અમદાવાદના આંગણે આજથી 600 એકર જમીનમાં ઉજવાશે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ, જાણો કેવી છે સુવિધા અને ત્યાં પહોંચવા માટે શું કરવું ?

આજથી સતત 1 મહિના સુધી અમદાવાદમાં યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, 3 લાખ NRI અને દેશના લાખો હરિભક્તો થશે સામેલ, જુઓ કેવી છે વ્યવસ્થા ?

ગુજરાતની અંદર કોઈપણ પ્રસંગ હોય ખુબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે, ત્યારે હાલ અમદાવાદમાં દુનિયાભરના લોકો માટે એક મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ અમદાવાદના ઓગણેજ ખાતે ઉજવવામાં આવશે.

આ મહોત્સવ માટે ઓગણેજમાં 600 એકર જમીનની અંદર વિશાળ સ્વામિનારાયણ નગર પણ ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે આજે સાંજના 5 વાગ્યાથી લઈને 7:30 સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન થવાનું છે.

આ મહોત્સવનો લ્હાવો લેવા માટે દેશ-વિદેશના હજારો ભક્તો સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા સ્વામિનારાયણ નગરમાં આવી પહોંચ્યા છે. ત્યારે આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અનેક મંત્રીઓની હાજરીમાં આ મહોત્સવનો ભવ્ય શુભારંભ થવા માટે જઈ રહ્યો છે.

આ શતાબ્દી મહોત્સવ સતત 1 મહિના સુધી ચાલવાનો છે ત્યારે આ એક મહિનામાં મહોત્સવમાં ભાગ લેવા માટે 3 લાખ એનઆરઆઈ પણ ભારત આવવાના છે, જેમણે 5 સ્ટાર અને 4 સ્ટાર હોટલમાં બુકીંગ પણ કરાવી લીધા છે. તેમના માટે આ હોટલોમાં ખાસ સ્વામિનારાયણ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ભવ્ય મહોત્સવમાં ભક્તોને કોઈ અગવળ ના પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શહેરના અલગ અલગ રૂટથી આ મહોત્સવમાં પ્રવેશવા માટે 7 પ્રેવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર સ્વામિનારાયણ નગરની રચના અને ડિઝાઇનિંગ ધોરણ 6 પાસ શ્રીજીસ્વરૂપદાસસ્વામીજીએ તૈયાર કરી છે.

આ મહોત્સવમાં ભાવિક ભક્તો માટે ભજનથી લઈને ભોજન સુધીની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને આ બધી જ સુવિધાઓ સુધી ભક્તો પહોંચી શકે તેના માટે એક ખાસ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. અહીંયા આવનારા લોકો માટે PSM 100 નામની એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જેમાં તમામ માહિતી ભક્તોને મળી રહશે અને આ એપ ભક્તોની સેવામાં 24×7 ઉપલબ્ધ રહેશે.

અન્ય સ્થળોએથી બસ કે ટ્રેન દ્વારા આવતા મુસાફરોને સ્વામિનારાયણ નગર સુધી પહોંચવામાં કોઈ અગવડ ના પડે તે માટે થઈને અમદાવાદમાંથી આ મહોત્સવ સ્થળ સુધી લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી AMTS બસો ફાળવવામાં આવી છે. આ તમામ બસોનું ભાડું સ્વામિનારાયણ સંસ્થા દ્વારા AMTSને ચૂકવવામાં આવશે.

આ મહોત્સવમાં 24 દેશોના પ્રધાનમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પણ ચાર્ટર પ્લેનની ચહલ પહલ જોવા મળવાની છે, આ મહોત્સવમાં નેતાઓથી લઈને અભિનેતાઓ પણ હાજરી આપશે. ત્યારે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી હતી. જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

Niraj Patel