ચોમાસાના વિદાયની રાહ જોઈને બેસી રહેલા લોકો માટે આવ્યા માઠા સમાચાર, હજુ આટલા દિવસ સુધી વરસશે વરસાદ, ખેડૂતો નુકશાનને લઈને ચિંતામાં

માળીયે ચઢાવી દીધેલા રેઇનકોટ અને છત્રી પાછા કાઢી લેજો, હજુ આટલા દિવસ સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલવાનો છે

ગઈકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો છે, તો કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ 15 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેવાનો છે,  રિપોર્ટ અનુસાર ચક્રવાતી તોફાન નોરુનાં કારણે ચોમાસાના વિદાયમાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે દેશના ઘણા બધા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિતા છે, આ વરસાદના કારણે ડાંગર અને કેળાના પાકને નુકશાન થવાની ભીતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 4 દિવસ સુધી રાજ્યમાં હળવો વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ 7 અને 8 ઓક્ટોબરના રોજ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા ઉપરાંત ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો હતો.

ગુજરાત ઉપરાંત દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના પહાડી વિસ્તારોમાં પણ આજે વરસાદનું એલર્ટ છે, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક જેવી બેવડી ઋતુ જોવા મળી રહી છે, આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.

Niraj Patel