ભૂખ્યા બાળકો અને લાચાર મા, બળદની જગ્યાએ માતાએ જ 15 કિલોમીટર સુધી ખેંચ્યું ગાડું, વીડિયોમાં છલકાયું દર્દ, જોઈને તમારી આંખો પણ ભરાઈ આવશે

મા એ દુનિયામાં એક એવી વ્યક્તિ છે જે પોતાના સંતાનો માટે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે, તે પોતે ભૂખી રહીને પણ પોતાના સંતાનોનું પેટ ભરતી હોય છે. તો પોતાના સંતાનો ઉપર આવેલી મુસિબતોને પણ પોતાના માથે લઇ લેતી હોય છે. માતૃપ્રેમના ઘણા કિસ્સાઓ પણ સામે આવે છે, ત્યારે હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો લોકોના હૃદય હચમચાવી રહ્યો છે. જેમાં હાઇવે ઉપર એક મા પોતાના બાળકોને બેસાડીને ગાડુ ખેંચતી જોવા મળી રહી છે.

આ હચમચાવી દેનારો વીડિયો સામે આવ્યો છે મધ્યપ્રદેશના રાજગઢમાંથી જ્યાં એક ગરીબ વિધવા મહિલા તેના માસૂમ બાળકને બળદગાડામાં હાથથી ખેંચી રહી છે. આ હૃદયસ્પર્શી વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે એટલું જ નહીં, તંત્ર પર અનેક સવાલો પણ ઉભા કર્યા છે. રાજગઢથી વાઈરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે લક્ષ્મીબાઈ નામની એક મહિલા પાચોરથી 30 કિમી દૂર સારંગપુર જઈ રહી હતી, તે તેના સામાન અને એક માસૂમ બાળકી સાથે બળદગાડાને ખેંચીને જઈ રહી હતી.

આ દરમિયાન તેણે લગભગ 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ત્યારે રસ્તામાં બે લોકોની નજર તે મહિલા પર પડી. તેણે પોતાની મોટરસાઈકલ રોકીને મહિલાની હાલત પૂછી અને તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો. તે મહિલાના બળદગાડાને તેની મોટરસાઇકલ સાથે દોરડા વડે બાંધી સારંગપુર લઇ ગયો.

મહિલાએ જણાવ્યું કે તેના પતિનું અવસાન થઈ ગયું છે અને તે ભાગ્યે જ એક સમયનું ભોજન ખાઈ શકે છે. તેની પાસે ન તો રહેવા માટે ઘર છે કે ન તો કોઈ તેની મદદ માટે આગળ આવે છે. “હું હાથ જોડીને વિનંતી કરું છું કે મને અને મારી પુત્રીને મદદ કરવામાં આવે. ઓછામાં ઓછું મને બે ટાઈમ ખાવાનું મળી શકે !”

મહિલાની મદદ કરનાર શિક્ષક દેવી સિંહ નાગરનું કહેવું છે કે તે તેના પાર્ટનર સાથે ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની નજર એક મહિલા પર પડી, જે તેના બંને હાથ વડે બળદગાડાને ખેંચી રહી હતી. અમે અમારી બાઇક રોકીને તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન મહિલાએ કહ્યું કે તે સારંગપુર જઈ રહી છે. તેણે અને તેની દીકરીએ કંઈ ખાધું પણ નથી. પછી અમે તેને પૂછ્યું કે કોઈ દોરડું છે તો તેણે બળદગાડામાંથી બહાર કાઢી દોરડું આપ્યું અને અમે તેની બળદગાડીને બાઇક સાથે બાંધીને સારંગપુર પહોંચાડી દીધી.

Niraj Patel