જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

રાજકોટ: પત્નીની અંતિમ ઈચ્છા પુરી કરવા પતિએ બેસણામાં બધાને ખવડાવી હતી પાણીપુરી- વાંચો એક હૃદયસ્પર્શી સત્યઘટના

આપણી ગમતી વ્યક્તિને ખુશ કરવા માટે આપણે કેટકેટલું કરતા હોઈએ છીએ. ઇતિહાસમાંથી પણ ઉદાહરણો મળે છે. શાહજહાંએ મુમતાજની યાદમાં તાજમહેલ બનાવ્યો. આજના સમયમાં મોંઘવારી અને ખર્ચાઓને ધ્યાનમાં રાખીને કોઈ તાજમહેલ બનાવવાના સપના તો નહિ જ જોતા હોય. પરંતુ કેટલીક એવી વ્યક્તિઓ છે જે પોતાના જીવનસાથીની અંતિમ ઈચ્છા પુરી કરવા સમાજ અને લોકોની પરવા નથી કરતાં.

Image Source

બેસણા વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. આપણામાંથી દરેક લોકો ક્યાંક કોઈના મૃત્યુ પ્રંસગે બેસણું કરવા માટે ગયા જ હોઈશું અને મોટાભાગે ત્યાં આપણે સફેદ કપડાં પહેરી, થોડીવારનું મૌન રાખી, આજુબાજુ પડેલા છાપાઓ વાંચી, બીડી સિગરેટ કે પછી ત્યાં આપવામાં આવતું કોઈ પીણું પી અને પાછા ફરતા હોઈશું. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે બેસણામાં સરસ મઝાની ચા મળે, પાણીપુરીનો પ્રસાદ હોય અને આખું બેસણું શાંત હોવાને બદલે ખુશખુશાલ હોય ? ટીવીના કેટલાક કાર્યક્રમોમાં આ પ્રકારના બેસણાં બતાવવામાં આવે છે. પરંતુ આવા બેસણાનો આપણા ઘરે !!વિચાર માત્ર કરવાથી સમાજ, લોકો બધું જ આંખો સામે આવી જાય. કોઈ શું કહેશે ? એનો ડર મનમાં પ્રવેશી જાય. ખરું ને ???

પરંતુ આ લોકલાજને બાજુએ મૂકી, સમાજની ચિંતા કર્યા વગર રાજકોટના એક નિવૃત્ત પ્રોફેસર ડૉ.ભદ્રાયુ વછરાજાની પોતાની પત્નીના મૃત્યુબાદ બેસણામાં પત્નીને ગમતી પાણીપુરી અને ચાનો પ્રસાદ રાખી લીધો સાથે પત્નીના નામથી જ કાર્ડ છપાવી સૌને એ પ્રસાદ લઈને જવાની વિનંતી પણ કરી.

Image Source

ડૉ. ભદ્રાયુ વછરાજાની મૂળે સાહિત્ય સાથે સંકળાયેલા માણસ. એટલે સમાજથી કંઈક નવું કરવાની ખેવના એમના મનમાં પહેલેથી જ રહેલી.  તેમના પત્ની ઇલાબેન પણ શિક્ષિકના વ્યવસાય સાથે સંકળાયેલા. ચા સાથે તેમને સારી નિસબત. પાણીપુરીના પણ ગજબના શોખીન તેઓ પાણીપુરી માત્ર ખાવાના જ શોખીન નહીં, પાણીપુરી ખવડાવવી પણ તેમને એટલી જ ગમતી. જેના કારણે ડૉ.ભદ્રાયુ વછરાજાનીએ ઇલાબેનના બેસણામાં પાણીપુરી અને ચાનો પ્રસાદ રાખી ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Image Source

વળી આપણે અસ્થિ વિસર્જન માટે ગંગા કે નર્મદા સુધી જતાં હોઈએ છીએ જયારે ઇલાબેનના અસ્થિવિસર્જન તેમના કાર્યક્ષેત્રમાં એટલે કે એ જે શાળામાં નોકરી કરતા હતાં એ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે જ કરવામાં આવ્યું. તેમના અસ્થિવિસર્જનની જગ્યા ઉપર બોરસલીનું વૃક્ષ રોપવામાં આવ્યું. જેના સંદર્ભે ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ કહ્યું : “એક શિક્ષક હવે બોરસલી બની જશે !!! ઈલાટીચર હવે વૃક્ષાસ્થિ !!”

ઇલાબેનની અંતિમયાત્રાને પણ અનંતયાત્રા બનાવવાના સુખદ પ્રયત્નો ડૉ. ભદ્રાયુ દ્વારા કરવામાં આવ્યા. ઘરેથી વૈકુંઠ ધામ સુધી ફૂલો અને અબીલ ગુલાલની છોળો ઉડાડતા, સ્નેહીજનોને ગુલાબના ફૂલો વહેંચીને, પ્રાર્થના, ધૂનો ગાતાં ગાતા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલે થઈને સ્મશાન પહોંચ્યા હતાં. ઇલાબેનના મૃત્યુને મહોત્સવની જેમ ઉજવી ડૉ. ભદ્રાયુએ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.

મંગળ પ્રાર્થનામાં આવેલા લોકો માટે પણ એક ખાસ સંદેશ ઈલાબેનના નામથી જ બધાને આપ્યો : “અલવિદા સમયે એક વિનંતી, તમે આજે પ્રસાદ લઈને જજો, પ્લીઝ” “ખુબ જ પ્રેમથી જીવી છું, એટલે મારી ઇચ્છા છે કે આજની મંગળ પ્રાર્થના પછી મને ખુબ જ પ્રિય ‘પાણી પુરી’ અને ‘ચા’ની પ્રસાદી તમને ખવડાવીને વિદાય લઉ, તમને હુ આગ્રહભરી વિનંતી કરૂ કે આજની મંગળ પ્રાર્થનામાં પાંચ મીનીટ ગાળ્યા પછી બહાર નીકળો ત્યારે મારી આ પ્રસાદી લીધા વગર ન જશો. તમે મારી આ આત્મીય લાગણીને માન આપશો તો હુ અનંતની યાત્રાએ રાજીપો લઇને જઇશ”

આખું જીવન સુખમાં વિતાવ્યા પછી મૃત્યુ બાદ પણ જો આપણા આત્માને સાચા અર્થમાં જો શાંતિ આપનારું કોઈ હોય તો મરવું પણ ક્યારેય વ્યર્થ નથી જતું. આજના સમયની દેખાદેખીમાં, સમાજ અને લોકોના ડરના કારણે, તેઓ શું કહેશે એના કારણે આપણે આપણા સ્નેહી સ્વજનના મૃત્યુબાદ એમને ગમતું કઈ જ નથી કરતાં પરંતુ સમાજ કહે છે એમ જ આપણે કરીએ છીએ.

Image Source

ડૉ.ભદ્રાયુ વછરાજાની સાહેબે જે પ્રકારે પોતાના ધર્મપત્નીને મૃત્યુબાદ જે સાચી શ્રદ્ધાંજલિ આપી છે તેમ ઘણા ઓછા લોકો કરશે, પરંતુ તેમને પોતાના આવા અનોખા કાર્ય દ્વારા સમાજને એક મોટો સંદેશ તો આપી જ દીધો છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.