પાટણમાં લગ્નની શરણાઈના સુર બદલાઈ ગયા માતમમાં, લગ્ન પહેલા જ વરરાજા અને તેના મિત્રનું રોડ અકસ્માતમાં થયું કરુણ મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. એક તરફ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. તો આવા સમયે જો લગ્ન હોય તેવા પરિવારમાં કોઈનું નિધન થાય તો માહોલ દુઃખમય બનતો હોય છે. પરંતુ જો લગ્ન થનારા વરરાજાનું જ મૃત્યુ થાય તો પરિવારની હાલત કેવી થાય તે આપણે કલ્પના કરી શકીએ છીએ.

મૃતક ભરતજી બચુજી ઠાકોર

હાલ એવી જ એક ઘટના પાટણમાંથી સામે આવી છે, જ્યાં લગ્નની શરણાઈના સુર માતમમાં ફરી વળ્યાં. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના વહાણા ગામની અંદર બે યુવકોના નિધનથી પરિવાર અને ગામની અંદર માતમ છવાયો છે. આ બંને યુવકો ગત 6 ફેબ્રુઆરીના રોજ લગ્નમાં જઈ રહ્યા હતા તે દરમિયાન જ તેમનો ડીસાના આસેડા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં તે બંને ગંભીર રીતે ઘાયલ હત્યા હતા, જેના બાદ એક યુવકનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો અન્ય એક યુવકનું મંગળવારે રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતક ભરતજી પ્રધાનજી ઠાકોર

આ બંને યુવકોના નામ ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર હતું. જેમાં ભરતજી પ્રધાનજી ઠાકોરના આજે 10 તારીખના રોજ લગ્ન હતા. તેના લગ્નની કંકોત્રીઓ પણ વહેંચાઈ ગઈ હતી અને બધી જ તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઈ હતી, પરંતુ તે લગ્નની ઘોડીએ ચઢે એ પહેલા જ કાળ તેને ભરખી ગયો. જેના બાદ પરિવારમાં પણ માતમ છવાયો છે.

ગત રવિવારના રોજ આ બંને મિત્રો એક મિત્રના લગ્નની અંદર ગયા હતા. ત્યારે લગ્નમાંથી પરત ફરતી વખતે અચાનક તેમની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી અને તે રોડ ઉપર પટકાયા હતા. જેના બાદ તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા જેના બાદ સરવર દરમિયાન બંને મિત્રોના મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં મોતને ભેટેલા 25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર પરણિત હતા અને તેમને એક 6 માસનો દીકરો પણ હતો, તે ખેતીકામ કરતા હતા.  જ્યારે અન્ય યુવક ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને આજે એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ તેના લગ્ન હતા, પરંતુ લગ્ન પહેલા જ તે મોતને ભેટ્યો.

Niraj Patel