‘ઝુકેગા નહિ પુષ્પા..’ લોન્ચ થયુ અલ્લુ અર્જુનનું “પુષ્પા 2″નું ટ્રેલર, ચાહકો થયા બેકાબૂ- પોલીસે કર્યો લાઠી ચાર્જ

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન માટે 17 નવેમ્બરનો દિવસ ખાસ હતો. કારણ કે બિહારના પટનામાં ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ. અલ્લુને આ મોટા બજેટની ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કેમ ના હોય, બધા લોકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે. અલ્લુ અર્જુન સાથે કો-સ્ટાર રશ્મિકા મંદાના પણ પટના પહોંચી હતી. ‘પુષ્પા-2’નું ટ્રેલર રવિવારે પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અલ્લુ અર્જુને પુષ્પા ક્યારેય ઝૂકશે નહિ તે ડાયલોગ સાથે ‘પટના વાસીઓના પ્રેમ આગળ પુષ્પા ઝૂકશે’ ડાયલોગ સંભળાવ્યો.

અલ્લુ અર્જુન જ્યારે બ્લેક આઉટફિટમાં સ્ટેજ પર પહોંચ્યો ત્યારે ચાહકો બેકાબૂ થઈ ગયા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને વારંવાર લાઠીનો ઉપયોગ કરવો પડ્યો હતો. જણાવી દઇએ કે, ‘પુષ્પા 2: ધ રૂલ’ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં પુષ્પા અને ભંવર સિંહ વચ્ચેની રોમાંચક દુશ્મનાવટ જોવા મળશે. અલ્લુ અર્જુને સંબોધન કરતા કહ્યું કે હું પહેલીવાર પટના આવ્યો છું પરંતુ પટનાની જનતાને ક્યારેય ભૂલીશ નહીં.

ફિલ્મના બીજા ભાગના ટ્રેલર લોન્ચને લઈને પટનાના લોકોમાં ખુશીનો માહોલ હતો, પહેલીવાર પટનામાં આટલી મોટી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ છે. આખરે, અલ્લુએ તેની ફિલ્મના ટ્રેલર રિલીઝ માટે પટના શહેરને કેમ પસંદ કર્યું ? આની પાછળ એક મોટું કારણ સામે આવ્યું છે. ‘પુષ્પા 2’ને મોટી ફિલ્મ બનાવવા માટે એ જરૂરી છે કે મેકર્સ તે ભીડને થિયેચર સુધી ખેંચે, જે હિન્દી ફિલ્મોને મોટી બનાવે છે.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા ઘણા રાજ્યો અને શહેર છે જ્યાં લોકો એક વર્ષમાં થોડી-ઘણી ફિલ્મો રિલીઝ થવાની રાહ જુએ છે. ‘પુષ્પા 2’ આવા દર્શકો માટે પરફેક્ટ ફિલ્મ છે, દેશી હિન્દી દર્શકોમાં ‘પુષ્પા’ની લોકપ્રિયતા એ એક મોટું પરિબળ છે, જેનો નિર્માતા ‘પુષ્પા 2’ માટે સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા ઈચ્છે છે. ‘પુષ્પા 1: ધ રાઇઝ’ એ બિહાર અને યુપીની સિંગલ સ્ક્રીન પર સારો બિઝનેસ કર્યો હતો.

જો તમને યાદ હોય તો, એક પ્રાદેશિક ગાયકે ફિલ્મના ગીત ‘શ્રીવલ્લી’નું ભોજપુરી સંસ્કરણ પણ ગાયું હતું, જે રાતોરાત જબરજસ્ત હિટ બન્યું હતું. તાજેતરમાં જ RRR સ્ટાર રામ ચરણે લખનઉમાં તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું ટીઝર લોન્ચ ઈવેન્ટ કર્યું હતું. પરંતુ પટના જેવા સામાન્ય દેશી હિન્દી બજારમાં, વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક ‘પુષ્પા 2’ ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ, અલ્લુ અર્જુન તરફથી દર્શકોને સીધો સંદેશ છે- ‘હું તમને મનોરંજન આપવા માટે અહીં છું’.

જણાવી દઇએ કે, અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ 2021માં રીલિઝ થઈ હતી, જેમાં અલ્લુ અર્જુનને તેના સશક્ત અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ સાઉથ સિને સ્ટારને આખી દુનિયામાં પસંદ કરવામાં આવ્યો હતો.

Shah Jina