થોડા દિવસ પહેલા પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા હતા. 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થતા જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોમાં રોક લગાવવામાં આવી હતી, ત્યારે ઘણા દિવસો બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

આજે 24 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સાથે સામાન્ય માણસને રાહત મળી છે. 25 દિવસ બાદ આ ભાવ ઓછા થયા છે જે આ વર્ષનો પહેલો ઘટાડો છે. આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 15 દિવસમાં 10 ટકા તૂટી ચુક્યો છે. કાચા તેલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલની ઊંચાઈએથી નીચે આવીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.આ પહેલા પેટ્રોલ ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું.

દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર 18 પૈસા અને ડીઝલ 17 પૈસા સસ્તું થયું છે. બુધવારના રોજ દિલ્હીના બજારમાં પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. આ પહેલા છેલ્લા 24 દિવસો સુધી કોઈ બદલાવ નહોતો થયો.