પોતાને ભુવો ગણાવનાર આ પાંખડી અને હત્યારાએ અનેક લોકોને છેતર્યા, વિધીના નામે લાખો રૂપિયા..જાણો સમગ્ર વિગત

દ્રશ્યમ ફિલ્મ જેવી અમદાવાદની મર્ડર મિસ્ટ્રી: અંધશ્રદ્ધાનું આંધળું પરિણામ, માતાજીના નામે કુકર્મ કરતો ભૂવો પકડાયો!

હાલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદનો એક કિસ્સો ઘણો ચર્ચામાં છે. જુનાગઢમાં રહેતી ધારા કડીવાર અચાનક ગુમ થઈ ગયા બાદ જૂન 2022માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે બાદ પોલિસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. ત્યારે આ કેસના એક વર્ષ બાદ હવે પોલીસને સફળતા મળી છે. આ મામલે પોલિસે 8 લોકોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સૂરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકી કે જે માતાજીનો ભૂવો હોવાનો દાવો કરે છે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલો સામે આવ્યો બાદ સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. જણાવી દઇએ કે, સુરજ ભુવાજી ઇન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ છે અને હજારોની સંખ્યામાં તેના ફોલોઅર્સ પણ છે. આ ઉપરાંત તેણે જે તસવીરો અને વીડિયો શેર કર્યા છે તેમાં તે સારી એવી લાઇફસ્ટાઇલ જીવતો હોવાનું પણ દેખાય છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અનુસાર, તે મોંઘી ગાડીઓનો શોખ ધરાવતો હોવાનું અને આલીશાન જીંદગી જીવતો હોવાનું જોવાઇ રહ્યુ છે. તેણે લોકમાનસમાં એક એવી છાપ ઊભી કરી કે લોકો તેને ખૂબ માનતા. 

તે તેના ઘૂણતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂકતો. આ હત્યાકાંડનો મામલો સામે આવ્યા બાદ સુરજ અને બીજા આરોપીઓ પર રાજ્યભરમાંથી લોકો રોષ ઠાલવી રહ્યા છે. જે લોકો સુરજ ભુવા પર વિશ્વાસ કરી રહ્યા હતા તે લોકો પણ હવે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મિડીયા પર માતાજીના નામે પોસ્ટ મુકીને લોકોને ભ્રમિત કરનાર સુરજ ભુવા પર લોકોએ એવો આક્ષેપ કરી રહ્યા છે કે સુરજ સોલંકીએ માત્ર ધારા જ નહી પણ અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબધો રાખીને તેમનું શારિરીક શોષણ કર્યું છે. 

આ ઉપરાંત વિધી કરવાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પણ પડાવ્યા છે. ત્યારે હવે સુરજ ભુવા વિરૂદ્વ અન્ય ગુના નોંધાવવાની પણ શક્યતા સેવાઇ રહી છે. કેસની વાત કરીએ તો, ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખથી પણ વધારે ફોલોઅર્સ ધરાવતા અને ભુવાજી તરીકે જાણીતું નામ બની ગયેલા સૂરજ ભુવાજીએ પોતાની પ્રેમિકાથી પીછો છોડાવવા માટે મિત્રો સાથે મળીને તેની હત્યાનો પ્લાન બનાવ્યો અને પછી એવી કહાની રચી કે પોલીસ પણ ગોળ ગોળ ફરતી રહી. આખરે આ ઘટનાને એક વર્ષ બાદ પડદા પરથી રહસ્ય ઊંચકાયું.

ગત 20 જૂન 2022ના રોજ ધારા સૂરજ ભુવાજી અને તેના એક મિત્ર મીત શાહ સાથે જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળી હતી અને પછી તેની કોઈ ભાળ જ ના મળી. સૂરજ ભુવાજી અને તેનો મિત્ર મિત પહેલાથી જ કરેલા પ્લાનિંગ મુજબ ચોટીલા જમીને ત્યાંથી ધારાને ચોટીલા પાસે આવેલા વાટાવછ લઇ ગયા. ત્યાં પહેલાથી જ સૂરજ ભુવાજીના અન્ય મિત્રો હાજર હતા. ગાડીમાં બેસીને ધારાએ સૂરજ ભુવાજી વિરુદ્ધ કરેલા કેસ પરત લેવાની વાત કરી. આ દરમિયાન મિત શાહે કારમાં જ પાછળથી ધારાનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી પ્લાન પ્રમાણે ધારાના કપડા અને મોબાઇલ લઇ લીધો.

જે બાદ મૃતદેહને યુવરાજ સોલંકીની વાડીમાં સળગાવી દીધો. ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ અગાઉથી પ્લાનિંગ મુજબ મંગાવી રાખ્યો હતો અને પછી આ હત્યાને છુપાવવા માટે પછી ફિલ્મી ઢબે પ્લાન ગઢવામાં આવ્યો. પોલીસને ગુમરાહ કરવા માટે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ મીટ શાહ અને સૂરજ ભુવાજી અમદાવાદ આવ્યા. આ ઘટનાના એક મહિના બાદ ધારાના ભાઈએ પોલીસમાં જાણવા જોગ કરેલી ફરિયાદમાં ધારા ભુવાજી સાથે ગઈ હોવાનું જણાવ્યું.

ત્યારે પોલીસે આ મામલે તપાસ કરતા ભુવાજીએ ધારા મીતના ઘરે આવ્યા બાદ અચાનક કોઈને કહ્યા વગર નીકળી ગઈ હોવાની અરજી પાલડી પોલીસમાં આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું કે, યુવતી પોતાનો સામાન લઈને ઘરેથી જતી રહી છે અને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું છે કે, મને શોધવાનો પ્રયાસ ના કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાઉં છું, પોલીસના લફડામાં પડતા નહીં. ત્યારે પોલીસને ગુમરાહ કરવા માટે આરોપી મીતે તેની માતા મોના શાહને ધારાના કપડાં પહેરાવીને પાલડી અને સનાથલ વિસ્તારમાં ફેરવી હતી,

જેના કારણે પોલીસ પણ ગુમરાહ થાય. જેના બાદ અન્ય ભુવાજીના અન્ય બે સાથી યુવરાજ અને ગુંજન આરોપી ધારાનો મોબાઈલ લઈને છેક મુંબઈ પણ પહોંચ્યો હતો. જ્યાંથી સંજય સોહેલિયાના મોબાઈલ પર ધારાના ફોન પરથી મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે પણ દોરવામાં આવી. જેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારી ઇચ્છાથી જ સૂરજને છોડીને દૂર જઈ રહી છું તો પોલીસની માથાકૂટમાં પડતા નહિ.

ત્યારે પોલીસ પણ ધીમે ધીમે એક પછી એક કડીઓ જોડતા જોડતા આ કેસના ઊંડાણ સુધી પહોંચી અને આ આખું ષડયંત્ર સૂરજ ભુવાજી દ્વારા ઘડ્યું હોવાનું સામે આવતા ધારાની હત્યા કેસમાં સૂરજ ભુવાજી ઉપરાંત તેનો ભાઈ યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોશી, સંજય સોહલિયા, જુગલ શાહ, મીત શાહ અને મોના શાહ સુધી પહોંચી હતી અને તેમની ધરપકડ કરી હતી.

Shah Jina