મહાકુંભમાં VIP કલ્ચર વિરૂદ્ધ લોકોમાં રોષ, વ્યવસ્થા અંગે વહીવટીતંત્ર પર ઉઠ્યા સવાલો, મહાકુંભમાં નાસભાગ પહેલાનાં વીડિયો આવ્યા સામે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં 29 જાન્યુઆરીને રાત્રે 1 વાગ્યે સંગમ કિનારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નાસભાગમાં બેરિકેડ તૂટતા કેટલાક લોકો ઘાયલ થયા હતા. જેને લઈ સોશિયલ મીડિયા પર લોકો રડતા અને પ્રશાસન પર ગુસ્સે દેખાઈ રહ્યા છે. જેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો રડતા અને પ્રશાસન પર ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે.

સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે

આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અશોક સિંહનો છે, જેમાં તેઓ આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે કે VIP કલ્ચરના કારણે મેળાની વ્યવસ્થા બગડી રહી છે. પ્રશાસન પોતે જ આખી સિસ્ટમ બગાડવામાં લાગેલું છે. માત્ર VIPના વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ ખોટું છે. સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, “વીઆઈપી કલ્ચરના કારણે મેળો નાશ પામી રહ્યો છે. આ બધું અધિકારીઓની મિલીભગતથી થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. VIP કલ્ચરના કારણે ખલેલ પડી શકે છે. કોણ છે આ VIP, કોના વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે? પોલીસ કમિશનર અને ન્યાયાધીશોએ આવી પ્રથા બંધ કરવી જોઈએ નહીંતર ભવિષ્યમાં ઘણી મુશ્કેલી પડશે.

X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો અશોક સિંહ સાથે સહમત દેખાઈ રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “કુંભ મેળામાં VVIP કલ્ચર સામાન્ય ભક્તોની મુશ્કેલીઓ વધારી રહ્યું છે. લાખો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે કિલોમીટર ચાલી રહ્યા છે ત્યારે કેટલાક VVIP ખાસ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમાનતા અને વિશ્વાસના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે આ ભેદભાવને રોકવા માટે વહીવટીતંત્રને અપીલ છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અન્ય ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો મહાકુંભની વ્યવસ્થાથી અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે.

Twinkle