સુરતમાં પોલીસકર્મી જ બન્યા અપરાધી, પાર્કિંગમાં બેઠેલા યુવકને દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લીધો

પોલીસે જનતાનું રક્ષણ કરવા માટે પોતાની ફરજ બજાવે છે, ત્યારે ઘણા પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે પોતાના જીવન જોખમે પણ લોકોની મદદ કરતા હોય છે, તો ઘણા એવા પણ હોય છે જે પોતાની ફરજ અને પ્રતિજ્ઞાને સમજતા નથી અને પોતાની વગનો દુરુપયોગ પણ કરતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પોલીસકર્મીએ જ એક યુવક સાથે એવું કર્યું કે સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં મોપેડ પર બેસી સિગારેટ અને થમ્સઅપ પી રહેલા યુવાનને “દારૂ પીવે છે?” એમ કહીને પોલીસકર્મીએ લાલ રંગની સ્વીફ્ટ કારમાં તે યુવકનું અપહરણ કરી લીધું હતું. પોલીસકર્મીએ યુવકને પોલીસ કેસ કરવાની ધમકી આપી, માર મર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. જેના બાદ યુવકના પાકીટમાંથી 5,000 રૂપિયા રોકડા અને અને ગૂગલ-પે મારફતે 25,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેના બાદ પોલીસ કર્મચારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

હવે આ મામલે પીડિત યુવકે ઉમરાના પોલીસ સ્ટેશનના કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ આપતા ઉમરા પોલીસે એક પોલીસકર્મી સહિત બે સામે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે ઉમરા પોલીસ સ્ટેશનના પોલી કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધાવવાના કારણે આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ બાબતે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ નીરવ સોની જે ઝેરોક્ષની દુકાન ચલાવે છે અને ભટાર શિવનગરના રહેવાસી છે તેમને જણાવ્યું હતું કે. “ગત.તા.3 જુલાઈ શનિવારના રોજ રાત્રિના સમય હું વેસુ હેપ્પી હોલ માસ કોમ્પલેક્ષ ખાતે આવેલા પાનના ગલ્લા ઉપર સિગારેટ પીવા બેસેલો હતો. તે સમયે હે.કોન્સ્ટેબલ વિલેશ ફતેસિંહ એક વ્યક્તિને સાથે બેસાડી લાલ કલરની સ્વીફ્ટ કારમાં આવ્યો હતો. ત્યારબાદ અમોને હે.કોન્સ્ટેબલ વિલેશ ફતેસિંહ તેની સાથેના વ્યક્તિની મદદગારીથી પોતાની કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો.”

નીરવ સોનીએ પોતાની ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, “દારૂ પીવાના કેસમાં જેલમાં મુકી દેવાની ધમકી આપી માર મારી એકાદથી દોઢ કલાક રોડ ઉપર કારમાં ફેરવ્યા હતા. ત્યારબાદ હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહે રોકડા રૂપિયા 5000 અને ગુગલ પે એપ્લીકેશન મારફતે રૂપિયા 25 હજારનું ટ્રાન્જેકશન કરાવી કુલ 30 હજાર બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.”

હવે આ મામલામાં નીરવ સોનીને બળજબરીથી કારમાં ઉઠાવી જવા અને પૈસા પડાવી લેવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાતા પોલીસે મામલે ગુન્હો નોંધી તપાસ કરતા એક યુવક ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કર્મચારી વિલેશ ફતેસિંહ જ હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Niraj Patel