ભારતમાં વીજળી સંકટના ભણકારા, 72 થર્મલ પાવર પ્લાન્ટ પાસે છે માત્ર 3 દિવસનો વધુ કોલસો?

તો શું ભારતમાં અંધારપટ થશે?

ભારતમાં પણ ચીનની જેમ વીજ કટોકટીની સંભાવના છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને અન્ય એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા કોલસાની ઉપલબ્ધતાના ડેટાનું મૂલ્યાંકન કર્યા બાદ નિષ્ણાતોએ આ ચેતવણી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી 72 પાસે વીજળી પેદા કરવા માટે માત્ર ત્રણ દિવસનો વધુ કોલસો બચ્યો છે.

આ પ્લાન્ટ કુલ વીજ વપરાશના 66.35 ટકા વીજળી પેદા કરે છે. આ સંદર્ભમાં, 72 પ્લાન્ટ બંધ હોવાથી કુલ વપરાશમાં 33 ટકાનો ઘટાડો થઈ શકે છે. સરકાર અનુસાર, કોરોના પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019 માં દેશમાં 10,660 કરોડ યુનિટ વીજળીનો દૈનિક વપરાશ હતો, જે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021 માં વધીને 12,420 કરોડ યુનિટ થયો છે. આ સમય દરમિયાન, કુલ વપરાશના 61.91 ટકા થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન થઈ રહી હતી. આ કારણે, આ પ્લાન્ટમાં કોલસાનો વપરાશ પણ બે વર્ષમાં 18% વધ્યો છે.

અહીં પણ ચિંતાના સંકેત : બાકીના 50 પ્લાન્ટમાંથી ચારમાં માત્ર 10 દિવસનો કોલસો બાકી છે અને 13 પાસે 10 દિવસથી થોડો વધારે કોલસો બાકી છે.

આયાતી કોલસો ત્રણ ગણો મોંઘો : ઇન્ડોનેશિયાના આયાતી કોલસાની કિંમત બે વર્ષમાં 60 ડોલર પ્રતિ ટનથી ત્રણ ગણી વધીને 200 ડોલર થઈ ગઈ છે. તેના કારણે 2019-20થી જ આયાત ઘટી રહી છે. પરંતુ પછી તે સ્થાનિક ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવામાં આવી.

કેન્દ્ર સરકારે નિરીક્ષણ સમિતિ બનાવી : સપ્તાહમાં બે વખત સ્ટોકની સમીક્ષા કરવા માટે કેન્દ્રએ કોલસા મંત્રાલયની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, કોલ ઇન્ડિયા લિમિટેડ, પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન, રેલવે અને પાવર મંત્રાલયની કોર મેનેજમેન્ટ ટીમ પણ બનાવવામાં આવી છે, જે દરરોજ મોનીટરીંગ કરી રહી છે.

  • શા માટે પરિસ્થિતિ વણસી : અર્થતંત્રમાં સુધારો: ભલે તે સકારાત્મક છે, પરંતુ તેના કારણે દેશમાં વીજળીની માંગ ઝડપથી વધી છે.

  • કોલસાની ખાણ વિસ્તારોમાં ભારે વરસાદ: સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી ઉત્પાદન અને પુરવઠા પર અસર પડી.
  • કિંમતો વધી: કોલસો મોંઘો થવાથી ખરીદી ઓછી અને ઉત્પાદન પણ ઓછુ.
  • ચોમાસા પહેલા સ્ટોક નહીં: સરકારના જણાવ્યા અનુસાર, કંપનીઓએ આ પગલું અગાઉથી લેવું જોઈતું હતું.
  • રાજ્યો પર ભારે જવાબદારી: યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ પર કંપનીઓના મોટા લેણાં.

કોલસાની કટોકટીની જાણકારી ઓગસ્ટમાં મળી હતી : કોલસાની કટોકટીનું મૂલ્યાંકન માત્ર બે મહિના પહેલા થયું હતું, જ્યારે 1 ઓગસ્ટના રોજ પણ કોલસાના સંગ્રહના માત્ર 13 દિવસ બાકી હતા. તે સમયે થર્મલ પ્લાન્ટ્સ પ્રભાવિત થયા હતા અને ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં વીજ ઉત્પાદનમાં 13,000 મેગાવોટનો ઘટાડો થયો હતો. સીએમટીના હસ્તક્ષેપે તે સમયે પરિસ્થિતિમાં સુધારો કર્યો હતો, પરંતુ ઉત્પાદનમાં હજુ પણ 6960 મેગાવોટની તંગી છે. હકીકતમાં, કોરોનાની બીજી લહેર શમી જતાં ઓદ્યોગિક પ્રવૃત્તિઓ વેગ પકડવા લાગી અને તેની સાથે કોલસાનો વપરાશ પણ વધ્યો.

વીજળીની માંગ વધતી રહેશે : સરકારને અનુમાન છે કે વીજળીની માંગ સતત વધતી રહેશે. તેથી, વપરાશ કરતાં દૈનિક કોલસાનો પુરવઠો વધારવો જરૂરી છે. સરકારે 700 મેટ્રિક ટન કોલસાના વપરાશનો અંદાજ લગાવ્યો છે અને પુરવઠાની સૂચનાઓ આપી છે. CEA એ વીજ કંપનીઓને કોલસાના બાકી લેણા સમયસર ન આપતી કંપનીઓને સપ્લાઈ ચેનમાં નીચે અને સમયસર ચૂકવણી કરતી કંપનીઓને પ્રાથમિકતા આપવાની ભલામણ કરી છે.

YC