અમદાવાદના GMDC ગ્રાઉન્ડ બન્યું મોદી મય, નવરાત્રી મહોત્સવમાં પહોંચેલા વડાપ્રધાને મા અંબાની ઉતારી આરતી, જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ગરબાની અંદર ખેલૈયાઓ હિલોળા લેતા જોવા મળી રહ્યા છે. ઘણા કલાકારો ગરબામાં પોતાના અવાજનો જાદુ ચલાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ ભક્તિ ભાવ અને માતાજીના આરાધનાના પાવન દિવસોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા છે.

પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સવારે સુરતમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જેના બાદ તેઓ ભાવનગર પહોંચ્યા હતા અને ભાવનગરમાં પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. અમદાવાદમાં તેમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36ના નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

જેના બાદ પીએમ મોદી જીએમડીસી મેદાનમાં યોજાઈ રહેલા ભવ્ય નવરાત્રી મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં માતાજીના ચોથા નોરતાએ તેમને માતાજીની આરતી ઉતારીને માતાજી સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. તેમને પણ પીએમ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે આરતીનો લ્હાવો લીધો હતો.

આરતી બાદ પ્રધાનમંત્રીએ સતત 1 કલાક સુધી જીએમડીસી મેદાનમાં બેસીને જ ગરબા પણ નિહાળ્યા હતા. તો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીને શ્રીયંત્રની ભેટ આપી તેમનું સ્વાગત પણ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપસ્થિતિના કારણે આખું જ ગરબા ગ્રાઉન્ડ મોદીમય બની ગયું હતું.

પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિના કારણે આખું જ જીએમડીસી ગ્રાઉન્ડ પણ ખચોખચ ભરાઈ ગયું હતું. આરતી સમયે પણ મોટી સંખ્યામાં લોકો હાથમાં દીવડા લઈને માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. આજે પણ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં જ છે. આજે તેઓ ગાંધીનગરમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન પ્રસંગે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર 600 ડ્રોને આકાશમાં ઉડી અને અમદાવાદનો નજારો જ બદલી નાખ્યો હતો. આકાશની અંદર વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને એક અજાયબી સર્જી હતી. જેને જોવો પણ એક લ્હાવો હતો. આ જોવા માટે લોકોની નજર પણ આકાશ તરફ થંભી ગઈ હતી.

Niraj Patel