ગુજરાતના વડોદરામાંથી હાલમાં જ એક અનોખો મામલો સામે આવ્યો, જેમાં ડભોઈની એક કોર્ટે પોક્સો એક્ટ હેઠળ એક વ્યક્તિને બળાત્કાર માટે 20 વર્ષની જેલની સજા ફટકારી અને પણ ભારે હૃદયે. તેમણે નોંધ્યું કે, આરોપી અને પીડિતા કે જે એ સમયે 17 વર્ષની હતી તે બંને વચ્ચે સહમતિથી સંબંધ બંધાયા હતા અને આરોપીને ભારે હૃદયે સજા કરવી પડે છે, કારણ કે કોર્ટ પાસે હાઈકોર્ટ જેવી સત્તા નથી અને કાયદાની બહાર જઈને દોષિત શૈલેષ વસાવાને નિર્દોષ છોડી શકતી નથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
જો કે, આ દરમિયાન કોર્ટે કહ્યુ કે, બંને વચ્ચે સંબંધ હતો, એટલા માટે પોક્સો એક્ટ હેઠળ જોગવાઈ હોવા છતાં પણ શખસને આજીવન કારાવાસની સજા નથી આપવામાં આવી રહી. કેસની વિગત જણાવીએ તો, આરોપી અને સગીર છોકરી 2013માં ભાગી ગયા હતા અને છોકરીના પિતા કે જે ખેડૂત છે તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના આરોપ અનુસાર, આરોપી તેમની દીકરીને ફોસલાવીને અપહરણ કરી લઇ ગયો હતો અને તેનો બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવી હતી.
જો કે, આરોપીના વકીલની દલીલ અનુસાર, છોકરી સ્વેચ્છાએ આરોપી સાથે ગઈ હતી કારણ કે તે એની સાથે રિલેશનમાં હતી. તેણે એક બાળકને જન્મ આપ્યો અને પછી બંને ડભોઈના તેમના ગામમાં પરત ફર્યા હતા. જો કે, આ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી અને બાદમાં તેને જામીન મળ્યા હતા. આરોપીના વકીલે એવું પણ કહ્યું કે, જામીન પર બહાર આવ્યા બાદ તે ફરીથી છોકરી સાથે રહેવા લાગ્યો અને બીજા બાળકનો પણ જન્મ થયો.
પણ સામા પક્ષના વકીલની દલીલ અનુસાર, આરોપીએ છોકરી સાથે શરીર સંબંધ બાંધ્યા ત્યારે તે સગીર હતી. એટલે આરોપીને આજીવન કારાવાસની સજા થાય એવી માગ કરવામાં આવી. જો કે, આરોપીના વકીલે કહ્યુ કે આરોપીને હળવી સજા આપવામાં આવે કેમ કે તેને બે બાળકો છે અને તેની જવાબદારી તેના માથે છે, પત્ની તો સંબંધ તોડીને ચાલી ગઈ છે. તે બાદ કોર્ટે કહ્યુ કે બંને પરસ્પર સંમત થયા બાદ સંબંધ બાંધ્યા હતા અને પીડિતા તેની મરજીથી ભાગી હતી.
જજે એવું નોંધ્યું કે, યુવતીએ તેના આરોપી પતિ અને બે બાળકોને છોડી દીધા છે અને જો આરોપી દોષિત ઠરે તો બાળકોને ભોગવવું પડશે, પણ કોર્ટના હાથ બંધાયેલા છે. આરોપીને કોર્ટે ભારે હ્રદયે 20 વર્ષની સજા ફટકારી હતી. જો કે, આરોપી વસાવાને અપહરણના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને કોર્ટે ભલામણ કરી કે પોક્સો એક્ટ હેઠળ બળાત્કાર પીડિતાને વળતરની રકમ તેમના બે બાળકોને આપવામાં આવે.