કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

સપનામાં હનુમાનજીનો આદેશ થતા આ સાધુએ 64 ટનની મૂર્તિ પ્રયાગરાજ પહોંચાડી! વાંચો પૂરી માહિતી

ભારતદેશમાં ધર્મ સાથે જોડાયેલી, આસ્થા સાથે જોડાયેલી એવી અનેક વાતો સામે આવે છે જે ખરેખર આશ્વર્ય આપનારી હોય છે. એમાંયે હિન્દુ ધર્મના સાધુ-સંતોની વાતો કંઈક નિરાળી જ હોય છે. રાજસ્થાનમાં ભીલવાડા શહેર આવેલું છે. આમ તો ભીલવાડા કાપડનાં કારખાનાંઓ માટે રાજસ્થાન સહિત દેશભરમાં પ્રખ્યાત છે. પણ અહીં સંકટ મોચન હનુમાનજીનું મંદિર પણ આવેલ છે.

આ મંદિરના મહંત સાથે જોડાયેલો એક કિસ્સો હમણા ખાસ્સો ચર્ચામાં છે. સંકટ મોચન મંદિરના મહંત પૂજ્ય બાબુ ગીરિ ૬૪ ટન વજનની હનુમાનજીની મૂર્તિ લઈને રાજસ્થાનથી છેક ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ(અલ્હાબાદ) પહોંચ્યા! બજરંગબલીની આ ગંજાવર મૂર્તિ સાથે તેમણે ૧૮ દિવસની અવધિમાં ૨૧૦૦ કિલોમીટરનું અંતર તય કર્યું અને મૂર્તિને પ્રગાયરાજ પહોંચાડી.

શા માટે આવું કર્યું?:
દાદા હનુમાનની આ સિંદૂરરંગી ભવ્ય મૂર્તિને એક જ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે! મૂર્તિની ઉંચાઈ ૨૮ ફૂટ છે, જ્યારે પહોળાઈ ૧૨ ફૂટ છે. મૂર્તિને ખુલ્લા ટ્રક પર લાવવામાં આવી હતી, જે ટ્રક ૬૦ ફૂટ જેટલો લાંબો હતો. ફક્ત મૂર્તિને ટ્રક પર ગોઠવતા જ આઠ કલાક જેટલો સમય તો લાગેલો.

મહંત બાબુ ગીરિ જણાવે છે, કે હનુમાન દાદાએ તેમને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યાં હતાં. તેમની જ ઇચ્છા હતી કે, મૂર્તિને પ્રયાગરાજ પહોંચાડવી. અને ત્યારબાદ જ આ ૨૧૦૦ કિલોમીટર લાંબી આ યાત્રાનો સંકલ્પ કરવામાં આવ્યો. ૯ ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલી યાત્રા ૨૭ ફેબ્રુઆરીના રોજ પૂરી થઈ અને મૂર્તિ પ્રયાગરાજ પહોંચી. આ યાત્રામાં વચ્ચે અનેક લોકોએ દાદાનાં દર્શન પણ કર્યાં.

પ્રયાગરાજ લાવવામાં આવેલી હનુમાનજીની આ મહાબલી મૂર્તિનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું. ગંગાજળ, દૂધ અને દહીઁ વડે મૂર્તિનો અભિષેક થયો. મહંત બાબુ ગીરિ સાથે મહંત નરેન્દ્ર ગીરિ(અખિલ ભારતીય અખાડા પરિષદના મહંત) દ્વારા મૂર્તિની પૂજા થઈ.