141 લોકો મૃત્યુ પામતા PM મોદીએ કહ્યું, મારુ મન મોરબીમાં છે, એક તરફ શોક છે, બીજી બાજુ કર્તવ્ય…જુઓ શું શું કહ્યું

ગતરોજ મોરબીની અંદર એક ખૂબ જ દુઃખદ દુર્ઘટના ઘટી હતી. મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ કાલે તૂટી ગયો, તહેવાર અને રજાઓનો માહોલ હોઇ આ પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ત્યારે જ આ પુલ તૂટી ગયો, જેમાં 141 જેટલા લોકોના મોત થયા હોવાની ખબર પણ સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, અને તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આ કાળમુખી ઘટના બની હતી. ત્યારે પીએમ મોદી આજે કેવડિયા ખાતે છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી અને એકતા દિવસની પરેડને સંભોધતા નરેન્દ્ર મોદીએ મોરબીની આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

વડાપ્રધાને કહ્યું હતું કે “મારુ મન મોરબીમાં છે, એક તરફ શોક છે અને બીજી તરફ કર્તવ્ય પથ છે. હું હાલ એકતા નગરમાં છું અને મારુ હૃદય મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. મારા જીવનમાં મેં ભાગ્યે જ આવી પીડા અનુભવી હશે. એક તરફ કરુણાથી ભરેલું પીડિત હૃદય છે તો બીજી બાજુ કર્તવ્ય માર્ગ છે. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.”

આ ઉપરાંત પીએમ મોદીએ આ ઝૂલતો પુલ તૂટી જવાની ઘટના પર જણાવ્યું હતું કે સરકાર દરેક પીડિત પરિવાર સાથે છે. ગુજરાત સરકાર પણ ગત રોજ સાંજથી બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. કેન્દ્ર સરકાર તરફથી પણ ગુજરાત સરકારને બનતી મદદ કરવામાં આવી રહી છે અને NDRF અને આર્મી પણ ઘટના સ્થળે તૈનાત છે !

મોરબીમાં ઘટેલી આ હોનારતના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી રહી છે. જેને જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે તેમ છે. પરિવારની પીડા અને લોકોની મરણ ચીસો વચ્ચે આખું મોરબી જ નહિ આખો દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 141 લોકોના મોતની ખબર સામે આવી ગઈ છે.

Niraj Patel