પાટણ રેગિંગકાંડ : ખેડૂત પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, 6 લાખ ભરી હતી પહેલા સેમેસ્ટરની ફી…ફેબ્રુઆરીમાં હતા બહેનના લગ્ન- પરિવાર અને આખુ ગામ ચઢ્યુ હિબકે

 

પાટણની ધારપુર મેડિકલ કોલેજ હાલ ઘણી ચર્ચામાં છે, 16 નવેમ્બરે રાત્રે રેગિંગની ઘટના બની અને MBBS ફર્સ્ટ યરના સ્ટુડન્ટ અનિલ મેથાણિયાનું અચાનક બેભાન થયા બાદ મોત થયું. ખેડૂત પરિવાર કે જે દીકરાને ડોક્ટર બનાવવા માગતો હતો તેમના માથે પણ આભ ફાટી પડ્યુ છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જેસડા ગામે અનિલના મોત બાદ ભારે આક્રંદ અને શોકનો માહોલ છે.

મૃતકનાં માતા-પિતા અને બંને બહેનો આઘાતમાં છે અને તેઓ અર્ધબેભાન હાલતમાં છે. એવો માહોલ છે કે કોણ કોને સધિયારો આપે. પરિવારે વર્ષે 12 લાખ લેખે તો એક સેમેસ્ટરની 6 લાખ ફી પણ ભરી હતી. જો કે સિનિયરના રેગિંગે એક જ મહિનામાં પરિવાર અને જેસડા ગામને શોકાતૂર કરી દીધું. અનિલની મોટી બહેનનાં તો ફેબ્રુઆરીમાં લગ્ન છે પણ હવે એકનો એક ભાઈ હંમેશને માટે છોડી જતો રહેતા તે આઘાતમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણની ધારપુર મેડિકલ કોલજમાં રેગિંગ દરમિયાન શનિવારે એટલે કે 16 નવેમ્બરે રાત્રે મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અનિલ મેથાણિયા બેભાન થયો અને તેનું મોત થયું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો. આ મામલે મેડિકલ કોલેજે 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા અને BNSની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી 15 આરોપીઓની અટકાયત કરી.

Shah Jina