ખબર

ઓક્સિજનની મીટિંગ: મોદીએ કેજરીવાલને ટોક્યા, પરંપરા વિરૂદ્ધ કામ થઇ રહ્યુ છે, જાણો સમગ્ર મામલો

દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં ઑક્સીજનની અછતને પગલે હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાના કેસ વધુ હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય લોકો સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ઑક્સીજનની અછતનો મુદ્દો ઉઠ્યો હતો. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પ્રશ્નો કર્યો હતો કે, જો દિલ્હી માટે આવી રહેલું ઑક્સીજનનું ટેન્કર કોઈ રોકી લે તો મારે કેન્દ્ર સરકારમાં કોની સાથે વાત કરવી જોઈએ? ઉલ્લેખનીય છે કે દિલ્હી માટે આવી રહેલા ઑક્સીજનના ટેન્કરોને ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં રોકવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ત્રણ માંગ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વ્યવહારથી ઘણા નારાજ જોવા મળ્યા છે. તેમણે મીટિંગ દરમિયાન જ કેજરીવાલ માટે સખ્ત શબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને કહ્યું કે, તમે એક મહત્વપૂર્ણ પ્રોટોકોલ તોડ્યો છે. આવી ખાનગી વાતચીતનો ક્યારેય પ્રચાર-પ્રસાર ના કરી શકાય. પીએમની આ ફટકાર બાદ સીએમે હાથ જોડી દીધા.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં જે હાલત છે, તે જોઈ શકાય તેમ નથી. આખી રાત ઊંઘી નથી શકતા અમે. હું મુખ્યમંત્રી હોવા છતાં કઈં નથી કરી શકતો. ડર લાગે છે કે ઑક્સીજનના કારણે કોઈ મોટી દુર્ઘટના ન થઈ જાય. ન કરે નારાયણ અને ઑક્સીજન ન હોવાના કારણે કઈં થઈ જશે તો આપણે પોતાની જાતને માફ નહીં કરી શકીએ.

કેજરીવાલ જ્યારે આગળ બોલી રહ્યા હતા તો પીએમ મોદીએ તેમને ટોકતા કહ્યું કે, “આ જે આપણી પરંપરા છે, આપણો જે પ્રોટોકોલ છે આ તેની ઘણું વિરુદ્ધ થઈ રહ્યું છે કે કોઈ મુખ્યમંત્રી આવી ઇનહાઉસ મીટિંગને લાઇવ ટેસ્ટ કરે. આ યોગ્ય નથી. આપણે હંમેશા સંયમનું પાલન કરવું જોઇએ.’

ઉલ્લેખનીય છે કે કેજરીવાલ પોતાની વાતને છૂપાઇને રેકૉર્ડ કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે, પીએમને આનો અંદાજો નથી, પરંતુ જ્યારે પીએમે તેમની ચાલાકી પકડી લીધી, તો કેજરીવાલ ચોંકી ગયા. તેમણે પ્રધાનમંત્રીથી હાથ જોડીને માફી માંગી. ધ્યાન રહે કે કેજરીવાલે પીએમથી કહેલી પોતાની વાતો ના ફક્ત રેકૉર્ડ કરી, પરંતુ આને લીક પણ કરી દીધી. આના પર બીજેપી તરફથી પણ સખ્ત પ્રતિક્રિયા આવી છે.

કેજરીવાલે માન્યું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે. તેમણે પીએમને કહ્યું કે, ‘ઠીક છે સર, આનું ધ્યાન રાખીશું. જો સર, મારા તરફથી કોઈ ભૂલ થઈ છે, મેં કંઇ કઠોર બોલી દીધું, અથવા મારા આચરણમાં કોઈ ભૂલ છે તો એ માટે હું માફી ઇચ્છુ છું.’

અરવિંદ કેજરીવાલે પીએમ મોદી સાથેની બેઠકમાં કહ્યુ કે, વેક્સીન માટે વન નેશન, વન રેટ હોવો જોઈએ. એક જ દેશમાં કોરોના વેક્સીનના બે ભાવ કેવી રીતે હોઈ શકે? કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક જ ભાવે વેક્સીન મળે.

વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં અરવિંદ કજરીવાલે મૂકેલી માંગણી બાબતે ભારતીય જનતા પાર્ટીના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના નેશનલ ઇન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વીટ કરી લખ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ ખરેખર ડિઝાસ્ટર છે. તેઓ પીએમ સાથે કોઈ જ તૈયારી વગર બેઠકમાં આવી ગયા હતા. દિલ્હીમાં ઑક્સીજનની અછત દૂર કરવા માટે જે વસ્તુઓનું આયોજન પહેલા જ કરી દેવામાં આવ્યું છે તે બાબતથી તેઓ અજાણ છે. વેક્સીની કિંમત અંગે પણ તેમને જાણ નથી. તેઓ દિલ્હીને કેવી રીતે બચાવશે?”