લેખકની કલમે

“પતિ પત્નિ અને સાસુ…” – દરેક સાસુ વહુએ વાંચવા ને સમજવા જેવી વાત, એક દીકરાએ ધીરજથી કામ લઈને ઘરનું વાતાવરણ બનાવ્યું પ્રેમાળ…….

“પતિ પત્નિ અને સાસુ…”

  • “જાણ્યું છે મેં એટલું, પ્રેમ ઔષધ સૌથી મોટી.
  • એની સામે બધી દવા, સાબિત થાય છે ખોટી.
  • પ્રેમ આપો પ્રેમ પામો, સિધુ જ છે આ ગણિત,
  • પ્રેમ માં કોઈ મુસીબત, નથી કદી મોટી હોતી…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

શિયાળાની કડકડતી ઠંડીમાં રાતના અગિયાર વાગ્યાના સુમારે પોતાના દીકરાના ઓરડામાં એની મા એ દીકરા અને વહું વચ્ચે કઈક ચડભણ થતી સાંભળી…
વહુ કહી રહી હતી કે… “મમ્મીનો સ્વભાવ કેમ આવો છે. દરેક વાતમાં મારી ભૂલ જ કાઢતા હોય છે. હું જે કાંઈ કરું એમાં જો એક પણ વાર એ મને ટોકે નહિ તો એમને મજા જ નથી આવતી…”

અને ક્રોધઅગ્નિ સાથે રામ જાણે સાચી કે બનાવતી લાગણીના સ્વરમાં પોતાના પતિદેવને એને સાસુની ફરિયાદ કરતા જણાવ્યું કે…

“હજી ગઈ કાલ નિજ વાત કરું તો મેં ઘણા બધા દિવસે રાત્રે જમવામાં થેપલા બનાવ્યા હતા ને એમાં પણ થેપલા બનાવતી વખતે મમ્મી રસોડામાં આવી ચડ્યા ને હનુમાનજી જેવુ મોઢું કરી ને મને કહેતા હતા કે… ‘વહુ, આમ ખાવા પીવામાં શુ કામ આટલા ખર્ચા કરો છો… મારો છોકરો કમાનારો એકજ છે… એની સામું તો જુવો…’

વહુ એ આગળ ચલાવ્યું… “અને જેવું મેં થેપલુ ચળવવા તવી પર નાખ્યું અને આજુબાજુ પરી થી તેલ નાખતી હતી ત્યારે પાછા મને ટોકતા બોલ્યા કે…’વહુ, તેલ ઓછું નાખો. તેલનો ડબો તો પુરા બે મહિના પણ ચાલતો નથી. થોડી બચત કરતા શીખો. જેટલું હોય એટલું બધું ખાવામાં કાઢવાનું ના હોય…!!!’

હવે તમેજ કહો આમાં મારે કઈ રીતે રહેવું અને કઈ રીતે રસોઈ બનાવવી…???
કોઈ પીઢ એકટર ને પણ શરમાવે એવી અદાકારી થી પત્નિ એ પોતાના પતિ સામે એની સાસુની ફરિયાદ કરી. જવાબમાં એના પતિએ માત્ર એટલુંજ કહ્યું કે… “સારું , હું કાલે સવારે મમ્મી જોડે આ બાબતે વાત કરી લઈશ. અને તને હવે પછી ન ટોકે એવી પણ સૂચના આપી દઈશ…”

પોતાની જીત થઈ ગઈ છે એવું માની પત્ની મનોમન હરખાતી ક્યારે પથારીમાં મીઠા સ્વપ્નો સાથે પોઢી ગઈ એનો એને પણ ખ્યાલ ન આવ્યો…

પત્ની તો સુઈ ગઈ પણ એની બાજુમાજ સુતેલા એના પતિનો ઉજાગરો શરૂ થઈ ચૂક્યો હતો. એને એ સમજાતું ન હતું કે નાનકડા પરિવારમાં જ્યાં સાસુ અને વહું વચ્ચે મા દીકરી જેવો પ્રેમમય સંબંધ હોવો જોઈએ ત્યાં બંને વચ્ચે વારંવાર આવી નાની મોટી રકઝક કેમ થયા કરે છે…??? આ રકઝક સદા માટે નિવારવા અને સાસુ વહુનો સંબંધ ફરી સ્નેહથી સીંચિત થઈ જાય એવું કંઈક કરવા એ રાત્રે મોડે સુધી વિચારતો રહ્યો. પણ એને આ સમસ્યાનો કોઈ તોડ મગજમાં આવતો ન હતો.
અને આમ પણ સમસ્યા જ્યારે માનવીય સંબંધોને ફરીથી સ્થાપિત કરવા બાબતની હોય એતો લોઢાના ચણા ચાવવા કરતા પણ અઘરું કામ છે… યાદ છેને મહાભારત જ્યાં શ્રીકૃષ્ણ જેવા ખૂબ બુદ્ધિશાળી મહામાનવ પણ કૌરવો અને પાંડવો વચ્ચે મેળ બેસાડી શક્યા ન હતા તો આપણે તો રહ્યા સામાન્ય માણસો… આપણાં માટે એ કેટલું અઘરું કાર્ય ગણાય…!!!

વિચાર કરતા કરતા એ પતિદેવ પણ સમસ્યાના ઉકેલ સામે હથિયાર હેઠા મેલી રાત્રે મોડે ઘસઘસાટ ઉંઘી ગયા… બીજા દિવસે સવારે પોતાના નિત્યક્રમથી પરવારી એ ભાઈ શાંતિથી બેઠા હતા. એમની પત્નિ કઈક કામ અર્થે ઘરની બહાર ગયેલ હતી. એ સમયે એ ભાઈના મા અને ઘરના સાસુ એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા…

” જો… તારી વહુ ને હવે તુજ કઈક કે તો રે… એ મારું કહેલું તો એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે. મારા કહ્યા માજ એ નથી. અને હું જે કઈ એને કહું એ એને સારું લાગતું નથી. હું કઈક કહું એટલે તરત મને સામે ત્રણ જવાબો આપી દે છે…
જો મારા દીકરા હું આ બધું તમારા માટે જ કહું છું… હું તો હવે કેટલા દા’ડા ની છું…!!! ઘરમાં જે કઈ બચશે એ તમારે જ કામ આવવાનું છે ને…”
પોતાની મા ની આખી વાત ખૂબ શાંતિથી સામે એક પણ દલીલ વિના સાંભળી એ ભાઈ એટલુંજ બોલ્યો જે એને એની રાત્રે પત્ની ને પણ કહ્યું હતું કે… “સારું, હું એને આ બાબતે ટકોર કરી દઇશ…”

સાસુ વહુના સંબંધમાં મેળ બેસાડવા રાત્રે જે એનું મન વિચલિત બન્યું હતું બસ એવીજ સ્થિતિ અત્યારે પણ એના મનની થઈ… ખૂબ શાંતિથી વિચાર્યું… અને ખબર નહિ કઈ રીતે પણ આ વખતે એના મગજમાં એક ગજબનો આઈડિયા આવ્યો હતો. હવે એનેજ અનુસરવા નું એણે વિચાર્યું…

એ દિવસથી એ ભાઈએ એની પત્ની અને એની મા બંને માંથી જ્યારે કોઈ પણ ઘરમાં ન હોય ત્યારે એ ગેરહાજર વ્યક્તિ દ્વારા હાજર વ્યક્તિના વખાણ થતા હતા એવું કહેવાનું શરૂ કર્યું…
થોડા સમય પછી એની પત્નિ ઘરે આવી. એ ભાઈની મા હવે મંદિરે દર્શન કરવા ગયા. એ ભાઈ એની પત્ની પાસે જઈ કહ્યું…

“અલી સાંભળે છે, તને એક વાત કહું પણ તું માનીશ જ નહીં…બોલ સાંભળવી છે…???”
એની પત્નિ નું વાત સાંભળવાની ઇન્તેંજારીમાં હા માં ડોકું નમ્યુ અને એ ભાઈએ કહ્યું કે…
“તું બહાર ગઈ હતી ને ત્યારે મમ્મી મારી પાસે આવી તારા વખાણ કરતી હતી…”
પતિના મોઢે અસંભવ લાગતી વાત સાંભળી પત્નીએ તરત કહ્યું કે…”હોય જ નહીં. હું માનું જ નહીં…”

તો પતિ એ વાત આગળ ચલાવતા કહ્યું કે … “પણ આખી વાત તો સાંભળ. મમ્મી કહેતી હતી કે… વહુ એ કાલે થેપલા બઉજ મસ્ત બનાવ્યા હતા. આમ ભલે ગમે એવી હોય પણ મુવીનું રાધણું બઉ સારું છે… અને આમ પણ વહું તો સારી છે… બીજા બધાની જેમ બઉ ખર્ચાળ ક્યાં છે… ભલે અમુક વખતે એ કઈ બોલી જાય પણ એના પેટમાં સહેજે પાપ નથી હો…”
પતિની આટલી વાત સાંભળી એની પત્ની નું હૃદય સાસુ પ્રત્યે કુણું પડતું હોય એવું એ ભાઈને લાગ્યું…
હવે વારો હતો એની મા નો… બપોરના સમયે એ ભાઈની પત્ની એની બહેનપણી ના ઘેર બેસવા ગયેલી. અને એજ પરિસ્થિતિનો લાભ લઇ એ ભાઈ એની મા પાસે જઇ બોલ્યો…
“મમ્મી, તારા માટે એક ખૂબ સારા સમાચાર છે… પણ તું માનીશ નઈ એની મને પુરી ખાત્રી છે…”સમાચાર સાંભળી લેવાની તાલાવેલી માં એની મમ્મી એ કહ્યું…”જે હોય એ હવે ઝટ કહી દે ને ભાઈ…”
અને એ ભાઈએ એજ નિર્દોષ કીમિયો અપનાવ્યો જે એને એની પત્ની સામે અજમાવ્યો હતો… એ બોલ્યો… “મમ્મી, તું મંદિરે ગઈ હતી ત્યારે તારી વહુ તારા શુ વખાણ કરતી હતી…!!! ઘડીક તો મને પણ વિશ્વાસ આવતો ન હતો… પણ એને જે કાંઈ કહ્યું એ સાચું હતું… ”

અને પોતાની વાત આગળ ચલાવતા એને કહ્યું… ” એ કહેતી હતી કે મમ્મી ભલે મને વારંવાર ટોકતા પણ એમના મનમાં મારા માટે કોઈ ખરાબ ભાવ નથી હો… અને આમ પણ મમ્મીની વાત સાચીજ છે ને… એ જે કાંઈ બચત કરવાનું કહે છે એ મૂળ તો આપણાં માટેજ કહે છે ને… અને એમની શિખામણ જેને હું એમનું ટોકવું સમજુ છું એનાથી તો મારા કામમાં ખૂબ ચીવટ આવે છે… મમ્મી ભલે આમ બોલી નાખતા પણ બીજા બધાની સાસુ કરતા મમ્મી ઘણા સારા છે…”

આટલી વાત સાંભળી એ ભાઈના મમ્મીનું પણ હૃદય એની વહુ પ્રત્યે નરમ પડતું હોય એવું એ ભાઈને લાગ્યું…
હવે તો એ ભાઈ આ એકજ ઉપાયના રસ્તે આગળ વધતા ગયા. દર બે ત્રણ દિવસે એકબીજા સામે આવી વખાણ ની વાત એ કરતો રહ્યો… સમય પસાર થતો રહ્યો. અને એ પરિવાર માટે એવો સમય આવ્યો કે જેમાં સાસુ અને વહું નો મા દીકરી જેવો સંબંધ ફરીથી પ્રસ્થાપિત થઈ ગયો… પરિવારમાં સાસુ વહુ પ્રત્યે જ્યાં અવિશ્વાસ અને નફરત નું વાતાવરણ હતું ત્યાં હવે વિશ્વાસ અને પ્રેમનું વાતાવરણ ઉભું થઈ ગયું… હવે સાસુ અને વહુ ની એકબીજાને કહેવાયેલી વાતો એકબીજાને ટીકા નહિ પણ શિખામણ લાગે છે…
…અને આ બધું શક્ય બન્યું માત્રને માત્ર એ ભાઈ ના કારણે કે જેને સાસુ વહુ ના બગડેલા સંબંધ સુધારવા માટે પોતાની ધીરજ ગુમાવ્યા વિના પોતાની બુદ્ધિથી જે વિચાર્યું હતું… ભલે આ સારા કામમાં એને થોડો જુઠનો સહારો લેવો પડ્યો પણ એ જુઠ કોઈને નુકશાન પહોંચાડનારું ન હતું. એ જુઠ હતું પણ હતું નિઃસ્વાર્થ. એ જુઠ હતું પણ હતું પરિવારના ભલા માટે… કદાચ કુદરતે પણ એ ભાઈને એના આ પાવન જુઠ માટે માફ કરી જ દીધો હશે…

● POINT :- જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાને જો ધીરજ અને બુદ્ધિપૂર્વક , ઈશ્વરીય અને પાવન ઉદ્દેશ્ય સાથે ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો દરેક સમસ્યા હલ કરાવવા સ્વયં પ્રભુ તમારી પડખે હોય જ છે… તો પ્રભુ પર વિશ્વાસ રાખી દરેક મુસીબત કોઈ સારા ઉદ્દેશ્ય સાથે પાર પાડીએ… ઈશ્વર પણ એમાં ખૂબ રાજી થશે…

Author: GujjuRocks  અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.