ગોવા જેટલી જ મજા આવશે આ સ્થળે, અમદાવાદથી કાર લઈને પણ જઈ શકાય છે અહીં

0

આપણે દર વર્ષે ગોવા જવાનો પ્લાન બનાવીએ અને પછી કોઈને કોઈ કારણોસર એ પ્લાન કેન્સલ કરવો પડે. કારણો ઘણા હોય છે જેમ કે બજેટ નથી, કે સમય નથી કે અત્યારે ત્યાં ખૂબ જ ભીડ હશે કે બીજું ઘણું, ત્યારે ગોવા જવાને બદલે અહીં ગુજરાતની જ બાજુમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો આ દરિયાકિનારો ખરેખર તમને ગોવા જેવી જ અનુભૂતિ કરાવશે. અને અહીં પહોંચ્યા પછી તમને એવું લાગશે જ કે બોસ, આ દરિયાકિનારો ખરેખર એકવાર જોવાલાયક છે.

અહીંનો શાંત અને સુંદર દરિયા કિનારો પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. દીવ પોર્ટુગીઝ સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતું છે. અહીં આરામથી ફરવા માટે તમને ભાડેથી સાઇકલ કે સ્કૂટી પણ મળી જાય છે. બાકી અહીં શાંતિથી ચાલતા-ચાલતા ફરવાની મજા જ જુદી છે.

Image Source

અહીં ઘણી એવી જગ્યાઓ છે જે તમને જોવાનું ગમશે જેમ કે દીવ ફોર્ટ, લાઈટ હાઉસ, સેન્ટ પૉલ ચર્ચ, નાગોઆ બીચ, નાઈડા કેવ્સ, સી શેલ મ્યુઝિયમ, ઝાંપા ગેટવે, ગંગેશ્વર મહાદેવ વગેરે.

દીવનો કિલ્લો અને દીવાદાંડી –

દીવ ફોર્ટ વર્ષ 1535થી 1541ની વચ્ચે પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે. આ કિલ્લામાં એક મોટું લાઈટ હાઉસ એટલે કે દીવાદાંડી પણ બનેલી છે. આ કિલ્લો એ સમયના બાંધકામનો અદભૂત નમૂનો છે. લાઈટ હાઉસ એ દીવની સૌથી ઉંચી જગ્યા છે. અહીંથી તમને અરબસાગરનો સુંદર નજારો જોવા મળશે.

નાઈડા કેવ્સ –

દીવ ફોર્ટની જ નજીક આવેલી નાઈડા કેવ્સ પણ અહીંના જોવા લાયક સ્થળોમાં ટોચ પર આવે છે. આ કેવ્સમાં પડતો સૂર્યપ્રકાશ એક અદભૂત દ્રશ્ય સર્જે છે, જે જોનાર જોનાર માટે એક વિસ્મરણીય અનુભવ બની જાય છે. આ જગ્યા ધીરે-ધીરે ફોટોગ્રાફરમાં પ્રખ્યાત થતી જાય છે. અહીં યુવાન કપલો પોતાના લગ્ન માટેનું પ્રિવેડિંગ શૂટ કરવા માટે પણ આવે છે. આ કેવ્સમાં અંદર એકબીજાની સાથે જોડાયેલી ટનલ છે, જે લોકોમાં ઉત્સુકતા જગાડે છે. નાઈડા કેવ્સની મુલાકાત એક રોમાંચક અનુભવ બની જાય છે.

સનસેટ પોઇન્ટ –

Image Caption

દીવના ચક્રતીરથ બીચની નજીક આવેલી ટેકરી પરથી સૂર્યાસ્તનો નજારો પ્રવાસીઓને આકર્ષે છે. ટેકરી અને તેની આસપાસનો વિસ્તાર જોવા લાયક રમણીય દ્રશ્ય ઉપજાવે છે, જેને જોઈને આંખોને ઠંડક મળે છે. દીવને અડીને નજીકમાં જ આવેલો આ બીચ ખૂબ જ સુંદર છે.

નાગોઆ બીચ –

નાગોઆ બીચ દીવના બૂચરવાડા ગામમાં આવેલો છે. આ એક રમણીય દરિયા કિનારો છે. જે દુનિયાભરના પ્રવાસીઓ વચ્ચે અહીંના ફરવા લાયક સ્થળોમાં આદર્શ સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીં રિસોર્ટ પણ આવેલા છે, જેને કારણે પ્રવાસીઓ અહીં આરામ કરવા અને કુદરતના સૌંદર્યને માણવા આવવું પસંદ કરે છે. સફેદ રેતી અને શાંત ભૂરા પાણી અહીં માણવા લાયક સૌંદ્રયનો અનુભવ કરાવે છે. અહીં વૉટર સ્પૉર્ટ્સની પ્રવૃતિઓ પણ ઉપલબ્ધ છે. આ કિનારો 2 કિલોમીટર લાંબો છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત માણીને કોઈનું પણ મન શાંત થઈ જાય.

ઘોગલા બીચ –

દીવની આકર્ષક જગ્યાઓમાંની એક જગ્યા એટલે આ ઘોગલા બીચ, જે શહેરની બહારના ભાગમાં આવેલો છે, જેને કારણે અહીં વધુ પ્રવાસીઓ નથી આવતા. આ જ કારણ છે કે ભીડથી દૂર રહેવાનું પસંદ કરતા પ્રવાસીઓ શાંતિ અને એકલતા મેળવવા માટે અહીં આવે છે. આ જ કરણ છે કે વધુ ભીડ ન હોવાના કારણે આ બીચ ખૂબ જ સાફ છે. પેરાસેઇલિંગ, સર્ફિંગ અને બનાના રાઈડ જેવા વોટર સ્પોર્ટસની મજા પણ અહીં માણી શકાય છે.

સેન્ટ પૉલ ચર્ચ –

Image Source

સેન્ટ પૉલ ચર્ચ પણ દીવના કિલ્લાથી થોડે જ દૂર આવેલું છે. આ ચર્ચનું નિર્માણકાર્ય 1601માં શરુ થયું અને 1610માં પૂરું થયું હતું. દીવ અહીંના આ ચર્ચ માટે પણ જાણીતું છે. ભારતમાં બરૉક આર્કિટેક્ચરનું આ બેસ્ટ ઉદાહરણ છે. આ ભારતના કેટલાક પોર્ટુગીઝ ચર્ચોમાંનું એક છે. અહીં તમને લાકડામાં અદ્દભુત કોતરણીકામ જોવા મળશે.

ગોમતીમાતા બીચ –

સામાન્ય રીતે સહેલાણીઓ નાગોઆ બીચ પર જ જતા હોય છે, પરંતુ જો સુંદર સૂર્યાસ્તનું દ્રશ્ય માણવું હોય તો પ્રવાસીઓએ દીવના વણાંકબારા ગામ પાસે આવેલા ગોમતીમાતા બીચની પણ ખાસ મુલાકાત લેવી જોઈએ. અહીં અદ્દભુત સૂર્યાસ્તનો નજારો જોવા મળે છે. આ બીચ પર ઘણાં દરિયાઈ જીવો પણ જોવા મળે છે.

ઝાંપા ગેટવે –

દીવનું અન્ય એક આકર્ષણ છે, ઝાંપા ગેટવે, જે દીવનું એક મહત્વનું લેન્ડમાર્ક છે. જેના પર એન્જલ્સ, સિંહ અને પાદરીના આકારનું કોતરણીકામ કરવામાં આવેલું છે. અહીં માનવસર્જિત ધોધ આની સુંદરતામાં ઓર વધારો કરે છે.

હોકા ટ્રી –

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં હોકા પામ ટ્રીની હાજરી એ જાતે જ એક અદભૂત અનુભવ છે. દીવ જતા રસ્તામાં અને દીવની આસપાસના વિસ્તારમાં જયારે તમે જાઓ ત્યારે રસ્તાના કિનારે તમને આ ઝાડ જોવા મળશે. મોટી સંખ્યામાં દેખાતા આ વૃક્ષો અહીં આવતા સહેલાણીઓને આકર્ષિત કરે છે.

ગંગેશ્વર મંદિર –

Image Source

ફક્ત બીચ કે ચર્ચ જ નહિ પણ અહીં મંદિર પણ આવેલું છે. શિવજીનું અતિપ્રાચીન મંદિર દીવના ફુદમથી 3 કિલોમીટર દૂર આવેલું છે. અહીં 5 શિવલિંગ છે, અહીંના લોકોનું માનવું છે કે પાંડવોએ 13 વર્ષના વનવાસ દરમ્યાન થોડો સમય અહીં વિતાવ્યો હતો. અહીં પથ્થરના શિવલિંગ દરિયાની મધ્યમાં આવેલા છે. જ્યારે ભરતીનો સમય હોય ત્યારે ફક્ત શિવલિંગની ટોચ જ જોવા મળે છે કારણે કે દરિયાના પાણીમાં તે ગરકાવ થઈ જાય છે.

સી શેલ મ્યુઝિયમ –

દીવમાં આવેલ સી શેલ મ્યુઝિયમ મર્ચન્ટ નેવીના કેપ્ટન દેવજીભાઈ વિરા ફુબલારીઆએ બનાવડાવ્યુ હતું, તેમણે આવા પ્રકારના શેલ ભેગા કરવાં શોખ છે, જેથી તેમને અનેક પ્રકારના આવા દરિયાઈ છીપલા ભેગા કર્યા અને અહીં પ્રદર્શન માટે મુક્યા છે. જો દીવ આવો તો આ મ્યુઝિયમની મુલાકાત અચૂક લેવી જ જોઈએ. અહીંના મુખ્ય દરવાજા પર પણ શંખ અને છીપલા લગાવેલા છે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here