હાલમાં જ પોઇચામાં નર્મદા નદીમાં સુરતના 8 લોકો ડૂબ્યાની કરુણ ઘટના બની, જો કે તેમાંથી એકનો તો આબાદ બચાવ થયો હતો. તમામ લોકો એક જ સોસાયટીના હોવાનું સામે આવ્યુ છે અને એક જ પરિવારના ચાર સભ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના સણિયા હેમદ ગામે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સપ્તાહમાં બલદાણિયા અને હડિયા પરિવારે કામગીરી કરી હતી.
ત્યારે સપ્તાહ પૂર્ણ થયા બાદ ભરતભાઇ અને સોસાયટીના અન્ય સાત નાનાં બાળકો તેમજ કિશોરો પોઇચા ખાતે ત્રિવેણી સંગમ ખાતે નાહવા માટે ગયાં અને તમામ લોકો ડૂબી ગયા. જો કે એકનો તો સ્થાનિક લોકો દ્વારા બચાવ થયો હતો. જ્યારે સાત લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો રેસ્ક્યૂ ઓપરેશન માટે પોઇચા પહોંચ્યા. હાલ તો નર્મદા નદીમાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.
નર્મદા નદીમાં ગરકાવ થયેલા લોકોમાં ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા, આરનવ ભરતભાઈ બલદાણિયા, મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા, વ્રજ હિંમતભાઈ બલદાણિયા, આર્યન રાજુભાઈ ઝીંઝાળા, ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડિયાનો સમાવેશ થાય છે.