ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ખબર સામે આવતી રહે છે, જેમાં ઘણા સામાન્ય લોકો સિવાય નેતા કે પછી તેમના પરિવારના સભ્યો કે મનોરંજન જગતના પણ હોય છે. ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હોવાની ખબર સામે આવી છે.
કારમાં પ્રહલાદ મોદી સાથે તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડને વ્યાપક નુકસાન થયું છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાટકના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે આ અકસ્માત ત્યારે થયો
જ્યારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અચાનક રસ્તા પર આવી ગયેલા વ્યક્તિને બચાવવા માટે સ્ટિયરિંગ ફેરવી દીધું અને તેને કારણે કાર પૂરપાટ ઝડપે રોડ ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માત સમયે પ્રહલાદ મોદી પોતાના પરિવાર સાથે કારમાં મૈસૂરથી બાંદીપુર જઈ રહ્યા હતા. ડ્રાઈવર સત્યનારાયણ કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક આ અકસ્માત સર્જાયો. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે મીડિયાને જણાવ્યું કે તમામ લોકો સંપૂર્ણપણે ખતરાની બહાર છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી.ઘટનાના વિઝ્યુઅલમાં જોઈ શકાય છે કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. પીએમ મોદીના પૌત્રના પગમાં ફ્રેક્ચર થયું છે.આ અકસ્માત મંગળવારે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ થયો હતો.