લેખકની કલમે

પિતા ના જમવાના વારા – પોતાના વ્હાલસોયા દીકરાને પીઠ પર બેસાડી હોંશે હોંશે ખવડાવતા પિતાના જમવાના પણ કર્યા દીકરાઓએ વારા……..વાંચો એક દુખી પિતાની કહાની….તમારી પણ આંખ ભીંજાઇ જશે !!

પિતા ના જમવાના વારા…?

…અને ઘણી બધી માનતાઓ અને ઘણા વર્ષોના અંતે દિવાળીબેન અને રામજીભાઈ ના ઘેર પારણું બંધાયું. કેટકેટલા દેવોની બાધા અને કેટકેટલા મંદિરોના પગથિયા ઘસી નાખ્યા અને કેટકેટલા બાબાઓના દોરા ધાગા પછી પરિવારમાં સંતાનના આગમને રામજી અને દિવાળીબેન ના હૃદયને આનંદથી ભરી દીધું હતું. બંનેના લગ્નના બાર બાર વર્ષ વીતવા છતાં સંતાન ન થતા એમના અંતરમાં જે ઉચાટ હતો એ આજે હરખમાં પરિવર્તિત થઈ ગયો હતો…

રામજીભાઈ અને દિવાળીબેન ખોવાઈ જતા પોતાના સંતાન પ્રાપ્તિ પછીના સોનેરી ભાવિના સ્વપ્નમાં. બન્ને એવા વાતે ચડી જતા કે સંતાન વિહોણા હતા ત્યારે જે કટુ વચનો આડોસી પાડોશી તરફથી ,સમાજ તરફથી એમને સાંભળવા પડ્યા હતા એ તમામને ભૂલી ગયા હતા. એક વખત તો એવું બનેલું કે સવારના પહોરમાં દિવાળીબેન મહાદેવ દર્શન કરવા ગયેલા. એ સૌથી પહેલા દર્શને આવેલા બીજું કોઈ હજી આવેલું નહીં. ત્યારે મંદિરના પુજારીએ રીતસર મંદિરનો દરવાજો ખોલ્યો ન હતો અને સુંવાળી ભાષામાં મહેણું મારેલું કે…”બેન, તમે વાંઝિયા છો અને સવાર માં જો મંદિરમાં વાંઝીયું માણસ ભગવાનના સૌથી પહેલા દર્શન કરે એ અશુભ છે…માટે થોડી વાર પછી દર્શને આવજો…”
પૂજારીનું આ મહેણું સાંભળી દિવાળીબેન એ દિવસે આખો દિવસ રડેલા અને વારંવાર ભગવાનને ઠપકો પણ આપતા રહેલા. આવુજ મહેણું રામજીને પણ સાંભળવું પડેલું. એક દિવસ પોતાના ખેતરમાં તાપમાં રામજી કામ કરી રહયો હતો. બાજુના ખેતરના ઘરે જઈ રહેલા ખેડૂતો વાતો કરતા હતા કે…”આ રામજીને છોકરા છૈયા તો છે નહીં તો આવી મજૂરી કરી કોના માટે ભેગું કરી રહ્યો છે…” આ વાત સાંભળી એ દિવસે રામજીના હૈયામાં પણ ધ્રાસકો પડેલો.

પણ હવે સંતાનમાં ફુલના દડા જેવા પુત્રને પામીને બેઉ માણસ ખૂબ રાજી હતા. દીકરાના રુદનના સુમધુર સંગીતે જાણે રામજીના ઘરને સ્વર્ગથી પણ વધુ સુંદર બનાવી દીધું. એના નાનકડા ઘરમાં જ્યાં શોક અને ચિંતાએ ઘેરો ઘાલ્યો હતો ત્યાં હવે દીકરા મોહનની કાલી ઘેલી બોલી અને બાળહઠ ની સુંદરતાએ જગ્યા લઈ લીધી હતી. તનતોડ મહેનત કરી રામજી અને દિવાળીબેન દીકરા મોહનને લાડે કોડે ઉછેરી રહ્યા હતા. એની દરેક બાળહઠ પુરી કરવી એને આ દંપતી પોતાનું સૌભાગ્ય માનતા હતા. સમય સમય નું કામ કર્યે જતો હતો. આનંદ અને ઉછરંગમાં મોહન ક્યારે બે વર્ષનો થઈ ગયો એ પણ ખ્યાલ ન રહ્યો. સમય વીતતો ગયો અને દિવાળીબેન ને બીજી સુવાવડ આવી. અને આ વખતે દિવાળીબેને એક સાથે બે જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. હવે તો રામજી અને દિવાળીબેન ના આનંદનો કોઈ પાર ન રહ્યો. ભગવાનનો આભાર માનતા બેઉ કહેવા લાગ્યા…” વાહ, પ્રભુ. જ્યાં એક સંતાન માટે તમે આટલી બધી રાહ જોવડાવી અને એ તમામનો બદલો ત્રણ દીકરાઓ આપીને એક સાથે ચૂકવી દીધો… તારી લીલા પણ અકળ છે મારા વ્હાલા…”
હવે તો સૌથી મોટો મોહન અને બે નાના ભાઈઓ રમેશ અને સુરેશ ત્રણેય ભાઈઓની બાંધવ બેલડી એ રામજીને ગામમાં વટ થી ચાલતો કરી દીધો હતો. જ્યાં એક સમયે સંતાન વિના શરમથી નીચું મોં કરી એ ચાલતો હતો… ત્રણેય દીકરાનો ઉછેર બેઉ માણસ ખૂબ લાડકોડથી કરવા લાગ્યા. પોતે ખૂબ મહેનત મજૂરી કરી પોતાના દીકરાઓની દરેક માંગ પુરી કરતા. ખેતરમાં મજૂરી કરી , થાકીને લોથપોથ થઈ રામજી ઘરે આવે અને છતાં દીકરાઓ સાથે રમવા લાગી જાય. દીકરાઓ માટે ઢીંચણીયે પડી ઘોડો થઈ પીઠ પર દીકરાઓને સવારી કરાવે . દીકરાઓ પણ પિતાજી આવે એટલે…”આજે મારો વારો…આજે સવારી કરવાનો મારો વારો…” એવી હઠ પકડી પિતાજીને લપેટાઈ જાય. અને રામજી ત્રણેય દીકરાઓને એક સાથે પોતાની પીઠ પર સવારી કરાવે…
હસતા રમતા પંદર વર્ષ વીતી ગયા. રામજી ની પત્ની દિવાળીબેન પતિ અને ત્રણેય પુત્રોને મૂકી સ્વર્ગે સિધાવ્યા અને આખા પરિવારની જવાબદારી એકલા રામજી પર આવી પડી. હવે મા બાપ બંનેની જવાબદારી એકલા રામજીએ નિભાવવાની હતી. જ્યારે દિવાળીબેન દેવ થઈ ગયા ત્યારે મોટો દીકરો મોહન પંદર અને રમેશ તથા સુરેશ બંને તેર તેર વર્ષના હતા. દીકરાઓ પણ મોટા થતા જતા હતા અને રામજીને ખેતી કામમાં પણ મદદ કરવા લાગ્યા હતા અને ત્રણેય ભાઈઓના લગ્ન પણ થઈ ગયા. આખો પરિવાર ફરી એક વાર પૂર્ણ થઈ ગયો. ત્રણેય ભાઈઓમાં નાનો સુરેશ ભણવામાં થોડો વધુ હોશિયાર હતો અને રામજીએ એને આગળ ભણાવ્યો પણ ખરો. અને સુરેશ બેંકમાં નોકરીએ પણ લાગી ગયો. મોહન અને રમેશ ખેતી કામમાં જોતરાઈ ગયા. આખું કુટુંબ મઝિયારા માં આનંદથી રહેતા હતા. સમય વીતતા હવે ત્રણેય ભાઈઓ અને વહુઓ માં થોડો ખટરાગ પેદા થવા લાગ્યો હતો. વહુઓમાં કામને લઈને વાદ વિવાદ વધવા લાગ્યો હતો.
રામજીએ નક્કી કર્યું કે કુટુંબમાં કંકાસ વધી જાય એ પહેલાં ત્રણેય દીકરાઓને જુદું આપી દેવું. ત્રણેય અલગ થઈ જશે તો પોતાની રીતે સુખેથી રાજી રહેશે અને સુખી થશે. એકમેકનો રાગ જળવાઈ રહેશે અને કંકાશ પણ નહીં થાય. રામજીએ પોતાની મિલકત ના ત્રણ સરખા ભાગ કર્યા અને ત્રણેય દીકરાઓને વહેંચી દીધા એને પોતાનો ભાગ ન રાખ્યો. એને વિચારેલું કે ત્રણેય દીકરા મને સાથે રાખવા તૈયારજ હશે. પણ બન્યું એનું બિલકુલ વિપરીત. જે ત્રણેય ને રામજીએ પોતાની પાસે રાખ્યા હતા આજે ત્રણેય માંથી એકે પોતાના પિતાને પોતાની પાસે રાખવા તૈયાર ન હતા. ત્રણેય માંથી એકેય એમ ન બોલ્યા કે…”બાપા, તમે મારા ભેગા રહેજો…” પોતપોતાનો ભાગ લઈ ત્રણે પોતાની વહુઓ સાથે અલગ રહેવા લાગ્યા અને આંગણામાં એકલો રહી ગયો રામજી હૃદયમાં સંતાનો ની અવગણનાની અથાગ વ્યથા લઈને…
રાત્રીના સમયે ત્રણેય દીકરાઓને ભેગા કરી રામજીએ પૂછ્યું…”દીકરાઓ હું કોના ભેગો…???” ત્યારે પણ એ છ જણ માંથી એકેય કશુંજ ન બોલ્યા. થોડો સમય વિચાર કરી મોટા દીકરા મોહનની વહુ બોલી…”આપણે એમ કરીએ, બાપાના આપણા ત્રણેય ઘરે દસ દસ દિવસ રહેવાના વારા પાડી દઈએ…” દસ દસ દિવસ બાપા ત્રણેય ઘરે રે અને ખાવા પીવાનું પણ કરે…” આ વાત સાંભળી રામજીના હૃદયની વ્યથા આંખમાંથી આંસુ બની ગાલ પરથી વહેવા લાગી. અને આકાશ તરફ જોઈ મનોમન બોલવા લાગ્યો કે…”દિવાળી, જોયું ને આજે ત્રણ ત્રણ દીકરા હોવા છતાં હું ત્રણે ઘરે રઝળતો થઈ ગયો… દિકરાઓની પરવરીશમાં ચોક્કસ આપણી કમી રહી ગઈ કે એકેય મને કાયમ પોતાની સાથે રાખવા પણ આજે તૈયાર નથી… આપણે પોતે ભૂખ્યા રહી જે દીકરાઓને ખવડાવ્યું હતું એજ દિકરાઓએ આજે મારા પણ ખાવાના વારા પાડી દીધા…”

એક દિવસ એવું બન્યું કે એ દિવસે રામજીનો જમવાનો વારો નાના દીકરા સુરેશ ના ઘેર હતો. સુરેશ અને એની પત્ની બહારગામ ગયેલા અને સાંજે મોડા સુધી આવેલા નહિ. મોહન અને રમેશ નો પરિવાર જમીને પરવારી પણ ગયા હતા જ્યારે રામજી ભૂખ્યા પેટે આંગણામાં ખાટલે પડખા ઘસતો હતો. ભૂખ શહન ન થતા રામજી મોહનના ઘરે ગયો અને જમવાની વાત કરી. કોઈ પણ જાતની લાજ શરમ વગર દીકરા મોહન અને એની પત્ની એ ધડ દઈને રામજીને મોઢા પર કહી દીધું…”આજે ક્યાં અમારો વારો છે…” અને આવાજ શબ્દો રમેશ ના ઘરે થી પણ સાંભળવા મળ્યા…
અંતે, પોતાનું દુઃખ અને દિકરાઓનો જાકારો ભીતરમાજ ધરબી રામજી ફરી ખાટલે આવી બેસી ગયો અને એને એ ભૂતકાળના દિવસો યાદ આવી ગયા કે જ્યારે પોતાની પીઠ પર સવારી કરવા એના દીકરાઓ હઠ પકડતા અને કહેતા હતા કે…”આજે મારો વારો… આજે મારો વારો…” અને આજનો દિવસ છે કે એજ દીકરાઓ એજ પિતાને એક અડધો રોટલો ખવડાવવા માટે ખો આપી રહ્યા છે અને કહે છે…”આજે ક્યાં મારો વારો છે…!!!”

લેખક:- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.