કેનેડામાં રોડ અકસ્માતમાં મોતને ભેટેલા અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ કર્યુ દિલ ખોલી દાન, 30 હજાર ડોલરની હતી જરૂર પણ થયા 42 હજાર ડોલર એકત્ર

19 વર્ષના વર્ષિલ પટેલનો મૃતદેહ અમદાવાદ લાવવા એકઠા થયા 42 હજાર ડોલર, કેનેડાવાસીઓએ દિલ ખોલીને કર્યું દાન

People donate for Versil Patel : દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતના કે ભારતના અલગ અલગ રાજ્યો-શહેરોમાંથી કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે પછી અન્ય કોઇ જગ્યાએ જાય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘણી ખબર સામે આવી રહી છે. હાલમાં જ કેનેડામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના વર્સિલ પટેલના સમાચાર આવ્યા અને વર્સિલના માતા-પિતા તેમના દીકરાનું મોઢુ જોઇ શકે અને મૃતદેહને ભારત પરત લાવવા માટે વર્ષિલના કઝિન તરીકે પોતાની ઓળખ આપનાર રાજન પટેલે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યુ હતુ.

ક્રાઉડ ફંડિંગમાં એક્ત્ર થયા 42 હજાર કેનેડિયન ડોલર
ત્યારે લોકોએ પણ ઉદારતા દાખવી અને નિર્ધારિત રકમ કરતા વધુ રકમ એકઠી થઈ ગઈ. વર્સિલના મૃતદેહને ભારત પરત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર હતી પણ ક્રાઉડ ફંડિંગમાં લોકોના દાન થકી 42 હજાર કેનેડિયન ડોલર એટલે કે 26.37 લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે અને હવે ક્રાઉડ ફંડિંગને બંધ કરી દેવાયું છે. જે રકમ ક્રાઉડ ફંડિંગ દ્વારા એકઠી થઇ છે તે રકમથી વર્સિલના મૃતદેહને ભારત મોકલવા અને તેની અંતિમ ક્રિયા પાછળ ખર્ચ કરવામાં આવશે તેવું વર્સિલના ભાઈ રાજન પટેલે જણાવ્યું.

લોકોએ દિલ ખોલીને કર્યું દાન 
અમદાવાદનો 19 વર્ષિય વર્સિલ હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો અને તે કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરીમાં રહેતો હતો. વર્સિલ 21 જુલાઈએ દરરોજની જેમ ચાલીને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી અને આ અકસ્માતમાં તેનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું. વર્સિલના રોડ અકસ્માતમાં મોત થવાની ખબર પરિવાર સુધી પહોંચતા જ પરિવારમાં તો શોકનું મોજું ફરી વળ્યું હતું. જો કે, આ મામલે પોલિસે કારચાલકની ધરપકડ કરી હતી.

26.37 લાખનું ફંડ થયું એકત્ર
રાજન પટેલે લખ્યું હતુ કે વર્ષિલનો પરિવાર છેલ્લીવાર તેનું મોં જોઈ શકે તે માટે મદદ કરનારા સૌનો અમે વર્ષિલના પરિવાર તરફથી આભાર માનીએ છીએ. અત્યાર સુધીમાં 42 હજાર કેનેડિયન ડોલર એકત્ર થયા છે. જેનો ઉપયોગ વર્ષિલનો મૃતદેહ કેનેડા મોકલવા અને અંતિમ ક્રિયા પાછળ જે ખર્ચ થશે. જ્યારે બાકીની રકમ વર્ષિલના પિતાના બેંક અકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.

Shah Jina