ક્રિકેટર પૃથ્વી શો પર લગાવેલા સપના ગિલના આરોપો પાયાવિહોણા, ખોટા કેસમાં ફસાવવા બદલ મુંબઈ પોલિસનું સામે આવ્યું નિવેદન

ભારતીય ટીમના ક્રિકેટર પૃથ્વી શો અને સપના ગિલના ઝઘડાની સાચી હકીકત કોર્ટમાં મુંબઈ પોલીસે કરી રજૂ.. કહ્યું, “સપનાએ છેડતીના ખોટા કેસમાં ફસાવ્યો ક્રિકેટરને !”  જાણો સમગ્ર મામલો

Prithvi Shaw Sapna Gill Case: ઈનફ્લુએન્સર સપના ગિલ દ્વારા ક્રિકેટર પૃથ્વી શો પર લગાવવામાં આવેલા છેડછાડના આરોપોમાં ક્રિકેટરને મોટી રાહત મળી છે.  આ વર્ષે ફેબ્રુઆરીમાં સપનાએ પૃથ્વી પર છેડતી અને મારઝૂડનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પોલીસે FIR નોંધીને તપાસ પણ કરી હતી અને સમગ્ર મામલો મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો તે દરમિયાન જ પોલીસનું એક નિવેદન સામે આવ્યું છે.

26 જૂન સોમવારના રોજ મુંબઈ પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટને જણાવ્યું હતું કે “પૃથ્વી શૉ પર સપના ગિલ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ કોર્ટમાં પોતાનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.”  પોલીસે કોર્ટને જણાવ્યું કે પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જોવા મળ્યું કે ગિલ અને તેના મિત્ર શોબિત ઠાકુર નશામાં હતા અને ડાન્સ કરતા હતા.

ઠાકુર શૉને મોબાઈલથી રેકોર્ડ કરવા માંગતા હતા, પરંતુ ક્રિકેટરે તેને વીડિયો લેતા અટકાવ્યો. ફૂટેજ જોઈને એવું લાગતું નથી કે શૉ અને અન્ય લોકોએ ગિલની છેડતી કરી હતી. આ દરમિયાન, ગિલના વકીલ અલી કાશિફ ખાને કોર્ટને વિનંતી કરી હતી કે તે તેને વીડિયો ફૂટેજ રજૂ કરવાની મંજૂરી આપે જે ગિલના મિત્ર દ્વારા તેના ફોન પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેણે પબની બહારના સીસીટીવી ફૂટેજ લેવાની પણ માંગ કરી છે.

કોર્ટે સમગ્ર મામલાના ફૂટેજ પોલીસને સોંપવા આદેશ કર્યો હતો. તેમજ સુનાવણી 28 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે પબના સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે સપના અને તેનો મિત્ર નશામાં હતા અને પબમાં ડાન્સ કરી રહ્યા હતા.

મામલો આ વર્ષે 15 ફેબ્રુઆરીનો છે, જ્યારે પૃથ્વી શો તેના મિત્ર સાથે સાંતાક્રુઝની એક ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર માટે ગયો હતો. તે દરમિયાન બે લોકોએ પૃથ્વી શૉ સાથે સેલ્ફી લીધી, પરંતુ તે જ લોકો ફરી પાછા આવ્યા અને અન્ય લોકો સાથે પણ સેલ્ફી લેવાનું કહ્યું.

પૃથ્વી શૉએ વારંવાર ના પાડી અને કહ્યું કે તે મિત્રો સાથે ડિનર કરવા આવ્યો છે અને પરેશાન થવા માંગતો નથી. વિવાદ વકર્યો અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ. આ પછી, પૃથ્વી શૉના મિત્રની ફરિયાદના આધારે, પોલીસે સપના ગિલ સહિત 8 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ કેસમાં સપના ગિલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સપના જામીન પર બહાર આવી હતી.

Niraj Patel