ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઘણા સમયથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમી રહ્યો છે. વર્ષ 2014માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં જોડાતા પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. ચહલ આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. અશ્વિન અને ચહલ બંને રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યા છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝનમાં દરરોજ સુપર રસપ્રદ મેચો યોજાઈ રહી છે. આ દરમિયાન, જ્યારે પણ ખેલાડીઓને સમય મળે છે, તેઓ એકબીજા સાથે વાતચીત કરે છે અને ચાહકો સાથે પણ વાતચીત કરે છે.
રાજસ્થાન રોયલ્સ તેમની ટીમના ખેલાડીઓ સાથે #સંભાલલેંગે નામની શ્રેણી પણ ચલાવી રહી છે, જેમાં ખેલાડીઓ તેમના રહસ્યો જાહેર કરે છે, જેમાં ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ એક રહસ્ય શેર કર્યુ છે.. જ્યારે એક ખેલાડીએ તેને 15માં માળેથી ઊંધો લટકાવી દીધો હતો. રાજસ્થાન રોયલ્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં અશ્વિન, કરુણ નાયર ચહલ સાથે ક્રિકેટ પર ચર્ચા કરતા જોવા મળે છે. આ ચર્ચા દરમિયાન ચહલે એક ચોંકાવનારો કિસ્સો શેર કર્યો. તેણે જણાવ્યું કે કેવી રીતે તેનો જીવ માંડ માંડ બચ્યો હતો.
ચહલે કહ્યું, આ 2013ની વાત છે, જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. બેંગ્લોરમાં અમારી મેચ હતી. મેચ બાદ ગેટ-ટુગેધર થયું હતું. તેથી ત્યાં એક ખેલાડી હતો જે દારૂના પ્રભાવ હેઠળ હતો, હું તેનું નામ લઈશ નહિ. તે ખૂબ નશામાં હતો. તે લાંબા સમય સુધી મારી સામે જોતો રહ્યો, પછી તેણે મને બોલાવ્યો. ચહલે આગળ કહ્યું, ‘તે મને બહાર લઈ ગયો અને બાલ્કનીમાંથી મને લટકાવી દીધો. મારા હાથ તેના ગળામાં વીંટળાયેલા હતા. જો હું મારી પકડ ચૂકી ગયો તો… હું 15મા માળે હતો.
અચાનક ત્યાં હાજર ઘણા લોકો આવી ગયા, તેઓએ આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી. હું બેહોશ થઈ ગયો હતો, લોકોએ મને પાણી આપ્યું. તે દિવસે મને સમજાયું કે બહાર જતી વખતે આપણે કેટલા જવાબદાર હોવા જોઈએ. તેણે આગળ કહ્યુ કે, જો મારી સહેજ પણ ભૂલ થઇ ગઈ હોત તો હું નીચે પડી ગયો હોત. જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ 2013માં માત્ર એક સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જે બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાયો.
Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022
ચહલે તેની IPL કરિયરમાં 117 મેચમાં 146 વિકેટ લીધી છે. આ સિઝનમાં યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો, તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની નવી ફ્રેન્ચાઈઝી સાથે સારો દેખાવ કરી રહ્યો છે. તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ત્રણ મેચમાં 7 વિકેટ ઝડપી છે. તેની આગામી મેચ 10 એપ્રિલે લખનઉ સુપરજાયન્ટ્સ સાથે થશે.