લેખકની કલમે

“પતિ દેવ”…દરેક પત્ની એવું ઈચ્છે કે તેને આવા જ પતિ પ્રાપ્ત થાય…આજની આ વાર્તા દરેક પતિદેવ માટે છે, વાંચવાનું ભૂલતા નહી !!

“પતિ”દેવ”…

“પડખે ઉભો રહું તારી, તારા વિપદ કાળમાં.
પ્રભુ ભક્તિ પ્રતીતિ થાય, મને તારી સંભાળ માં…”

છેલ્લા ત્રણેક મહિનાથી માંદગીના ખાટલે પડેલી પોતાની વ્હાલી પત્નિ ને ચમચી વડે ખાવાનું આપતો એ અભાગીયો પતિ એની પત્નિ ને કહી રહ્યો હતો કે…
“તું જરાય ચિંતા ન કરીશ હો… અને ઘરના કામની પણ ફિકર ન કરીશ. હું છું ને બધું કામ કરી લઈશ. તું જલ્દી સાજી થઈ જા એટલે બસ…અને હા ખેતરે મોલ પાણી પણ ખૂબ સારા છે એટલે દવા દારૂ માં થનાર ખર્ચ ની પણ ચિંતા છોડીજ દે. તું છે એ મારે મન પૈસા જ છે…”
અને છેલ્લે એમ કહેતા કહેતા માંદી પત્નિ જોઈ ન જાય એમ પોતાના આંસુ છુપાવી રહ્યો હતો કે…

“અત્યારે હું તારી જેટલી સેવા કરું છું એટલી તું સાજી થઈ જાય પછી તારે મારી કરવી પડશે…”

પણ હકીકત એ હતી કે એ ભાઈ પણ જાણતો હતો કે હવે એની પત્નિ જીવલેણ માંદગી માંથી બેઠી થઈ શકવાની નથી. ડોકટર સાહેબે પણ કહી દીધું હતું કે…

“તમારી પત્નિ ની બંને કિડની ફેઈલ થઈ ગયી છે. એની જે બને એ સેવા કરો. હવે કદાચ વધુમાં વધુ એ પાંચેક મહિના કાઢશે…”
આ હકીકત જાણવા છતાં એ ભાઈ પોતાની પત્નીની ખૂબ તન્મય તાથી સેવા કરતો હતો.
ઘરમાં બીજું કોઈ બાઈ માણસ તો હતું નહીં એટલે રસોઈ બનાવવી, પત્નીના અને પોતાના કપડાં ધોવા, ઘરમાં વાસણ પોતા કરવા , પત્ની ના કપડાં બદલાવડાવવા એનો માનદગીનો ખાટલો સાફ રાખવો વગેરે જેવા એક સ્ત્રી કામો કરે એ બધા કામ એ ભાઈ ખુશી ખુશી કરી લેતો અને એ પણ સહેજ પણ બોજ ગણ્યા વિના, રાજી ખુશીથી…

આજે રાત્રે ઘરના બધા કામ કરી છેલ્લે પોતાની પત્નીને દવા પીવડાવી અને થાકથી લોથપોથ થઈ પત્નીના ખાટલા જોડેજ રાખેલા પોતાના ખાટલે એ ઊંઘવા આડો થયો. શરીરમાં થાક હતો પણ છતાં આંખોમાં ઊંઘ ન હતી. કારણ એને એકજ ચિંતા ખાઈ જતી હતી કે વિતતિ પ્રત્યેક ક્ષણ એની પત્નીના મોતની જાણે પત્રિકા બની નજીક આવી રહી હતી.

વિતતિ હરએક ઘડી જાણે એની પત્ની ના વિયોગને એનાથી નજીક લાવી રહી હતી. આ એકજ ચિંતામાં ન જાણે કેટલીય રાતોના ઉજાગરા એની આંખોમાં સ્પષ્ટ જણાઈ આવતા હતા. એની પત્ની માંદગીમાં પટકાઈ એ ત્રણ મહિનામાં એવી એક પણ રાત ન હતી કે એ ભાઈ આખી પુરી રાત એકધારું સૂતો હોય. રાતમાં ચાર પાંચ વખત એ ઉઠીને પત્ની ને જોઈ લેતો. એને ઓઢાળતો.
આજે એને એ દિવસ પણ યાદ આવી ગયો કે જ્યારે પરણીને એ એની પત્નીને પોતાના ઘરમાં લઈ આવ્યો હતો. બંનેએ સાથે પોતાના ભાવિ જીવનના કેવા કેવા સુમધુર સ્વપ્નો જોયા હતા. આંગણું એક બે વ્હાલા બાળકોની બાળ સહજ હઠ અને એમના નટખટ વેળાથી કેવું નાચી ઉઠશે એવા એવા તો સેંકડો સ્વપ્નો જોયા હતા. અને જાણે કુદરત પણ એ સ્વપ્નો પુરા કરાવતો હોય એમ એની પત્નીનો પ્રથમ સુવાવડનો પ્રસંગ આવેલો. એને દવાખાને લઈ જવામાં આવેલી પણ ઘર્ભ માજ બાળક મરી ગયું અને એનું ઝેર એની પત્નીના આખા શરીરમાં ન ફેલાય એ સારું થઈ એનું આખું ગર્ભાશય પણ કાઢવું પડેલું. ડોક્ટરે ત્યારે કહી દીધેલું કે હવે આ બેન ક્યારેય મા નહિ બની શકે…

આટલો દુઃખદ ભૂતકાળ એ એમને રંગીન સ્વપ્નોને જાણે કાળામેશ કરી ગયેલા. એના જીવનમાં કુદરત તરફથી આ પહેલો વજ્ર સમાન ઘા હતો. છતાં પણ વ્હાલી પત્ની બચી ગઈ એ બાબતે એ કુદરતનો આભાર માનતો હતો.
એ સમયે સગા સંબંધીઓએ કહેલું કે…
“જો ભાઈ તારો વંશ આગળ વધારવા માટે તારે સંતાન હોવા જરૂરી છે. તારી આ અભાગણી અને અપશુકનિયાળ બૈરી હવે છોકરાં તો જણી શકશે નહીં તો આનાથી છૂટાછેડા લઈ બીજે લગ્ન કરી લે…”

ત્યારે એ ભાઈએ બધાજ સંબંધીઓને ખખડાવી નાખેલા અને કહેલું…

“તમને શરમ આવવી જોઈએ આવી સલાહ આપતા. બિચારી મારી પત્ની ની સુવાવવડ બગડી એમાં બિચારી એનો શુ વાંક…!!! અને હવે હું એને છોડી દઉં તો હું માણસ નહિ પણ રાક્ષસ કહેવાઉં. પતિ પત્ની જેવા પવિત્ર સંબંધ માં આવું પાશવી કૃત્ય જો હું કરું તો મારે રોમ રોમ નરકમાં શડવું પડે. મેં મારી પત્નીને પ્રેમ કર્યો છે. હવે હું એને આમ રઝળતી મૂકી દઉં તો એ પ્રેમનું મૂલ્ય ધૂળ સમાન થઈ જાય…અમારા નસીબમાં જે હોય એ પણ હવે મારે એને સાચવવીજ રહી… હું કદાપિ એને છોડી ન શકું…”

ભૂતકાળ ના વિચારોમાં ને વિચારોમાં અડધી રાત વીતી ગઈ અને એની પત્નીને ઉધરસ આવી અને એ ભૂતકાળના વિચારો માંથી બહાર આવી એને પાણી પાવા ઉઠી ગયો. ખાટલા નીચે મુકેલી માટલી માંથી પાણી ભરતી વેળાએ એને ખ્યાલ પણ ન હતો કે એ એની પત્ની માટે આ છેલ્લી વખત પાણી ભરી રહ્યો છે. પત્નીની સેવામાં સમર્પણના એના અધ્યાયનું આ છેલ્લું પણું ભગવાન લખી રહ્યો છે…
એ પાણીનો પ્યાલો ભરી ચમચી વડે પત્નીને પાઈ રહ્યો હતો પણ ઉધરસ બંધ થવાનું નામ લેતી ન હતી. બધું પાણી ઉધરસ ના ઠુમકા સાથે બહાર આવી જતું હતું. પોતાની વ્હાલી પત્નીનું માથું ખોળામાં લઈ જેમ એક મા પોતાના વહાલસોયા સંતાનને પાણી પીવડાવે એમ પાણી પાવા એ પ્રયત્ન કરી રહ્યો હતો.

આંખોમાં ચોધાર આંસુની ધારા વહી રહી હતી. એના મનમાં થયા કરતું કે શું કરું તો વ્હાલી પત્ની ને એમાંથી મુક્ત કરી શકું. શુ કરું તો ઉધરસ મટાડી શકું. એ હાંફળો ફાંફળો થઈ ઘરમાં દવા શોધી રહ્યો હતો. પણ પોતાનો અંત સમય નજીક આવી ગયો છે એ ખ્યાલ આવી ગયેલો એ બેન ઉધરસ સાથે એના પતિને હવે પોતાની વધુ સેવા ન કરવા અને પોતાના અંત સમયે પોતાની જ પાસે બેસી રહેવા કહી રહી હતી.
ફરી એક વાર પત્નીનું માથું ખોળામાં લઈ એના માથે હાથ ફેરવતો ફેટવતો એ હજી પણ પત્નીને સાંત્વના આપી રહ્યો હતો. જીવનના છેલ્લા સ્વાસ્ લઈ રહેલી એ બેન નિસ્તેજ થઈ રહેલી આંખોથી એકધારી પોતાના પતિ સામે જોઈ રહી હતી. કદાચ એની સુન્ન થઈ રહેલી આંખો અને મનનો કચવાટ ,જે ભાંગ્યા તૂટ્યા શબ્દોના રૂપે એ બેનના મુખેથી વ્યક્ત થઈ રહ્યો હતો કે…
“મારે જે સેવા તમારી કરવાની હોય એ એવા મારી તમે કરી… મને માફ કરી દે જો… મને માફ કરી દેજો કે હું તમારા સ્વપ્નો પુરા કરી ન શકી… મને માફ કરી દેજો કે મને અધવચ્ચે થી ન છોડનાર તમારો સાથ હું આમ અધવચ્ચે છોડી રહી છું…”
મૃત્યુથી હાથ વેંત છેટી રહેલી પત્નિ ના મુખેથી નીકળી રહેલા આવા વિશાદયુક્ત શબ્દોનો એ ભાઈ પાસે આંખમાંથી આંસુ અને રડતા હૃદય સિવાય બીજો કોઈ ઉત્તર ન હતો…

અને એ બેનને છેલ્લું ડૂસકું આવ્યું અને યમરાજ એનું પ્રાણ પંખેરું લઈ ઉડી ગયા. પોતાની વ્હાલસોયી પત્નીના મૃતદેહને વળગી એ ભાઈ એવો રડી પડ્યો કે જાણે એના રુદનથી ઘરની દીવાલો પણ ધ્રુજી ઉઠી…

● POINT :-
પ્રેમ, પ્રણય જેવા મહાન અને પવિત્ર તત્વને આપણે માત્ર એક ગુલાબ આપી, ફિલ્મી ગાયનો કે ડાયલોગ બોલી સુંદર બનાવવા મથી રહ્યા છીએ પણ પ્રેમની મહાનતા તો આ વાર્તાના નાયક એ પતિ ના પોતાની પત્ની માટે કરેલી સેવા અને સમર્પણથી વધુ સુંદર અને સુગંધિત ન હોઈ શકે…
એકબીજાને ગમાડવા એના કરતાં એકબીજાને ગમતા રહેવું એ વિશેષ મહત્વનું છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks