લેખકની કલમે

પિતા ની ‘ચેઈન’ ની ભેટ – તેનું ગળું ભરાઈ આવ્યું,હૃદય ના ધબકારા વધી ગયા અને ભય ને કારણે દ્રષ્ટિ પણ ઝાંખી પડી ગઈ.”આકાંક્ષા,પ્લીઝ આવું ન કર.”

જરા ટ્રાફિક હતો.. જે અમદાવાદ જેવા શહેર માટે ચાલુ દિવસ માં સામાન્ય બાબત હતી.. સૂર્ય તેની રીતે મધ્યાહને પહોચ્યા પછી સહેજ ઢળી રહ્યો હતો. જૂના પૂલ ની નીચે એક પછી એક વાહનો પાર્ક થઈ રહ્યા હતા. કેટલાક લોકો પૂલ પર થી પસાર થઈ રહ્યા હતા. તો કેટલાક અમદાવાદના વિશાળ વિસ્તારના દ્રશ્યમાં ધીમે ધીમે સમાઈ રહ્યા હતા. એક યુવતી તેના કાળા ભમ્મર અને લાંબા વાળ ને એક હાથે થી કાન ની પાછળ લઈ જઈ ને એક પ્રતિષ્ઠિત ઈમારત તરફ આગળ વધી ગઈ.તેણે જાણી જોઈ ને પોતાના હાથથી પોતાના વાળ ને રમાડી ને તેની સુંવાળપ ને અનુભવી.આકાંક્ષા સફેદ બહુમાળી ઈમારત ના દરવાજે થોભી ને તેની સેંકડો બારીઓના કાચ માં પરિવર્તન પામતા સૂર્યપ્રકાશ ને નિહાળ્યો.પરંતુ ત્યાં તેણે અંદર એક ઊંચાસરખા માણસ ને જોયો જે પોતાની ધૂન માં મગ્ન હતો અને હળવી સીટી વગાડતો વગાડતો પસાર થઈ રહ્યો હતો. આકાંક્ષા એ તેને જોઈ ને પોતાની ઝડપ વધારી અને તેને બોલાવતી તેની તરફ આગળ વધી.

“અદ્રશ્ય,” તેણીએ હાંફતા હાંફતા બૂમ પાડી.. જ્યારે તેણે જોયું કે અદ્રશ્ય તેની તરફ ફર્યો છે અને તેનો પોતાને જોઈને ચમકી રહ્યો છે તે જોઈ ને આકાંક્ષા નો ચહેરો પણ ચમકી ઉઠ્યો.

“અરે!!આકાંક્ષા…આવો..”તે હસ્યો અને અગિયાર માળની એ ઈમારત ના માલિક ની દીકરી ને પોતાની સાથે ચાલવા ઈશારો કરતા આગળ વધ્યો..

“એક નાની મદદ જોઈતી હતી..થઈ શકશે??” આકાંક્ષા એ નમ્રતાપૂર્વક સીધો જ સવાલ કર્યો..

“બોલો ને…તમારા માટે તો થઈ જ શકશે..”

આકાંક્ષા એ પોતાનો હાથ પોતાની ગરદન ના પાછળ ના ભાગે લઈ જઈ મને ગળા માંથી એક ‘ચેઈન’ ઉતાર્યો..જે તેને તેના પિતા તરફ થી તેની અઢારમી વર્ષગાંઠ ની ભેટ તરીકે મળ્યો હતો.એ વાત પણ સાચી હતી કે ત્રણ દિવસ મોડા મળેલ ભેટ હતી પરંતુ અઢાર વર્ષ માં પહેલી ભેટ હતી..

તેણે પોતાનો હાથ અદ્રશ્ય તરફ લંબાવીને પૂછ્યું,” શું તમે આ મારી માતા ને આપી શકો, સચવાઈ રહે તે માટે??”

“કેમ નહિ??” અદ્રશ્ય એ હકારમાં માથું હલાવ્યું. ખૂબ સાચવી ને પોતાના ખિસ્સામાં તે ‘ચેઈન’ મૂકતા પૂછ્યું, ”બીજું કાંઈ”?

“ના..હમણા તો કાંઈ નહી…આભાર..”આકાંક્ષા એ હળવું સ્મિત આપ્યું..

અદ્રશ્ય પાછો ફરી ને ચાલવા લાગ્યો..

ત્યાં ફરી આકાંક્ષા એ બૂમ પાડી..”એક મિનિટ અદ્રશ્ય!!”…તેના ફરવાની સાથે જ તેના ચહેરા પર થોડી ચિંતા ની રેખાઓ દેખાઈ આવી.

“કાંઈ નહિ..આવજો..”આકાંક્ષા એ થોડું વિચિત્ર રીતે કહ્યું અને ફરવા માટે પગ ફેરવ્યા..અદ્રશ્ય ને હાશકારો થયો અને તે હસ્યો જેથી આકાંક્ષા પણ થોડી શરમાઈ ગઈ.

“સારું, ફરી મળીશું આકાંક્ષા..”અને તે ચાલવા લાગ્યો.લીફ્ટ માં આકાંક્ષા એ આગિયારમા માળનો નંબર દબાવ્યો. લિફ્ટનો દરવાજો ખૂલ્યો જે ખૂબ જ જાણીતી ઓફીસમાં લઇ જતો હતો.આખી ઓફીસ બારીઓ,સફેદ ભોયતળિયું અને લાકડાના મેજ દ્વારા સુશોભિત હતી. આકાંક્ષાએ બારણામાંથી ‘સાઉન્ડપ્રૂફ’ કેબિન માં ડોકિયું કર્યું અને એક આધેડ વય ના પુરુષ ને ખૂબ જ શાંતિથી ચા ની ચુસ્કી લેતા જોયો, અલબત્ત તે વ્યસ્ત જ હતો.આકાંક્ષા કેબીન નો દરવાજો ખોલી ને અંદર ગઈ. તે માણસે સામે જોયું પરંતુ તેના કામ ને કારણે તેના ચહેરા ના હાવભાવ ન બદલાયા.

“ઓહ..આકાંક્ષા નોકરી મળી ગઈ કે??” તેણે આંખની ભ્રમરો ઊંચી કરી ને પૂછ્યું.

“હા પપ્પા.. હું એક મોલ માં નોકરી કરું છું.” તેણે ખૂબ ખુશીપૂર્વક આ વાત કહી અને સંવાદ ને સારો અને ઉત્સાહપૂર્વક બનાવવાનો ફરી એક નિષ્ફળ પ્રયત્ન કર્યો.

“ના..હું વાસ્તવિક નોકરી વિશે વાત કરું છું.” સાવ સૂકા સ્મિત સાથે તેમણે કહ્યું. “કાઈક એવું કે જેનાથી આ ‘પરિવાર’નું તમે પ્રતિનિધિત્વ કરી શકો. તેમના હાવભાવ અરુચિપૂર્ણ હતા. તેણીએ ખચકાટ અનુભવ્યો અને મનોમન વિચારતી પણ રહી કે તે હજી સુધી કેમ ત્યાં ઉભી છે.

“સારું,જાઉં છું..” અને તેણી પ્રત્યુત્તર ની રાહ જોયા વિના જ દરવાજા વાટે બહાર નીકળી ગઈ કારણકે તે જાણતી હતી કે ક્યારેય પિતાજી દ્વારા આનો પ્રત્યુત્તર આવતો ન હતો.

બીજી તરફ ઘર ના ‘વર્કરૂમ’ ના મેજ પર આકાશ બેઠો હતો. જીવન નો ત્રીજો દાયકો અનુભવી રહેલ આકાશ ટૂંકા કાળા વાળ અને તેવી જ કાળી આંખો ધરાવતો હતો. જો કે અત્યારે તેની આંખો કોમ્પ્યુટર માં આવેલ મેઈલ્સ ને જોઈ ને હાવભાવ બદલી રહી હતી અને હાથ ટાઈપીંગ માં વ્યસ્ત હતા. એટલામાં બાજુમાં રહેલા મોબાઇલ એ રણકાર સંભળાયો.

“આકાશ?” મોબાઈલ માંથી એક સ્ત્રી અવાજ તેને સંભળાયો.

“અરે આકાંક્ષા.. કેમ છે?” તેણે ખૂબ જ ઉત્સાહથી તેની પ્રેયસી ને જવાબ આપ્યો અને સાથોસાથ પોતાનું કામ પણ ચાલુ રાખ્યું.

“હું જાઉં છું.” તેણે કહ્યું

આકાશે પોતાના શર્ટ ની સ્લીવ ઉંચી કરી ને સમય જોયો અને કહ્યું, “મારે કામ પતાવતા રાત્રે ૧૦ વાગશે,ત્યારે મળીશું..તું ક્યાં છે ત્યારે?”

“જૂના પૂલ પર.”

“સરસ.. તું કેમ છે?”

“ખેર.. આ તો કહેવું મુશ્કેલ છે..” આકાંક્ષા એ એવી રીતે જવાબ આપ્યો કે જેથી આકાશ ને ખબર જ ન પડે કે તેણી મજામાં છે કે નહિ “તને મારું પ્રિય ગીત યાદ છે,આકાશ?”

આકાશ એ તુરંત જવાબ આપ્યો, “કેમ નહિ, “મેરે હાથ મેં તેરા હાથ હો” અને આકાશે ગીત પણ ગણગણવા નું શરુ કરી દીધું. “ખૂબ સરળ હતું નહિ!! પણ કેમ આ સવાલ??”

આકાંક્ષા ના ચહેરા પર આશ્ચર્યપૂર્ણ સ્મિત આવી ગયું. “તને યાદ છે આપણી ગોવાની ટ્રીપ??આપણે આખી રાત વાતો કરતા.. સાથે સમય પસાર કરતા..સવારે સૂર્યોદય સમયે બીચ પર જવાનું અને મોડી રાત્રે આઠેક વાગતા પાછા હોટેલ પર ફરવાનું?? આકાશ નું હાસ્ય રૂમમાં ગુંજી ઉઠ્યું..”હા ખરેખર યાદગાર દિવસો હતા!!!જો કે તું મનોચિકિત્સક ને મળી?”

“ના રે ના…” આકાંક્ષા એ એવી રીતે જવાબ આપ્યો જાણે કે તે પૂર્વનિર્ધારિત જ હતું.

“લોકો શું વિચારે જો અમદાવાદના સૌથી મોટા ઉદ્યોગપતિની દિકરી મનોચિકિત્સક ના દવાખાને જાય તો?”

આકાશે બાજુ માં રહેલ કાચ ના કપ માંથી ચા ની ચુસ્કી ભરી. “તે બિમારી નથી કે તું તેને દવાખાનું કહે. તે માત્ર તમારા માનસિક સ્વાસ્થ્ય ની જવાબદારી લઈ રહ્યા છે.થોડા બહાદુર બનો અને આમ પણ કોણ આવી રીતે તમને જોવાનું છે?”

“તેઓ જોશે.” આકાંક્ષાએ ભારપૂર્વક કહ્યું. “અને આમ પણ ખૂબ મોડું થઈ ગયું છે.”

“એટલે?? કહેવા શું માંગે છે તું?”આકાશ નો અવાજ લડખડાઈ ગયો અને ટાઈપીંગ પણ બંધ થઈ ગયું.

તેનું ગળું ભરાઈ આવ્યું,હૃદય ના ધબકારા વધી ગયા અને ભય ને કારણે દ્રષ્ટિ પણ ઝાંખી પડી ગઈ.”આકાંક્ષા,પ્લીઝ આવું ન કર.” ઊંડો શ્વાસ લઈ ને તે બોલ્યો,”આકાંક્ષા, પૂલ પર ચાલવાનું બંધ કર.” આકાશે આકાંક્ષા નો ઊંડો શ્વાસ અને ડૂસકું સાંભળ્યું. આકાશે ખોંખારો ખાઈને પોતાના આંસુ લૂછતા લૂછતા કહ્યું,”આકાંક્ષા, થોભી જા આમ ના થઈ શકે.”

”બસ હવે થાકી ગઈ છું આકાશ..”આકાંક્ષા રડી અને તેનો અવાજ પણ ગળગળો થઈ ગયો..

”પોતાના માતા-પિતા વિશે તો વિચાર.”તેણે પોતાનું દર્દ છૂપાવતા કહ્યું.

“હું મારા પિતા માટે તો નિરાશા સિવાય કાંઈ નથી.”આકાંક્ષાએ ગંભીરતાપૂર્વક કહ્યું ,”આપણે બંને જાણીએ છીએ કે મારી માતા ને વધારે યોગ્ય દિકરી મળવી જોઈતી હતી.”

“તો મારા વિશે વિચાર!!!”આકાશે હાથના પંજામાં મોં છૂપાવતા લગભગ બૂમ પાડી.

”મારી સાથે વિતાવેલો તારો સમય માત્ર સમય નો વેડફાટ હતો.”

”ના..તે સમય નો વેડફાટ ન હતો..”

“સાંભળ આકાશ..” આકાંક્ષા એવી રીતે બોલી કે જેથી આકાશ બોલતો અટકી ગયો આકાશ પણ ન જાણતો હતો કે શું તેણે આકાંક્ષા ને સાંભળવી જોઈએ કે તેની સાથે ઝગડો કરીને તેને આ પગલું ભરતા અટકાવવી જોઈએ..

“બોલ.” આકાશની આંખો માંથી વહેતા આંસુ ને કારણે તેનો અવાજ નબળો પડી ગયો હતો.

“મારી સૂકી જિંદગી ને રસમય બનાવવા બદલ આભાર.”

આકાશ હલી ગયો..તેનું શરીર બહેર મારી ગયું.

“બહાદુર બનજે.”

આકાશને કાને જોર થી ફૂંકાતો પવન અથડાયો.પછી મોબાઈલ નો કડકડાટ અને ત્યારબાદ ફોન ડિસ્કનેક્ટ થતા પહેલા એક ધડામ નો અવાજ. તેણે જેમ તેમ કરી ને ૧૦૮ ડાયલ કરી દીધો હતો.અને કોલ આન્સર થાય ત્યાં સુધી માં પોતાનું માથું મેજ પર પછાડ્યું અને તેના નામ નું ડૂસકું ભરતા ભરતા પોતાના આંસુ લૂછ્યા.. તેણે પોતાના વર્કરૂમમાં ફોન ફેક્યો. કારણકે તે જાણતો હતો કે આકાંક્ષા ના માતા પિતાને તેણે જ જાણ કરવી પડશે.

તેણે આકાંક્ષાના પિતાની ઓફીસ માં જઈ ને કેબીનમાં પ્રવેશવા ની પરવાનગી માંગવા ડોકિયું કર્યુ તો જોયું કે આકાંક્ષાની માતા અદ્રશ્ય દ્વારા મળેલ ‘ચેઈન’ ને કારણે થોડી ચિંતિત થઈ ને પિતા સાથે વાત કરી રહી હતી.જે એક મા ના હૃદય માટે મહત્વપૂર્ણ બાબત હતી.

તેણે આકાંક્ષા ના પિતા ની કેબિનમાં જઈ ને માત્ર એટલું જ કહ્યું,” આપના આકાંક્ષા પ્રત્યે ના પ્રેમના અભાવના ખાલીપાને… તમારા એટલે કે અમદાવાદના સૌથી મોટા ઉદ્યોગપતિ નો અપાર રૂપિયો અને મારો તેના પ્રત્યે નો અગાઢ પ્રેમ પૂર્ણ નથી કરી શકી.તે આપણી વચ્ચે થી ચાલી ગઈ છે. જૂના પૂલ પર ચાલો.”

આકાશે સાથે ચાલનારા ડાઘુઓ નો સાથ બહુ ઝડપથી છોડી દીધો અને તેમની ખુશખુશાલ યાદો વાળી જગ્યાએ આવીને બેઠો.પરિમલ ગાર્ડનમાં તેણે દૂર દૂર વાગતા એક ગીત સંગીત ને સાંભળવા કાન સરવા કર્યા તો સંભળાયું,”તુ જો પાસ હો ફિર ક્યા યે જહાં..હો જાઉં મે ફના”..પોતાના હાથ પર પડેલા એક આંસુ ને કારણે તેની તંદ્રા તૂટી અને તે મનોમન એ જ ગીત ગણગણવા લાગ્યો.અને જાણે સમજી ગયો હતો કે તેણી નું કહેવું હતું કે બધું બદલાતું રહેશે..બહાદુર બનો અને સ્વીકારી લો..

સાર: પ્રેમ… તેમાં પણ જો માતાપિતા નો… ‘અદ્રશ્ય’ થાય તો રૂપિયો તે ખાલી જગ્યા ભરી નથી શકતો. પ્રેમ હોય તો બધું જ છે.. નહિ તો કાંઈ જ નહિ…

નોંધ:

ગીત ના લેખક: પ્રસૂન જોશી

ગીત ના ગાયક: સોનુ નિગમ, સુનિધિ ચૌહાણ, આમિર ખાન અને કાજોલ

ગીત નું સંગીત : જતીન-લલિત

ફિલ્મ: ફના (૨૦૦૬)

-અદ્રશ્ય (મીત રાજ્યગુરુ)

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!