લેખકની કલમે

પિયુ પરદેશ ! નિલેશને મુકવા માટે એરપોર્ટ પર આખો પરિવાર એકઠો થયો હતો. સૌ લોકો નિલેશને વિદાય આપતાં હતા… અને સ્મૃતિ રડતી હતી

નિલેશને મુકવા માટે એરપોર્ટ પર આખો પરિવાર એકઠો થયો હતો. સૌ લોકો નિલેશને વિદાય આપતાં હતા. અડધો કલાક એરપોર્ટની બહાર ઉભા રહ્યાં બાદ નિલેશ અંદર જતો રહ્યો અને પોતાનું બોર્ડિંગ કરીને પેરિસ ગયો ! પોતાના ઘરે એક ખૂણામાં રડતી છોકરી એટલે સ્મૃતિ ! નિલેશને સ્મૃતિનો જરાય ખ્યાલ ન આવ્યો, બન્ને એકબીજાને અનહદ પ્રેમ કરતાં હતાં અને નિલેશના વિદેશ જવાથી સ્મૃતિની જિંદગી અડધી થઈ ચૂકી હતી. નિલેશને એન.આર.આઈ બનવાની ઈચ્છા હતી અને સ્વાભાવિક છે કે માણસ સૌપ્રથમ પોતાની લાલચ જુએ છે. સ્મૃતિ પોતાના રૂમમાં બંધ અને આખી રાત નિલેશના ફોટા પર આંસુ સારતી રહી…. નિલેશ હવે ત્રણ વરસ બાદ ભારત આવશે અને કોને ખબર કે એ નિલેશ સ્મૃતિનો જ હશે ! બીજા દિવસે સ્મૃતિ પોતાની ઓફીસ જવા નીકળી, આજથી સ્મૃતિને નિલેશ વગર જ જીવવાનું અને પોતાની જિંદગીમાં પ્રેમ નામની ચીજ હવે દૂર થઈ ગઈ હતી. નિલેશ પેરિસમાં આરામથી રહેતો હતો, અને ફ્રાન્સમાં એને શાંતિ મહેસુસ થતી હતી. સ્મૃતિ નિલેશ માટે હવે સ્મૃતિ જ રહી ગઈ હતી. સ્મૃતિ પાર્ટટાઇમ જોબ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરતી હતી.

નિલેશને પરિસ ગયાને આજે બરાબર એક મહિનો થયો હતો અને નિલેશને પેરિસમાં એક સારી જોબ મળી ગઈ હતી અને સાથે રહેવા માટે એક ફ્લેટ પણ મળી ગયો હતો. ફ્રાન્સમાં ઘણા ભારતીયો હતા તેથી નિલેશને એકલું નહોતું લાગતું. ફ્રાન્સની છોકરીઓને નિલેશ જુએ અને એને સ્મૃતિનો જ ચહેરો દેખાય ! સ્મૃતિને એક રાત્રે સપનું આવ્યું કે નિલેશ મુશ્કેલીમાં છે અને સ્મૃતિએ નિલેશને ફૉન લગાવ્યો ! નિલેશમાં વિદેશ ગયા બાદ પ્રથમવાર સ્મૃતિએ નિલેશને ફૉન કર્યો. નિલેશે ફૉન ઉપાડ્યો અને કહ્યું, હેલો, કોણ ? સ્મૃતિ બોલી, નિલેશ હું ! નિલેશ રડવા લાગ્યો અને આ જોઈને સ્મૃતિ પણ રડવા લાગી અને બોલી, નિલેશ કેમ રડે છે ? ત્યાં બધુ બરાબર તો છે ને ? નિલેશે કહ્યું, હા સ્મૃતિ, બધુ જ બરાબર છે, આ તો તારો અવાજ સાંભળીને થોડો ઇમોશનલ થઈ ગયો હતો !સ્મૃતિએ કહ્યું, શું ચાલે છે ત્યાં ? નિલેશે કહ્યું, બસ જોબ ચાલે છે, તું કેમ છે ? સ્મૃતિએ કહ્યું, હું તો એકદમ મજામાં, કોઈ ગર્લફ્રેન્ડ બની કે નહીં ? નિલેશે કહ્યું, ગાંડો થઈ ગયો છું ? મારે એક સક્સેસફુલ બિઝનેસમેન બનવું છે તો આ લવ શવથી તો દૂર જ રહેવું છે ! સ્મૃતિએ કહ્યું, ઓકે સારું…! મને ઊંઘ આવે છે તો બાય…! નિલેશનો ફૉન કાપીને સ્મૃતિ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી અને સ્મૃતિએ નક્કી કર્યું કે આજ પછી નિલેશને ફૉન નહિ કરે ! સ્મૃતિ પોતાની જોબમાં અને ભણવામાં પૂરું ધ્યાન નહોતી આપી શકતી એટલે એની ફ્રેન્ડ અવનીએ કહ્યું, જો સ્મૃતિ જે વીતી ગયુ એને ભૂલી જા, હવે તું અને તારી જિંદગી…નિર્ણય તારો છે. સ્મૃતિને અવનીની વાત બરાબર લાગી અને એ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગી અને નિલેશને એના પ્રમાણે જીવવા માટે પોતાની જાતને પણ મનાવી લીધી. સ્મૃતિને એક કંપનીમાં જોબ લાગી અને એ કંપનીએ સ્મૃતિને પેરિસમાં જોબ ઑફર કરી અને પેરિસના વિઝા પણ આપ્યા, પણ સ્મૃતિએ પેરિસમાં જોબ લેવાની ના પાડી દીધી. સ્મૃતિ હવે એના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી હતી અને હવે એની લાઈફમાં ખુશીઓની શરૂઆત થઈ ચૂકી હતી.

એક દિવસે સ્મૃતિ કામ કરતી હતી અને એને ન્યુઝ જોયા કે પેરિસમાં આતંકી હુમલો થયો છે. સ્મૃતિ ડરી ગઈ પણ એણે એમ લાગ્યું કે પેરિસ તો કેટલું મોટું છે અને આમાં નિલેશ તો એના ઘરે હશે, કારણ કે પરિસમાં અત્યારે રાત હતી. સ્મૃતિએ યુટ્યુબ પર પુરા ન્યુઝ જોયા અને ત્યારે ખબર પડી કે આ હુમલો નિલેશની કંપની પર જ થયો છે. સ્મૃતિના ધબકારા વધી ગયા અને ફટાફટ કંઇ પણ વિચાર્યા વગર એ પોતાના ઘરે ગઈ અને બેગ પેક કર્યો અને એના ઘરે બધી જ વાત પણ કરી. સ્મૃતિના પેરેન્ટ્સ બ્રોડ માઇન્ડેડ હતાં અને એને બરાબર સમજતાં પણ હતાં. સ્મૃતિએ પાસપોર્ટ અને વિઝા ચેક કર્યા અને ફટાફટ પેરિસની ટિકિટ બુક કરાવી. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી પેરિસની ડાયરેક્ટ ફ્લાઇટ હતી. સ્મૃતિ બીજા દિવસે વહેલી સવારે પેરિસ પહોંચી અને સીટી ઇન્ફોર્મેશન ઓફીસે ગઈ અને ત્યાં જઈને નિલેશ વિશે પૂછ્યું અને બરાબર તપાસ કરીને સ્મૃતિને ખબર પડી કે નિલેશ અહીં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં છે. સ્મૃતિ રડતી રડતી હોસ્પિટલમાં પહોંચી અને ત્યાં જઈને જોયું તો નિલેશ એક બેડ પર સૂતેલો હતો અને બાજુમાં એના મિત્રો બેઠા હતા. નિલેશને સામાન્ય ઇજાઓ થઈ હતી, સ્મૃતિ રડતી રડતી નિલેશની બાજુમાં બેઠી અને એનો હાથ પકડીને બોલી, નિલેશ શું થયું ? નિલેશ બોલ્યો, તું અહીંયા ? કઇ રીતે ? સ્મૃતિ બોલી, તારી માટે કંઈ પણ ! નિલેશની આંખો પણ ભીંજાઈ ગઈ અને એ બોલ્યો, સ્મૃતિ તું ઇન્ડિયાથી પેરિસ મારી માટે આવી ? સ્મૃતિએ કહ્યું, એ બધી વાત છોડ, હવે તું ક્યારે ઠીક થઈશ ? નિલેશનો એક ફ્રેન્ડ બોલ્યો, પગમાં ફ્રેક્ચર છે અને હાથ મચકાઈ ગયો છે. સ્મૃતિ રડતી હતી અને ત્યારે નિલેશના ફ્રેન્ડ્સ બહાર જતાં રહ્યાં અને સ્મૃતિ અને નિલેશ એકલા હતાં. બન્ને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.

સ્મૃતિ રાત્રે હોસ્પિટલમાં જ નિલેશ સાથે હતી અને બીજા દિવસે ડોક્ટરે રજા આપી. સ્મૃતિ નિલેશ સાથે જ એના ફ્લેટ પર રહેવા લાગી અને નિલેશની સાર સાંભળ પણ રાખતી હતી. નિલેશ માટે દરરોજ જમવાનું બનાવે, કપડાં ધોવે, આખુ ઘર સાફ કરે. નિલેશ અને સ્મૃતિ અલગ અલગ રૂમમાં રહેતા હતા અને દરરોજ સવારે સ્મૃતિ નિલેશ માટે ચા-નાસ્તો બનાવતી. એક દિવસ નિલેશના પગમાં દુખાવો હતો અને નિલેશની ના પાડવા છતાં સ્મૃતિ એના પગ દબાવતી હતી અને રાત્રે પગ દબાવતાં દબાવતાં સ્મૃતિ ત્યાં જ સુઈ ગઈ. રાત્રે નિલેશ ઉઠ્યો અને જોયું તો સ્મૃતિ ત્યાં જ સૂતી હતી. નિલેશે સ્મૃતિને ઉપાડી અને પોતાની બાજુમાં સુવાડી અને ચાદર પણ ઓઢાડી ! નિલેશ પણ સ્મૃતિને પ્રેમ કરતો હતો અને એના મનમાં એકવાર તો ઈચ્છા થઈ કે સ્મૃતિ સાથે સંભોગ કરું, પણ નિલેશ પ્રામાણિક હતો. સવારે સ્મૃતિ ઉઠી અને નિલેશને બાજુમાં જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને બાદમાં એને યાદ આવ્યું કે એ પગ દબાવતાં દબાવતાં જ ત્યાં સુઈ ગઈ હતી. નિલેશ એની બાજુમાં સૂતો હતો અને સ્મૃતિએ નિલેશના ગાલ પર ચુંબન કર્યું ! આમ નિલેશ અને સ્મૃતિ ખૂબ નજીક આવી ગયા હતાં. બન્ને દરરોજ સાથે જ સુતા હતા અને પતિ-પત્નીની જેમ જ રહેતા હતાં. નિલેશ ઠીક થઈ ગયો અને કંપની માંથી જોબ માટે કૉલ પણ આવી ગયો હતો. નિલેશે સ્મૃતિને પૂછ્યું, તું પાછી ઇન્ડિયા જવાની છે કે અહીંયા જ રહેવાની છે ? સ્મૃતિએ મજાકમાં કહ્યું, કેમ અહીં તારી સાથે જ રહું તો કોઈ તકલીફ છે ? નિલેશે કહ્યું, ના.. ના… કોઈ તકલીફ નથી, આ તો ખાલી પૂછ્યું ! સ્મૃતિએ કહ્યું, તો જોબ પર જાય છે તો મને વેસ્ટર્ન એવેન્યુ ઉતારતો જજે ને ! નિલેશે કહ્યું, કેમ ત્યાં શું છે ? સ્મૃતિએ કહ્યું, બસ મેં પણ પેરિસમાં જ જોબ લઈ લીધી છે, હવે ખાલી એક ઘર શોધું છું ! નિલેશે કહ્યું, શું વાત કરે છે ? નિલેશ ખૂબ જ ખુશ થઈ ગયો. સ્મૃતિ બોલી, તું મને રહેવા માટે એક ઘર શોધી દે ને ! નિલેશની આંખમાં આંસુ હતાં અને રડતાં રડતાં બોલ્યો, આ આપણું ઘર છે, અને આપણે બન્ને સાથે રહેશું ! નિલેશ સ્મૃતિને બાથ ભરે છે અને બન્ને એક જ સાથે રહે છે. એક વર્ષ બાદ સ્મૃતિ અને નિલેશ ભારતમાં આવીને લગ્ન કરે છે અને પોતાની નવી જિંદગીનો પ્રારંભ કરે છે.

લેખક – પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks