કેનેડામાં રહેતા યુવાને પ્રિ વેડિંગ માટે પસંદ કરી એવી ખાસ જગ્યા કે લોકોએ વીડિયો અને તસવીરો જોઈને કહ્યું…આ તો સાવજની ધરતીના સંસ્કાર છે ભાઈ… જુઓ

મૂળ ગીર તલાલાના અને કેનેડામાં રહેતા દંપતીએ કરાવ્યું એવું પ્રિ વેડિંગ ફોટોશૂટ કે વડીલો પણ તેમના પર કરે છે ગર્વ, ગુજ્જુરોક્સ સાથે એક્સલુઝીવ વાતચીત દરમિયાન શું કહ્યું ? જુઓ

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્ન કરનાર દંપતીઓ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો પણ કરતા હોય છે. ઘણા લોકો લગ્ન માટેના આયોજન બહુ પહેલાથી જ શરૂ કરી દે છે અને એમ પણ આજે યુનિક લગ્નનો ટ્રેન્ડ ચાલે છે. જેમાં લગ્નની જાહોજલાલી જોઈને કોઈની પણ આંખો અંજાઈ જાય.

આ દરમિયાન હાલમાં કપલ લગ્ન પહેલા પોતાનું પ્રિ વેડિંગ ફોટોશૂટ કે વીડિયોશુટ પણ કરાવે છે, જેના માટે અલગ અલગ જગ્યાઓ પસંદ કરતા હોય છે. ઘણા લોકો ગોવાના દરિયાકિનારે તો કોઈ રાજસ્થાનના મહેલોમાં જઈને ખાસ શૂટિંગ પણ કરાવતા હોય છે અને તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જતા હોય છે.

ઘણા કપલો પ્રિ વેડિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરતા હોય છે. ત્યારે હાલમાં જ કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવાને પ્રિ વેડિંગ માટે જે કામ કર્યું તે જોઈને લોકો પણ આ દંપતીના વખાણ કરતા થાકતા નથી. કારણ કે વિદેશમાં હોવા છતાં પણ આ યુવાને પોતાના દેશની સંસ્કૃતિને પોતાના પ્રિ વેડિંગમાં જીવંત રાખી છે.

તમે ઇન્ટરનેટ પર ઘણા પ્રિ વેડિંગના વીડિયો અને તસવીરો વાયરલ થતી જોઈ હોય છે. જેમાં મોટાભાગના કપલ વેસ્ટર્ન કપડામાં જ ફોટોશૂટ કરાવતા હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ પ્રિ વેડિંગ જોતી વખતે ઘરના વડીલો સામે શરમનો પણ સામનો કરવો પડતો હોય છે.

પરંતુ હાલ જે તસવીરો સામે  આવી છે તેને જોઈને તો વડીલો પણ ગૌરવ લઇ શકે છે. વિદેશમાં રહેતા આહીર યુવાને ગીરના નેહમાં દેશી સ્ટાઈલમાં અનોખું પ્રી વેડીંગ ફોટોશુટ કરાવ્યુ ! ચાલો અમે ગુજ્જુરોક્સ સાથે ખાસ વાતચીતના આધાર પર આપને આ આહીર યુગલ વિશે જણાવીએ કે, આખરે આવો અનોખો વિચાર તેમને કઈ રીતે આવ્યો.

મૂળ તાલાલા ગીરના માધવપુરના વતની અને હાલમાં કેનેડાના ટોરેન્ટો સીટીમાં રહેતા પ્રહલાદ રામશીભાઈ વરુ ફાર્મા કંપનીમાં જોબ કરે છે અને તેમની પત્ની રોશની લેબ ટેક્શિયન છે. પ્રહલાદ 2 વર્ષથી ટોરેન્ટો સીટીમાં રહે છે અને કેનેડામાં 4 વર્ષથી રહે છે. તેઓ તેમની કોલેજમાં પણ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ હતા.

આ દંપતી વિદેશની ધરતીમાં હોવા છતાં પણ તેઓ પોતાના વતન સાથે ખૂબ જ જોડાયેલા છે અને આ કારણે જ લગ્ન માટે પણ પોતાનું વતન જ પસંદ કર્યું અને લગ્નનું પ્રી વેડિંગ પણ ગીરના ખોળે કરાવ્યું. પ્રહલાદ અને રોશની આહીર સમાજના હોવાથી તેમને પોતાનો પરંપરાગત પહેરવેશ ખૂબ જ પસંદ હતો અને આજ કારણે તેમને આ પારંપરિક પહેરવેશમાં ફોટોશૂટ કરાવવા માંગતા હતા.

આ પ્રિ વેડિંગની ખાસ વાત એ કે તેમને માત્ર કપડાં જ પસંદ નહોતા કર્યા પરંતુ જે રીતે જુના જમાનામાં લોકોની રોજિંદા જીવનશૈલી હતી તે પ્રમાણે જ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ જોઈને પહેલાના સમયની દરેક યાદો જીવંત થઈ જાય અને આ ફોટોશૂટ જો વડીલો પણ જુએ તો તેમને પણ તેમના જીવનના એ દિવસો યાદ આવી જાય.

આજના સમયમાં યુવાપેઢી પોતાની જૂની પરંપરાઓને સમજી શકે, તે માટે જ આવું અનોખું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ ગીરના નેહ અને રાયડી ગીરના ફાર્મ હાઉસમાં તેમજ ગીરના જંગલમાં આવેલ વર્ષો જુના વડલા પાસે આ કરવામાં આવ્યું હતું. જે જોવામાં અદભુત લાગી રહ્યું હતું.

આ ફોટોશૂટમાં જોઈ શકશો કે, બંને યુગલ સાથે ખેતી કરે છે, યુવતી વલોણે છાસ ફેરવે છે, ચૂલા પર રોટલા કરે છે અને નદીમાંથી પાણી ભરે છે અને બંને ખાટલા પર બેસીને વાતોચિતો કરે છે. ખરેખર આ ફોટોશૂટ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. આજના સમયની સાથે જરૂરી છે પરંતુ તમે જો વિચારથી કામ કરશો તો તમે સૌથી અલગ કરી શકો છો એ વાત સાબિત પણ કરી આપી.

પ્રહલાદનો વતન પ્રેમ વિદેશમાં પણ છલકતો જોવા મળ્યો હતો. કેનેડામાં ગયા બાદ તેને જે કાર લીધી હતી તેના નંબરમાં પણ આહીર લખેલું છે. પોતાની જાતિ પ્રત્યેના લગાવને લઈને આ નંબર તેમને સિલેક્ટ કર્યો. કેનેડાની સરકારના પોર્ટલ પર પણ કસ્ટમાઇઝ નંબર મળી શકે છે. તમારે જે નંબર જોઈતો હોય તે અવેલેબલ હોવો જોઈએ અને નસીબ જોગ તેને આ નંબર પણ મળી ગયો અને કેનેડામાં પહોંચ્યાના 3 મહિનામાં જ “આહીર” નંબર વાળી કાર પણ લઇ લીધી.

Niraj Patel