તાજેતરમાં જ રશિયાની રાજધાનીમાં બનેલી એક ઘટનાએ વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે :

રશિયામાં મોસ્કો શહેરથી થોડો દૂર એક મકાઇના ખેતરમાં જંગી વિમાનનું લેન્ડીંગ થયું ત્યારે લોકો આશ્વર્યથી સ્તબ્ધ રહી ગયા. ખરેખર બન્યું હતું એવું, કે રશિયાની ઉરલ એરલાઇનનું ‘એરબસ 321’ નામનું જંગી પ્લેન રશિયાની રાજધાની મોસ્કોના એરપોર્ટ ઝુકોવ્સ્કી પરથી ટેક-ઓફ થયું ત્યારે એમાં ૨૩૩ લોકો સવાર હતા.
પ્લેન હજુ માંડ ટેક-ઓફ કરીને પોતાનો રૂટ પકડવાની તૈયારીમાં જ હતું કે બગલાં જેવા દેખાતા સી-ગલ પક્ષીઓનું એક ઝૂંડ વિમાન સાથે અથડાયું. આકાશમાં થતી આવી અથડામણો જોખમી હોય છે, જીવલેણ પણ બને છે. એરબસ 321નું એન્જિન કામ કરતું બંધ થઈ ગયું!

હવે વખત જોખમી હતો. ૨૩૩ મુસાફરોનો જીવ અધ્ધરતાલ હતો. પણ આ વખતે વિમાનના પાયલટે જે કર્યું તેની પ્રશંસા ચોતરફ થઈ રહી છે. એરપોર્ટથી એકાદ કિલોમીટર દૂર એણે મકાઈનું ખેતર જોયું અને વિમાનને તેમાં ઉતારી દીધું!
લેન્ડીંગ થોડી અડચણોને બાદ કરતા સલામત જ થયું અને એકપણ જાનહાની ના થઈ. જો કે, ૨૩ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે જેમાંથી એકની હાલત ગંભીર છે. વિમાન હંકારનાર પાયલટને રશિયાના લોકો ‘નેશનલ હિરો’ ગણાવી રહ્યા છે. તેમની સમયસૂચકતા અને ખેલદિલીએ કમાલ ન કર્યો હોત તો બહુ મોટી દુર્ઘટના સર્જાવાની હતી.

હડસન નદીની વચ્ચે ઉતારેલું વિમાન:
એરપોર્ટ પર પક્ષીઓની આવનજાવન પુષ્કળ હોય છે. પરિણામે ઘણીવાર લેન્ડીંગ કરતા કે ટેક-ઓફ કરતા વિમાન સાથે પક્ષીઓનો ટકરાવ થાય છે અને બંનેની પુષ્કળ ગતિ જોખમ નોતરી લાવે છે. અમુક દાખલા તો એવા પણ છે, કે વિમાનમાં એક નાનકડું પક્ષી ટકરાઈને પોલાદી માળખાંમાં ગાબડું પાડી દે! આથી હવે એરપોર્ટ પર પક્ષીઓને ભગાવવા માટે એરગન જેવા નુસ્ખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૦૯ની અમેરિકાના એક પ્લેનની ઘટના (દુર્ઘટના) બહુ જાણીતી છે.

ન્યુયોર્કના એક એરપોર્ટ પરથી ટેકઓફ કરેલા વિમાનમાં દોઢસો જેટલા મુસાફરો સવાર હતા. અચાનક વિમાન સાથે કેનેડીયન હંસોનું ટોળું અથડાયું. વિમાનની માળખાગત સુવિધાઓમાં ભંગાણ પડ્યું. એન્જિન કામ આપતું બંધ થઈ ગયું. આખરે પાયલટે મજબૂરીથી પાસેની હડસન નદીના પાણીની વચ્ચે પ્લેનને ઉતારવું પડ્યું. ૧૫૫ મુસાફરોને બોટની મદદ વડે રેસ્કયૂ કરીને બચાવી લેવાયેલા.
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks