પોલીસે મહેકાવી માનવતા, ઝોમેટો ડિલિવરી બોયને પોતાના પગારમાંથી લઇ આપી બાઈક, તસવીરો જોઈને કરશો સલામ

હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવા સમયે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નથી કરી રહ્યા. ત્યારે લોકો જમવાનું પણ ઓનલાઇન મંગાવીને ખાઈ રહ્યા છે, પરંતુ આવા સમયે ફૂડ ડીલીવરી બોયની હાલત ખુબ જ કફોળી બનતી હોય છે, આવી કાળઝાળ ગરમીમાં પણ તેમને ડિલિવરી આપવા માટે આવવું પડતું હોય છે.

દેશમાં ઘણા એવા ડિલિવરી બોય છે જેમની પાસે બાઈક પણ નથી અને તેઓ સાઇકલ લઈને ફૂડ ડિલિવરીનું કામ કરતા હોય છે. ત્યારે આવા જ એક ડિલિવરી બોય જે સાઇકલ ઉપર ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો તેને પોલીસ દ્વારા એક બાઈક આપવામાં આવી છે, જેની તસવીરો સામે આવતા જ લોકો ખાખીના વખાણ કરી રહ્યા છે.

આ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશની રાજધાની ઇન્દોરમાંથી. ઇન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશને આકરી ગરમીમાં સાઇકલ દ્વારા ભોજન પહોંચાડનારા ડિલિવરી બોય માટે કંઈક એવું કર્યું, જેના પછી હવે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં દેખાઈ રહેલા આ વ્યક્તિનું નામ જય હલ્દે જણાવવામાં આવી રહ્યું છે, જે Zomatoમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે.

જય કાળઝાળ ગરમીમાં દરરોજ સાઇકલ દ્વારા લોકોને તેમનું મનપસંદ ભોજન પહોંચાડે છે. આ દરમિયાન વિજય નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તહજીબ કાઝી અને પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ સાઈકલ પર ભોજન પહોંચાડતા ડિલિવરી બોય જય હલ્દેને જોતા હતા, ત્યારબાદ તેમને જયની આર્થિક સ્થિતિ વિશે ખબર પડી.

જયની હાલત જોઈને પોલીસકર્મીઓ ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમણે તેની મદદ કરવાનું નક્કી કર્યું, ત્યારબાદ બધાએ પોતાના સહયોગથી પૈસા ભેગા કર્યા અને ડિલિવરી બોય જય હલ્દેને એક મોટરસાઈકલ ભેટમાં આપી. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો પોલીસકર્મીઓના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ ઉપરાંત Zomato ડિલિવરી બોય જય હલ્દેએ પોલીસ દ્વારા કરવામાં આવેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. ડિલિવરી બોય જયના ​​કહેવા પ્રમાણે, અગાઉ તે સાયકલ દ્વારા માત્ર 8થી 10 પાર્સલ સુધી જ પહોંચી શકતા હતા, પરંતુ હવે બાઇકની મદદથી તેઓ 15થી 20 પાર્સલ સુધી પહોંચી શક્યા છે, જેનાથી તેમને આર્થિક રીતે પણ ફાયદો થઈ રહ્યો છે. વિજય નગર પોલીસ સ્ટેશનની આ અનોખી પહેલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

Niraj Patel