૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો તોડી પાડવામાં આવી તેનું રિએક્શન હંમેશાની જેમ પાકિસ્તાનમાં પણ આવ્યું. બાકી હતાં તે અનેક હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યાં. તેમાં એક મંદિર હતું : પ્રહલાદપુરીનું! આ મંદિરનો પૂરો વિનાશ થયો એ વાતે અનેક હિન્દુઓનાં હ્રદયમાં ચીરો પાડ્યો. મંદિર આજકાલનું નહોતું. માનવામાં આવે છે કે, ખુદ પ્રહલાદે ભગવાન નૃસિંહની યાદમાં આ મંદિર બંધાવેલું!

અહીં જ પ્રગટ થયા હતા પ્રભુ નૃસિંહ:
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલાં મુલ્તાન(કશ્યપપુર)માં પ્રહલાદપુરી નામનું આ મંદિર આવેલું છે અથવા હતું. કેમ કે, અત્યારે તો ત્યાં મંદિર જેવું કંઈ છે નહી. પડખે એક કબર છે અને જર્જરિત પથ્થરો ચારેબાજુ પડ્યા છે. પાકિસ્તાને અન્ય ધર્મની કદર કરવાનું કદી શીખ્યું તો છે નહી!
હિન્દુઓ માટે આ મંદિર વર્ષો પહેલાં ખાસ મહત્ત્વ ધરાવતું હતું. નાસ્તિક રાક્ષસ હિરણ્યકશિપુએ જ્યારે પ્રહલાદ પરમ જુલમ ગુજારવામાં બધી હદ પાર કરી નાખી ત્યારે તેણે એક નવો પેંતરો અજમાવ્યો. એક થાંભલો ધગધગાવ્યો. લોખંડનો આખો સ્તંભ લાલચોળ બની ગયો ત્યાં સુધી તપાવ્યો. પછી પ્રહલાદને કહ્યું કે,
“મૂર્ખા! હવે જો તને લાગતું હોય કે તારો વિષ્ણુ આમાં છે તો બાથ ભરી લે આને…!”
હાથીના પગ તળે સૂઈ જવામાં, ફૂઈ હોલીકાના ખોળામાં બેસીને અગ્નિ માથે ચડવામાં જેણે પળભરનો વિચાર નહોતો કર્યો એ પ્રહલાદ પણ આ થાંભલાને જોઈને ઘડીભર ધ્રૂજી ગયો! એકાએક એની નજર થાંભલા પર પડી. કંઈક દેખાયું. નજર ઝીણી કરીને જોયું તો કીડીઓની હાર ચાલી જતી હતી! બસ, હવે કાંઈ ના થાય! પ્રહલાદે થાંભલાને બાથ ભીડી લીધી.
એ સાથે જ હિરણ્યકશિપુનો કાળ પણ આવી ગયો. સ્તંભ ચીરાયો. અંદરથી પ્રભુ વિષ્ણુનો નરસિંહ અવતાર પ્રગટ થયો. સંધ્યાટાણે રાજમહેલને ઊંબરે હિરણ્યકશિપુની છાતી ચીરાઈ ગઈ. ચોતરફ ધર્મનો જયકાર થયો! પ્રભુ નૃસિંહનો જયકાર થયો!

મંદિરમાં હતા સોનાના સ્તંભ:
મંદિરની મૂળ સંરચનામાં સોનાના સ્તંભ હતા એવું ઇતિહાસમાં નોઁધાયું છે. ૧૮૧૦માં શિખો દ્વારા આ મંદિરણો જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલો. એ પછી મંદિરની પડતી દશા બેઠેલી. ૧૯૪૭માં ભાગલા પડ્યા એ પછી અહીઁ ધર્માંધ પાકિસ્તાનીઓએ અહીઁ હિન્દુ-શીખ પ્રજાને હતી ન હતી કરી નાખી અને મંદિરનું પણ તેવું જ થયું. એ તો ભલું થજો બાબા નારાયણદાસ બત્રા નામના બાવલિયાનું કે જેણે ૧૯૪૭માં ભગવાન નૃસિંહની મુખ્ય અને પુરાણી મૂર્તિ મંદિરમાંથી લઈને હરિદ્વાર પહોંચાડી દીધેલી!
હિરણ્યકશિપુ નાસ્તિક હતો. એનો કોઈને વાંધો નહોતો. એ માત્ર નાસ્તિક રહ્યો હોત તો જીવનભર એનો વાળ વાંકો ન થાત. પણ વધારેમાં તે બીજા લોકોને પણ નાસ્તિક બનવાનું દબાણ કરતો. ભગવાન હું જ છું એવું ઠસાવવાનો પ્રયાસ કરતો. એટલે પછી માર્યો ગયો! આ વાત એવું કહી જાય છે, કે તમે ઈશ્વરમાં માનો કે ના માનો એ તમારી મરજી, પણ કોઈ ઉપર તમારી માન્યતા ધરાર થોપી બેસાડવાનો પ્રયાસ કરશો તો પરબારા રહેશો!
આર્ટિકલ માહિતીપ્રદ લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.