અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક, પોલિસ એક્શનમાં…ટાંટિયાતોડ સર્વિસ બાદ આરોપીઓનો કાઢ્યો વરઘોડો

પોલીસ સામે દાદાગીરી કરવી લુખ્ખા તત્વોને પડી ભારે, પોલિસે કરી ટાંટિયાતોડ સર્વિસ, જાહેરમાં કાઢ્યો વરઘોડો- આખરે હાથ જોડી માંગવી પડી માફી

18 ડિસેમ્બર બુધવારે રાતે બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઇ આતંક મચાવ્યો હતો. ત્યારે પોલિસ એક્શનમાં આવી અને 4 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમને સાથે રાખી પંચનામું કર્યું. પોલિસે આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ બાદ તેમનો વરઘોડો પણ કાઢ્યો હતો અને આ દરમિયાન આરોપીઓ હાથ જોડી માફી માગતા જોવા મળ્યા હતા. જાહેરમાં આતંક મચાવનારા અને પોલીસ સામે દાદાગીરી કરનાર આરોપીઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી. આ દરમિયાન આરોપીઓએ હાથ જોડીને સ્થાનિકોની માફી માગી હતી.

જો કે, વરઘોડો સ્વરૂપે પોલીસે પંચનામું કરતા હજારોની ભીડ એકઠી થઈ ગઇ હતી અને પોલીસને 6 મિનિટમાં જ આરોપીઓનું પંચનામું પૂરું કરવું પડ્યું હતું. જણાવી દઇએ કે, રખિયાલમાં આતંક મચાવનાર આરોપી સમીર શેખને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે 24 ડિસેમ્બર સુધી તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે પોલીસે તો 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યુ છે કે બાપુનગર અને રખિયાલમાં હથિયાર લઇને આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી શકે છે.

ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાશે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલ માથાકુટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયારથી આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસ વાન પહોંચી ત્યારે અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કર્યો હતો અને પોલિસને જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા પણ હતા. એટલુ જ નહીં, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી.

જ્યારે આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા તેઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસે અને રખિયાલ પોલીસે એક ફરિયાદ નોંધી હતી. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબુબ મિયા શેખની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ફરાર ગુંડાતત્વોની શોધખોળ શરૂ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ ઈન્ચાર્જ ઝોન છ ડીસીપીએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશકુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Shah Jina