જાણવા જેવું

પેટ્રોલ પંપ પર મળે છે આ સુવિધાઓ મફતમાં, જો ન હોય તો કરી શકો છો ફરિયાદ, થઇ શકે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ્દ

આપણામાંથી મોટાભાગના લોકો પેટ્રોલ પંપ પર અવારનવાર પેટ્રોલ ભરાવવા માટે જતા જ હશે, પણ બધા જ એ નથી જાણતા કે પેટ્રોલ પંપ પર અમુક સુવિધાઓ સામાન્ય જનતા માટે ફ્રીમાં આપવામાં આવે છે. જેનો આપણે લાભ લઇ શકીએ છીએ. માર્કેટિંગ ડિસિપ્લિન ગાઇડલાઇન્સ હેઠળ પેટ્રોલ પંપના માલિકે લોકોને આ સુવિધાઓ ફરજીયાત પણે પુરી પાડવી જ પડે છે. પરંતુ ઘણા પેટ્રોલ પમ્પના માલિકો આ સુવિધાઓ પુરી પડતા નથી. ત્યારે જો તેઓ આ સુવિધાઓ નથી આપતા તો ગ્રાહકો તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી શકે છે. આ ફરિયાદના આધારે તેમના પેટ્રોલ પંપનું લાયસન્સ પણ રદ થઇ શકે છે અને તેમને દંડ પણ ભરવો પડી શકે છે.

જો તમે પેટ્રોલ પંપના માલિક વિરુદ્ઘ કોઈ ફરિયાદ કરવા ઇચ્છો તો તમે સેન્ટ્રલાઈઝડ પબ્લિક ગ્રિવિઅન્સ રિએડ્રેસ એન્ડ મોનીટરીંગ સિસ્ટમના પોર્ટલ https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધી શકો છો. આ સિવાય તમે આ પેટ્રોલ પંપ જે કંપનીનું છે તે કંપનીની વેબસાઈટ પર પણ જઈને ફરિયાદ કરી શકો છો.

Image Source

તો ચાલો જાણીએ કે એવી કઈ સુવિધાઓ છે જે સામાન્ય જનતા માટે દરેક પેટ્રોલ પંપ પર ફ્રીમાં ઉપલબ્ધ હોવી જ જોઈએ –

પેટ્રોલની કિંમત:
દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત મોટા અક્ષરોમાં લખેલી હોવી જોઈએ. દરેક ગ્રાહકને પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવાનો હક છે. લખેલી કિંમત સાચી હોવી જોઈએ, જો આ કિંમત સાચી ન હોય તો વધારીને લખેલી કિંમત પર ફરિયાદ કરી શકાય છે.

પેટ્રોલ-ડીઝલ ભરાવ્યાનું બિલ:
પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા પછી બિલ લેવાનો દરેક ગ્રાહકને સંપૂર્ણ અધિકાર છે. પેટ્રોલપંપનો માલિક કે એજન્ટ ગ્રાહકને બિલ આપવાનો ઇન્કાર કરી શકે નહિ. બિલ લેવું જરૂરી એટલા માટે પણ છે કે જો તમે કોઈ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનો છો તો જો તમારી પાસે બિલ હોય તો તમે ફરિયાદ કરી શકો છો.

Image Source

ફાયર અને સેફટીના સાધનો:
દરેક પેટ્રોલ પંપ પર ફાયર-સેફટી ડિવાઇસ હોવા જરૂરી છે અને સાથે જ રેતી ભરેલી ડોલ પણ હોવી જરૂરી છે. જેથી આગ લાગવાની પરિસ્થિતિમાં આ સાધનોના ઉપયોગથી આગ પર કાબુ મેળવીને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.

હવા ભરવાનું મશીન (ફ્રી):
દરેક પેટ્રોલ પંપ પર વાહનોમાં હવા ભરવાની સુવિધા આપવી જરૂરી છે. આ માટે હવા ભરવાનું ઇલેક્ટ્રિક મશીન અને વાહનોમાં હવા ભરી આપવા માટે માણસ રાખવો જરૂરી છે. સાથે જ આ માણસ હવા ભરી આપવા માટે તમારી પાસેથી પૈસા ન માંગી શકે. આ સુવિધા પેટ્રોલ પંપના માલિકી બિલકુલ મફતમાં પુરી પાડવાની હોય છે. એટલે જો કોઈ પેટ્રોલ પંપ પર હવા ભરવા માટે પૈસા માંગતું હોય તો પણ ફરિયાદ કરી શકાય.

Image Source

ફર્સ્ટ એડ બોક્સ:
દરેક પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ બોક્સની સુવિધા હોવી જોઈએ, જેમાં દવાઓ અને બેન્ડએડ પણ હોવી જરૂરી છે. આ સાથે જ દરેક દવાઓની એક્સપાયરી ડેટ પણ લખેલી હોવી જોઈએ. એક્સપાયર થયેલી દવાઓ એમાં હોવી જોઈએ નહિ. આ ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જો કોઈ પેટ્રોલ પંપ પર તમને ફર્સ્ટ એડ બોક્સ માંગવા પર આપવાનો ઇન્કાર કરે તો પણ તમે ફરિયાદ કરી શકો છો.

પીવા માટે શુદ્ધ પાણી:
દરેક પેટ્રોલ પંપ પર સામાન્ય લોકો માટે મફતમાં પીવાના પાણીની સુવિધા હોવી જરૂરી છે. કોઈ પણ પેટ્રોલ પંપ તમારી પાસેથી પાણીના પૈસા વસૂલી શકે નહિ. આ માટે પેટ્રોલ પંપ પર આરઓ, વોટર કૂલર કે પાણીનું કનેક્શન પેટ્રોલ પંપના માલિકે લગાવવાનું રહે છે.

Image Source

વોશરૂમની સુવિધા:
દરેક પેટ્રોલ પંપ પર સ્વચ્છ વોશરૂમની સુવિધા હોવી આવશ્યક છે. કોઈ પણ તમને આ વોશરૂમનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી શકે નહિ કે આ માટે પૈસા વસૂલી શકે નહિ. જો પેટ્રોલ પંપ પર ખરાબ વોશરૂમ હોય કે સુવિધાના અભાવવાળા વોશરૂમ હોય તો તમે આ વાતની ફરિયાદ કંપનીને કરી શકો છો.

ક્વોલિટી ચેક:
દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની ક્વોલિટી અને કોન્ટીટી ચેક કરવાનો અધિકાર દરેક ગ્રાહકને છે. આ માટે દરેક પેટ્રોલ પંપ પર ક્વોલિટી અને કોન્ટીટી ચેક માટેની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. જો આ સુવિધાઓ ન હોય તો ફરિયાદ નોંધાવી શકાય છે.

Image Source

ફરિયાદ પેટી અથવા રજિસ્ટર:
જો તમે પેટ્રોલ પંપ પર કોઈ સુવિધાથી અસંતુષ્ટ છો તો તમે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી કે રજિસ્ટરમાં આ અંગેની ફરિયાદ કરી શકો છો. આ સિવાય રજિસ્ટરમાં કોઈ પણ ગ્રાહક પોતાનો પ્રતિભાવ લખી શકે છે. પણ જરૂરી છે કે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી હોવી જોઈએ.

ફોન કોલની સુવિધા:
જો કોઈ અગમ્ય કારણોસર તમારી પાસે મોબાઈલની સુવિધા નથી અને તમે મુસીબતમાં મુકાઈ ગયા છો તો પેટ્રોલ પંપ પર જઈને કોઈને પણ કોલ કરી શકો છો. આ માટે પેટ્રોલ પંપ પર ફ્રીમાં ફોન કોલની સુવિધા ઉપલબ્ધ હોય છે. કોઈ પણ પ્રકારના ઇમર્જન્સી કોલ કે નેટવર્કની તકલીફ હોય તો પણ તમે પેટ્રોલ પંપ પર આ સુવિધા માંગી શકો છો. આ માટે પેટ્રોલપંપ પર હાજર કોઈ પણ કર્મચારી તમને ઇન્કાર નહિ કરી શકે.

Image Source
  • દરેક પેટ્રોલ પંપ પર તેના ખુલા હોવાની અને બંધ હોવાની નોટિસ અને સમયની માહિતી હોવી જરૂરી છે. સાથે જ પેટ્રોલ પંપ બંધ રહેવાના દિવસોનું લિસ્ટ પણ હોવું જોઈએ.
  • ઉપરાંત, પેટ્રોલ પંપ પર તેના માલિકનું નામ, પેટ્રોલિયમ કંપનીનું નામ અને નંબર લગાવવો જરૂરી છે. જેથી ગ્રાહકો જરૂર પડ્યે પેટ્રોલ પંપના માલિકનો સંપર્ક સાધી શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks