યુવાનો જયારે કરિયાણાની કીટ આપવા ગયા ત્યારે ગરીબ ઘરની બહેને જે જવાબ આપ્યો સાંભળીને ચોંકી જશો

0

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, આ લોકડાઉનમાં ઘણાં લોકો પોતાના ઘરની અંદર જ રહી રહ્યા છે ત્યારે રોજ બરોજ મજૂરી કરી અને પોતાના જીવનનું ગુજરાન કરતા લોકોના માથે આફત આવી ગઈ છે. તેમને બે ટંકનું જમવાનું મળી રહે તે માટે ઘણી સેવાભાવી સન્સ્થાઓ સાથે સામાન્ય લોકો પણ મદદ માટે આગળ આવ્યા છે અને પોતાની આસપાસ જે પરિવારોને જમવાનું નથી મળી રહ્યું તેવા પરિવારને રાશન કીટ સઠજે જરૂરી સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આપણને પણ આ ગરીબ પ્રત્યે માન થઇ જાય.

Image Source

લેખક શૈલેષ સગપરીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં જ એક આવા પરિવારની માહિતી આપી છે જે વાંચીને ખરેખર આપણને એ પરિવાર માટે ગર્વનો અનુભવ થાય. શૈલેષ સગપરીયાએ પોસ્ટમાં જણાવ્યું હતું કે:

રાજકોટ જિલ્લાના ઉપલેટાની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિભાઈ સુવાએ એના મિત્રો તેજસ સોલંકી, મનીષ મકવાણા અને કલ્પિત નથવાણી સાથે મળીને ગરીબોને મદદ કરવા કિટ વિતરણની સેવા ચાલુ કરી છે.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિવારની આર્થિક સ્થિતિની તો એના ટીચરને ખબર જ હોય એટલે પોતાના વિદ્યાર્થીઓના પરિવારને મદદ કરવા દાતાઓના સહયોગથી કીટ તૈયાર કરીને કોઈપણ જાતની જાહેરાત કે પ્રચાર વગર જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યું. થોડી કીટ વધી એટલે આ મિત્રોને વિચાર આવ્યો કે સીમમાં રહેતા ગરીબો સુધી કદાચ કોઈ ના પહોંચ્યું હોય તો આપણે તેવા લોકોને શોધીને તેમને કીટ આપીએ. ગાડીમાં કીટ લઈને મિત્રો સીમમાં નીકળી પડ્યા.

પોરબંદર રોડ પરની એક સીમમાં બે-ત્રણ ઝુંપડા દેખાયા એટલે ગાડી તે તરફ લઈ ગયા. ઝૂંપડામાં રહેનારા પણ જાણે કે ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરતા હોય એમ બધા ઝૂંપડાની અંદર હતા. આ મિત્રોએ બહારથી જ અવાજ કર્યો કે છે કોઈ ઘરમાં ?

ઝૂંપડામાં રહેતા એક બહેન અને બાળકો બહાર નીકળ્યા. એને પહેરેલા કપડાં જ એની ગરીબાઈની ચાડી ખાતા હતા. હરિભાઈએ બહેનને પૂછ્યું કે અહીંયા કોઈ ભોજન કે અનાજ આપવા આવ્યું છે. તો બહેનએ ના પાડી એટલે આ ભાઈએ કહ્યું, “આ લઇ લ્યો અમે તમારા માટે અનાજ-કરિયાણાની કીટ લાવ્યા છીએ.”

Image Source:
Shailesh Sagpariya Facebook

બહેને જવાબ આપ્યો, “પણ, ભાઈ અમારે મદદની કોઈ જરૂર નથી”. હરિભાઈને થયું કે આ બહેનને એમ હશે કે કિટમાં ખાલી લોટ હશે એટલે આખી કીટ ખોલીને બતાવી જેમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હતી. આટલી બધી વસ્તુઓ જોયા પછી પણ એ બહેને કહ્યું, “ભાઈ, અમારે અત્યારે કોઈ જરૂર નથી. અત્યારે બીજા ગરીબ માણસોને એની જરૂર હશે. જેને જરૂર હોય એને આપો.”

ઉપલેટાના એ સેવાભાવી યુવાનો આ ગરીબ બહેનની ખાનદાની અને અમીરાઈને જોઈ જ રહ્યા.

મિત્રો, આ દુનિયામાં આવા ખાનદાન માણસો પણ છે જે અત્યંત ગરીબાઈમાં જીવતા હોવા છતાં જરૂરિયાત વગર કશું જ લેતા નથી અને બીજી બાજુ એવા લોકો પણ છે જે જરૂરિયાત વગર પણ બધું ભેગું કર્યા જ કરે છે.

બહેનની ખાનદાનનીને સો સો સલામ.
(શૈલેષ સગપરિયા)

આજે એક તરફ લોકો મફતનું લેવા માટે હોળ મચાવી રહ્યા છે ત્યારે બીજી તરફ એવા લોકો પણ છે જે આ મહામારીમાં બીજાનું પણ દુઃખ સમજે છે. અને પોતાને જરૂરિયાત ના હોય એ મદદ બીજા સુધી પહોંચાડવાનું પણ જણાવી રહ્યા છે, શૈલેષ સગપરીયાની આ પોસ્ટમાં આ વાત  બહુ સારી રીતે જોવા મળી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.