ખબર

કોરોનાના વધતા વ્યાપને જોતા પીએમ મોદીએ કહી આ મોટી વાત

કોરોનાનો કહેર ફરી હવે દેશમાં પ્રસરી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસના પ્રસારને એક વર્ષ પૂર્ણ થઇ ગયું, જેના માટે જનતા કર્ફ્યુ અને લોકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી અને હવે કોરોનાની વેક્સીન પણ ઉપલબ્ધ છે, તે છતાં પણ ફરી પાછો કોરોના પોતાનું માથું ઊંચકી રહ્યો છે, ત્યારે આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ ગઈકાલે યોજી હતી, જેમાં કોરોનાને રોકવા માટેના ઘણા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

ગઈકાલે યોજાયેલી મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમને મુખ્યમંત્રીઓને જણાવ્યું હતું કે, “આપણે કોરોનાની આ ઉભરી રહેલી “બીજી લહેર”ને તરત રોકવી પડશે. જેના માટે ઝડપી અને નિર્ણાયક પગલાં ભરવા પડશે.”

પ્રધાનમંત્રી મોદીએ ઘણી જગ્યાઓ ઉપર વેક્સીનના ડોઝને વ્યર્થ જવાના મામલાઓને ગંભીરતાથી લેવાની વાત જણાવી હતી. તેમને કહ્યું હતું કે, “દેશમાં વેક્સિનેશનની ગતિ સતત વધી રહી છે. આપણે એક દિવસમાં 30 લાખ લોકોને વેક્સીનેટ કરવાના આંકડાને પણ પાર કરી ચુક્યા છે. પરંતુ તેની સાથે આપણે વેક્સીન ડોઝ વેસ્ટ થવાની સમસ્યાને પણ ખુબ જ ગંભીરતાથી લેવી પડશે.

તો સાથે જ રાજ્યના મુખ્યમંત્રીઓનો ઉત્સાહ વધારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “આપણે અત્યારસુધી જે લડાઈ જીતતા આવ્યા છીએ તેમાં બધાનું યોગદાન છે. એક એક કોરોના વોરિયર્સનું યોગદાન છે. જનતાનો બહુ જ મોટો સહયોગ મળ્યો છે. આપણે ફરીથી જનતાને જાગૃત કરવી અને ફરીથી આ લહેરને નીચે લઈને જઈશું. બધાની પાસે એક્સપર્ટની ટીમ બની ચુકી છે. દરરોજ આ ટીમની સાથે વાત કરવાની શરૂ કરી દો. મને વિશ્વાસ છે કે આપણે ફરીથી તેને હરાવવામાં સફળ રહીશું.”