મોંધવારીનો માર : સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં નોંધાયો વધારો

ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો

ગુજરાતમાં સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 87.69થી વધીને 87.85 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.13થી વધીને 87.34 થયો છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.74 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.12 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 97.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.19 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 92.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.09 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. કોલકાતામાં આ કિંમત ક્રમશઃ 90.92 રૂપિયા અને 83.98 રૂપિયા પ્રતિ લિટર છે.

નોંધનીય છે કે દેશમાં ચાર રાજ્યો તથા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે. આ ચૂંટણીના પહેલા પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો પરંતુ જેવી જ ચૂંટણી નજીક આવી આ ભાવ સ્થિર થઈ ગયા. હવે તો ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે ત્યારે ફરીથી ઈંધણના ભાવ વધવા લાગ્યા છે.

Shah Jina