અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

આજે તમે સોમનાથ, અંબાજી અને શામળાજીનાં બેજોડ મંદિરો જુઓ છો તેની પાછળ આ દાદાનું દિમાગ છે!

અરબ સાગરને કાંઠે આવેલ ગુજરાતના ગૌરવ સમાન સોમનાથ મંદિર અને ગુજરાતનો ઉત્તરીય સીમાડો સાચવીને બેઠેલાં માતા અંબાનાં અંબાજી મંદિરનાં દર્શન તો બધાએ કર્યાં જ હોય. વધારેમાં, અરવલ્લીમાં આવેલ શામળાજીનાં મંદિરે પણ મોટાભાગના લોકો જઈ આવ્યા હશે. આ મંદિરોની બનાવટ અને કોતરણી કેટલી ભવ્ય છે! આધુનિક કાળમાં જ પુન:ર્નિમાણ પામેલાં દેવસ્થાનોને દેખતા જ દિલ ઠરે એવું અદ્ભુત કરતબ કારીગરોએ કરી બતાવ્યું છે!

આજે બહુ ઓછા લોકોને ખબર હશે ગુજરાતનાં આ ત્રણ પ્રસિદ્ધ મંદિરો અને એ સિવાય ગુજરાત અને ગુજરાત બહારનાં અનેક જાણીતા મંદિરો બનાવવા પાછળ એક જ માણસનું દિમાગ હતું. એ હતા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા!

સાત ચોપડીનો જ અભ્યાસ કરેલો:
પ્રભાશંકર સોમપુરાની ગણતરી આધુનિક ભારતના શ્રેષ્ઠ સ્થપતિ(આર્કિટેક્ચર)માં થાય છે. ૧૮૯૬માં પાલિતાણામાં તેમનો જન્મ થયો. સોમપુરા બ્રાહ્મણોનો સદીઓથી સ્થાપત્યનાં બાંધકામ ક્ષેત્રે જોટો જડે તેમ નથી. તેમનો મુખ્ય ધંધો જ આ છે. પ્રભાશંકર દાદાના પરિવારનો વ્યવસાય પણ શિલ્પકળાનો જ હતો. દાદા સાત ચોપડી સુધી તો માંડ ભણ્યા અને થોડોક અભ્યાસ સંસ્કૃતનો કર્યો. બસ પછી બાપ-દાદાના ધંધામાં લાગી ગયા!

જૂનવાણી ગ્રંથોનો કઠોર અભ્યાસ કર્યો:
પ્રભાશંકર દાદાનાં ઘરમાં બાપદાદાઓના વખતના એકદમ જૂનવાણી ગ્રંથો રહેલા હતા, જે શિલ્પશાસ્ત્રને લગતા હતા. દાદાએ તે બધા ગ્રંથોનો એકદમ બારીકીથી અભ્યાસ કર્યો. શાળાકીય શિક્ષણ તો દાદાનું સાત ચોપડીનું જ હતું, પણ જાતમહેનતથી એટલું જ્ઞાન ભેગું કર્યું કે કોઈ અડધી જિંદગી ભણેલા આર્કિટેક્ચરને પણ આંટી જાય! આગળ જતા તેમણે જાતે શિલ્પકળા વિશેના ૧૪ ગ્રંથો પ્રગટ કર્યા. આ ગ્રંથો આજે પણ શિલ્પીઓ માટે ગુરૂચાવી જેવા છે! પ્રભાશંકર દાદાને શંકરાચાર્યજીએ ‘શિલ્પ-વિશારદ’ કહીને નવાજ્યા.

આમ થયું સોમનાથનું નિર્માણ:
ઇસ્લામનાં આક્રમણો શરૂ થયાં એ પછી ભારતીય પ્રજામાં અંધારપટ છવાઈ ગયો. આશરે ૮૦૦ વર્ષ સુધી ભારતમાં ઇસ્લામી સલ્તનતનું શાસન રહ્યું એ વેળા મોટાભાગનાં પ્રસિદ્ધ હિન્દુ મંદિરો ધર્મઝનૂની બાદશાહોએ ખંડેરોમાં ફેરવી નાખ્યાં. સોમનાથ મંદિર પણ તેમાનું એક હતું. છેલ્લે મંદિરને ઔરંગઝેબે તોડ્યું એ પછી લગભગ ૨૫૦ વર્ષ મંદિર ખંડિયર જ રહ્યું. આઝાદી બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી અને જામનગરના મહારાજ જેવા મહાનુભાવોએ મંદિરને ફરીવાર ઊભું કરવાનું નક્કી કર્યું.

સોમનાથ મંદિરની ડિઝાઇન અને બાંધકામનું કામ એ સમયના વિખ્યાત સ્થપતિ પ્રભાશંકર સોમપુરાને સોંપાયું. દાદાએ કામ માથે લીધું. સોલંકી(મારૂ ગુર્જર) શૈલીમાં મંદિર બાંધવામાં આવ્યું. મંદિરની ભવ્યતા અરબ સાગરને કાંઠે જાણે ચમકી ઉઠી! મંદિરને ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ’ નામ અપાયું. એ વખતે ૫૦ લાખના ખર્ચે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું.

૧૧ મે, ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રબાબુ સોમનાથ આવ્યા. ૯ વાગીને ૪૫ મિનિટે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ. નગારે ઘા પડ્યા, ઝાલરો રણકી ઉઠી, ગગન ગજાવતા શંખનાદો થયા અને અનેક બ્રાહ્મણોએ એકીસાદે ધીરગંભીર અવાજે ભગવાન સોમનાથની સ્તુતિઓ ગાવા માંડી. ‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના નાદની સોરઠ ગાજી ઉઠ્યું!

આ મંદિરો પણ દાદાએ જ બાંધ્યાં છે:
સોમનાથ ઉપરાંત, અંબાજીનું મંદિર અને શામળાજીનું મંદિર પણ પ્રભાશંકર સોમપુરાએ જ બાંધેલ છે. તદ્દોપરાંત, મથુરામાં આવેલ ભગવાન કૃષ્ણનું મંદિર અને દિલ્હીનું રામ મંદિર પણ તેમનાં જ દિમાગનું કામ છે. આજે પ્રભાશંકર દાદાનો પરિવાર પણ આ જ કાર્ય સાથે જોડાયેલો છે. અંબાજી મંદિરનાં પટાંગણમાં આવેલ અદ્ભુત ‘શક્તિ દ્વાર’ તેમના વંશજોએ જ બનાવેલ છે. એવું કહેવાય છે, કે અયોધ્યાનું રામ મંદિર પણ કદાચ પ્રભાશંકર દાદાનો પરિવાર જ બાંધશે.

પદ્મશ્રીનો ખિતાબ મળ્યો:
૧૯૭૩માં પ્રભાશંકર દાદાને ભારત સરકારે શિલ્પ અને સ્થાપત્યમાં તેમનાં અવિસ્મરણીય યોગદાનને જોતા ‘પદ્મશ્રી’ વડે નવાજ્યા. રાષ્ટ્રપતિ દ્વારા ચાર હજાર રૂપિયાનો પુરસ્કાર અને શાલ ઓઢાડીને સન્માન પણ થયેલું. ૧૯૭૮માં પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાનું અવસાન થયું. હજુ તેમની યાદો અમર છે! વંદન છે આવા કલાકારને!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Team