ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ જોવા અમદાવાદમાં પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, પોતાના નામ વાળા સ્ટેડિયમમાં પહેલીવાર મેચ જોવા આવતા જ “મોદી મોદી”ના નારા ગૂંજ્યા

75 વર્ષની મિત્રતાની શાનદાર ઉજવણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, બંને દેશોના PMએ પોતપોતાની ટીમના કપ્તાનોને ટોપી પહેરાવી.. જુઓ કેવો હતો નજારો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ આજે એટલે કે 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારત આ શ્રેણીમાં 2-1થી આગળ છે.

આ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મિત્રતાના 75 વર્ષની ઉજવણી છે. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને મોમેન્ટો આપીને આવકાર્યા હતા. આ પછી, બંને દેશોના વડા પ્રધાને પોતપોતાના કેપ્ટનોને ટેસ્ટ કેપ સોંપી અને ગોલ્ફ કાર્ટમાં બેસીને આખા મેદાનનો એક રાઉન્ડ લીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. પ્લેઈંગ-11ની જાહેરાત કરતા રોહિતે કહ્યું કે મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળી છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની 75 વર્ષની મિત્રતાનું સ્મારક પણ બની રહી છે. બંને દેશોના વડાપ્રધાનના સ્વાગત માટે સ્ટેડિયમ પરિસરમાં વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગ્સ પર ખાસ પંચલાઇન લખવામાં આવી છે “ક્રિકેટ દ્વારા મિત્રતાના 75 વર્ષ”.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે બુધવારે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની પ્રથમ ભારત મુલાકાતના પ્રથમ દિવસે રાજભવન ખાતે હોળી રમી હતી. તેઓ સાંજે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચ્યા અને સીધા જ મહાત્મા ગાંધીના ભૂતપૂર્વ ઘર એવા આશ્રમ ગયા.

રાજભવન જતા પહેલા ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા એન્થોની અલ્બેનિસે પુસ્તકમાં લખ્યું છે કે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લેવી, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવી એ ખૂબ જ સન્માનની વાત છે, જેમની ફિલોસોફી અને જીવન મૂલ્યો હજુ પણ વિશ્વને પ્રેરણા આપે છે. આપણે તેમના ઉદાહરણમાંથી ઘણું શીખવાનું છે. રાજ્યની રાજધાની ગાંધીનગરના રાજભવનમાં મોડી સાંજે અલ્બેનીઝે હોળી પણ રમી હતી. રાજભવન ખાતે હોળીની ઉજવણી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમને રંગ લગાવ્યો હતો.

Niraj Patel