રાજકોટથી નજીક જ આ ગામની અંદર ઉત્તરાખંડની જેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, સર્જાયો એવો અદભુત નજારો કે જોવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી, જુઓ વીડિયો

ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઈ છે અને ઠેર ઠેર સારો વરસાદ થઇ રહ્યો છે, ચોમાસાની અંદર પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે દેશભરમાં એવા ઘણા બધા સ્થળો છે જ્યાં ચોમાસામાં ફરવા જવાનો આનંદ જ અનોખો હોય છે, ઉત્તરાખંડમાં પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે અને ત્યાં નયનરમ્ય દૃશ્યો પણ સર્જાય છે.

પરંતુ જો તમને ગુજરાતમાં જ આવું દૃશ્ય જોવા મળે તો કેવું સારું ? હાલ સોશિયલ મીડિયામાં રાજકોટના ધોરાજીમાં આવેલા પાટણવાવ ગામનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પ્રકૃતિની ભરમાર જોવા મળી રહી છે. ઊંચા ડુંગર ઉપરથી પડતો ધોધ લોકોનું મન મોહી રહ્યો છે અને પ્રવાસીઓ પણ આ સ્થળનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે.

ગત થોડા દિવસોથી રાજકોટ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી. બારે મેઘ જાણે ખાંગા થયા હોય તેમ વરસાદ વરસી રહ્યો હતો, અને આ વરસાદનો અદભુત નજારો પાટણવાવ ગામની પાસે આવેલા ઓસમ ડુંગર ઉપર જોવા મળ્યો હતો. ઓસમ ડુંગર ઉપરથી વહેતા ધોધે લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું.

વરસાદના કારણે ઓસમ ડુંગર ઉપર લીલીછમ વનરાજી ખીલી ઉઠી છે, ત્યારે ધોધમાર વરસાદમાં ડુંગર ઉપરથી વહેતો ધોધ નયનરમ્ય દૃશ્ય સર્જી રહ્યો હતો, તેના વીડિયો પણ ઘણા લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધા અને પછી સોશિયલ મીડિયામાં શેર કર્યા, જેના બાદ લોકો પણ આ મનમોહક દૃશ્ય જોઈને અભિભૂત થઇ ગયા હતા.

પર્યટકો માટે ઓસમ ડુંગર ઉપર આવેલું સ્વંયમભુ ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ચો તરફ હરિયાળી અને મહાદેવના દર્શનથી ભક્તો પાવન થઇ ગયા. સાથે જ ચોમાસામાં જોવા મળેલા આ નયનરમ્ય દૃશ્યથી અહીંયા આવનારા દરેકના મન પણ પ્રફુલ્લિત બની ગયા હતા.

આ ઉપરાંત ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. તહેવારોમાં આ સ્થળનું ખાસ મહત્વ રહેલું છે અને આવા સમયમાં મોટી સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર આવે છે અને પ્રકૃતિ સાથે સાથે દર્શનનો પણ લ્હાવો લેતા હોય છે. આ ઉપરાંત પાટણવાવ ગ્રામજનો દ્વારા વરસાદની અંદર આ ડુંગર ઉપર જઈને ભોજન બનાવી ત્યાં જ ભોજનનો આંણદ પણ લીધો હતો.

લોક માન્યતા અનુસાર પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો આજે પણ હાજર છે. કહેવાય છે કે પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યા હતા. તેમના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી.

એવું પણ કહેવામાં આવે છે કે બંનેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં તમને જોવા મળશે.

આ સિવાય પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે. ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો.

આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો. વિહંગાલોકન કરતા ૐ આકારનો પર્વત દૃષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી વર્તમાન સમયમાં ઓળખાય છે. ઓસમ પર્વત પર દર વર્ષે ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે. આ મેળાનું પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જો તમે પણ આ જગ્યાની મુલાકાત લેવા માંગો છો તો ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્રારા ધોરાજીથી પાટણવાવ જઈ શકાય છે. જેનું અંતર જિલ્લા મથક રાજકોટથી આશરે 109 કિ.મી જેટલું થાય છે. ધોરાજી તાલુકા પંચાયતની વેબસાઇટ પરની માહિતી મુજબ આ સ્થળની મુલાકાત માટે અગત્યનો દિવસ રવિવાર તથા અનુકુળ સમય સવારથી સાંજ સુધીનો હોય છે.

Niraj Patel