારતીય ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, વાર્તા લેખક હતા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના કામની નોંધ લેવામાં આવી હતી. તેમણે ઘણી હિટ ફિલ્મો આપી હતી.
જેમાં બોલ રાધા બોલ, લાડલા, રેડી, આર્મી, શૂલ, લવ કે લિયે કુછ ભી કરેગા, દસ, યમલા પગલા દીવાના જેવી ફિલ્મો સામેલ હતી. તેની છેલ્લી ફિલ્મ દસ હતી, જે તે પૂરી કરી શક્યા નહિ. નીતિન મનમોહન દિવંગત અભિનેતા મનમોહનના પુત્ર હતા. તેમના પિતા બ્રહ્મચારી, ગુમનામ, નયા જમાના જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. પિતાની જેમ નીતિન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.