‘પુષ્પા 2’ને લાગ્યું ગ્રહણ! મહિલાનાં મોત મામલે અલ્લુ અર્જુન પર નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો

4 ડિસેમ્બર 2024ની રાત્રે હૈદરાબાદના ચિક્કડપલ્લીમાં થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ફિલ્મના સ્ક્રિનિંગ માટે અભિનેતા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની એક ઝલક મેળવવા માટે ભારે ભીડ એકઠી થઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ દેશ-દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ તોડી રહી છે. અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 લોકોને ખુબ પસંદ આવી રહી છે. બોક્સ ઓફિસ પર એક બાદ એક રેકોર્ડ બનાવતા ફિલ્મને મળી રહેલી પોપ્યુલારીટીની વચ્ચે અલ્લુ અર્જુન મુશ્કેલીમાં છે. અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 4 ડિસેમ્બરની રાત્રે ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર શો દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. હૈદરાબાદ થિયેટરમાં મહિલાનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. પુષ્પા-2ના હીરો અલ્લુ અર્જુન વિરુદ્ધ મહિલાના મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. નાસભાગમાં 35 વર્ષની રેવતીનું મોત થયું હતું. તેનો 13 વર્ષનો પુત્ર હાલ સારવાર હેઠળ છે.

હવે સવાલ એ છે કે, જો થિયેટરમાં સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતું, તો અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ કેમ નોંધવામાં આવ્યો? પોલીસના જણાવ્યા અનુસાર, અલ્લુ અર્જુન કોઈને પણ જાણ કર્યા વગર જ થિયેટર પહોંચી ગયો હતો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. અલ્લુ અર્જુનની ટીમ તરફથી તે આવી રહ્યો છે તેની કોઈ પૂર્વ માહિતી નહોતી. આમ છતાં તેના આવવાની અપેક્ષાએ એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે તેને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનના આગમનની જાણ માત્ર થિયેટર મેનેજમેન્ટને જ હતી, પરંતુ તેમ છતાં તેઓએ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી અને ન તો અભિનેતાની ટીમ માટે અલગથી એન્ટ્રી અને એક્ઝીટના ગેટ બનાવ્યા હતા.

4 ડિસેમ્બરે લગભગ 9.30 વાગ્યે, અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને સંગીત નિર્દેશક દેવી શ્રી પ્રસાદ થિયેટરના પ્રીમિયર શો માટે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમના અંગત સુરક્ષા કર્મચારીઓએ રસ્તો બનાવવા માટે ભીડને ધક્કો મારવાનું શરૂ કર્યું. જેના કારણે પહેલેથી જ અસ્તવ્યસ્ત સ્થિતિ વધુ વિકટ બની હતી. ફેન્સ અલ્લુ અર્જુનની પાછળ જવા માટે પ્રયાસ કરવા લાગ્યા. જેના કારણે થિયેટરની નીચેની બાલ્કનીમાં અફરાતફરી મચી ગઈ હતી અને થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ હતી.

રેવતીનું મૃત્યુ કેવી રીતે થયું?

આ નાસભાગમાં રેવતી અને તેનો પુત્ર ભીડમાં ફસાઈ ગયા. મળતી માહિતી અનુસારસ, ડ્યુટી પરના પોલીસ અધિકારીઓએ તેમને બહાર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી મહેનત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં તેમનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. મહિલાને CPR આપ્યા પછી તેને તરત જ હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. પરંતુ દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં રેવતીને મૃત જાહેર કરવામાં આવી. હાલમાં તેમના પુત્રની ત્યાં સારવાર ચાલી રહી છે.

અલ્લુ અર્જુન પર શું છે આરોપ?

આ અકસ્માત બાદ મૃતકના પરિવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105 અને 118 (1) અને કલમ 3 (5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનના ડીસીપી અક્ષંશ યાદવે જણાવ્યું હતું કે, ફરિયાદ અનુસાર આ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુન, થિયેટર મેનેજમેન્ટ અને તેની સુરક્ષા ટીમને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ તમામ દોષિત પક્ષકારો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. થિયેટર મેનેજમેન્ટ અને અલ્લુ અર્જુનની સુરક્ષા ટીમે કોઈ ભૂલ કરી છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસમાં જો કોઈ દોષિત જણાશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Twinkle