PM મોદી 74 વર્ષના થયા, આટલા કરોડ ફિક્સ ડિપોઝીટમાં મુક્યા છે, જાણો તેમની કુલ સંપત્તિ અને નેટવર્થ વિશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થયા છે. સતત ત્રીજી વખત દેશની સત્તા સંભાળનાર મોદી એક લાંબા સંઘર્ષ પછી આ ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે. પોતાને “ચાવાળા” તરીકે ઓળખાવતા મોદીએ જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી શરૂ કરીને BJP, ગુજરાતના મુખ્યમંત્રી અને અંતે દેશના વડાપ્રધાન સુધીની સફર કાપી છે.

આ પ્રસંગે, ઘણા લોકોના મનમાં વડાપ્રધાન મોદીની સંપત્તિ અને નેટવર્થ અંગે જિજ્ઞાસા હોઈ શકે છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે પોતાની સંપત્તિની વિગતવાર માહિતી એફિડેવિટમાં આપી હતી. મોદીએ પોતાની કુલ સંપત્તિ 3.02 કરોડ રૂપિયા જાહેર કરી હતી, જેમાં સ્થાવર અને જંગમ મિલકતો તેમજ રોકાણોનો સમાવેશ થાય છે. 2014માં 1.66 કરોડ અને 2019માં 2.51 કરોડની સરખામણીએ તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

વડાપ્રધાનના રોકાણોમાં 2.67 લાખ રૂપિયાનું સોનું શામેલ છે, જે ચાર સોનાની વીંટીઓના સ્વરૂપમાં છે. તેમણે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 9.12 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે 2019થી લગભગ 2 લાખ રૂપિયા વધ્યું છે. 2024ના એફિડેવિટ મુજબ, મોદી પાસે બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં 2.85 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે તેમની પાસે કોઈ જમીન, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી. તેમણે 52,920 રૂપિયા રોકડ રકમ જાહેર કરી છે.

મોદીએ તેમના પત્ની તરીકે જશોદાબેનનું નામ આપ્યું છે. શૈક્ષણિક લાયકાતમાં, તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી અને દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી મેળવી છે. તેમણે 1967માં ગુજરાત બોર્ડમાંથી એસએસસીની પરીક્ષા પાસ કરી હતી. મોદીએ જાહેર કર્યું છે કે તેમની સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી અને તેમની પાસે કોઈ સરકારી લેણાં નથી.

kalpesh