ખુશખબરી ! દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ઘરે આવ્યું નાનુ મહેમાન, અભિનેત્રીએ શેર કરી ગુડ ન્યુઝ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઘરે એક નાનુ મહેમાન આવ્યુ છે.પ્રિયંકા ચોપરા અને તેનો પતિ તેમજ અભિનેતા અને સિંગર નિક જોનસ પેરેન્ટ્સ બની ગયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને, અભિનેત્રીએ તેના ઘરે આવનાર નાના સભ્ય વિશે માહિતી આપી છે. નિક અને પ્રિયંકા સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. જો કે તેણે હજુ સુધી એ માહિતી શેર નથી કરી કે તેના ઘરે દીકરો આવ્યો છે કે દીકરી. પ્રિયંકાએ માતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. ત્યારથી, સેલેબ્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

પ્રિયંકા અને નિકે સાથે મળીને સોશિયલ મીડિયા પર બાળકના જન્મની માહિતી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું – અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છીએ. આ ખાસ સમયમાં, અમે તમારી પાસેથી પ્રાઇવસીની અપેક્ષા રાખીએ છીએ કારણ કે અમારે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તમારો ખુબ ખુબ આભાર. પ્રિયંકાએ આ પોસ્ટ શેર કરતી વખતે નિકને ટેગ કર્યો અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકા ચોપડા વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ પણ જીતી ચૂકી છે. નિક જોનાસે પણ આ પોસ્ટ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ ખાસ અવસર પર બોલિવૂડના તમામ સેલેબ્સ પ્રિયંકા અને નિક જોનાસને અભિનંદન આપી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે પરિવાર વધારવાનો સંકેત આપ્યો હતો. તેણે એક મેગેઝીન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બાળક ભવિષ્યમાં મારા અને નિક માટે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હશે અને જ્યારે પણ હું પરિવાર સાથે આગળ વધવાનું વિચારીશ ત્યારે હું જીવનમાં થોડી ધીમે ધીમે આગળ વધવા માંગુ છું. જો કે, કોઈએ વિચાર્યું ન હતું કે તે આટલી જલ્દી માતા બની જશે.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ ગયા વર્ષે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તેના પતિ નિકની સરનેમ જોનાસ હટાવી દીધી હતી, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. લોકો અનુમાન કરવા લાગ્યા કે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને બંને છૂટાછેડા લેવાના છે. જો કે, એવું કંઈ થયું ન હતું. પ્રિયંકાની માતા મધુ ચોપરાએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ડિસેમ્બર 2018માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા. જેમાં પ્રિયંકા અને નિકના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીત રિવાજ મુજબ થયા હતા.

પ્રિયંકા અને નિકના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પ્રિયંકા ચોપરા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક રહી છે. તે એક સમયે ફિલ્મો માટે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી રહી છે. તેને તેના અદભૂત અભિનય માટે ઘણા પુરસ્કારો પણ મળ્યા છે, જેમાં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને પાંચ ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે. 2016માં, પ્રિયંકા ચોપરાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને ટાઇમ મેગેઝીને તેને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપ્યું હતું. ફોર્બ્સે તેને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન આપ્યું છે.

વર્ષ 2000માં મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રિયંકા ચોપરાએ તમિલ ફિલ્મ થામિઝાન (2002)થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય (2003) થી બોલીવુડમાં પ્રવેશ કર્યો. વર્ષ 2003માં પ્રિયંકા ચોપરાની ફિલ્મ અંદાજ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી, ત્યારબાદ 2003માં આવેલી ફિલ્મ મુઝસે શાદી કરોગી, 2004માં આવેલી થ્રિલર ફિલ્મ એતરાઝ માટે પણ તેના અભિનયની ટીકાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

આ પછી પ્રિયંકા ચોપરાએ 2006માં ડોન અને 2008માં ફેશન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ફેશન ફિલ્મમાં મુશ્કેલીમાં મુકાયેલી મોડલની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. બોલિવૂડમાં પગ મૂક્યા બાદ પ્રિયંકા ચોપરાએ હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાના અભિનય દ્વારા નામ કમાવ્યું હતું. તેને ઘણી પ્રશંસા મળી, ખાસ કરીને 2021માં ધ વ્હાઇટ ટાઇગર અને સાયન્સ ફિક્શન ધ મેટ્રિક્સ રીગ્રેશન્સ માટે. પ્રિયંકા ચોપરાએ પર્યાવરણ અને મહિલાઓના અધિકારો જેવા સામાજિક મુદ્દાઓ માટે પણ કામ કર્યું છે. તેણે 2006થી યુનિસેફ સાથે કામ કર્યું છે અને 2010 અને 2016માં બાળ અધિકારો માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

Shah Jina