પાટણની મહિલાને અમદાવાદના બે ઇસમોએ આપી સોનાના દાગીના ડબલ કરી આપવાની લાલચ, પછી જે કર્યુ તે ખરેખર…

ગુજરાતમાંથી અવાર નવાર છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઇ કરવામાં આવતી હોય છે તો ઘણીવાર સોનું ડબલ કરવાની લાલચ આપી ઠગવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં જ આવો કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે, જેમાં સીનીયર સીટીઝન મહિલાના ઘરેણા ડબલ કરી આપવાનું કહી છેતરપિંડી કરવામાં આવી. જો કે, પોલિસે ગણતરીના કલાકોમાં જ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઘટનાની વિગત તપાસીએ તો, પાટણમાં ગત રવિવારના રોજ એક સીનીયર સિટીઝન મહિલા કે જે મુખ્ય પોસ્ટઓફિસની પાછળના ભાગે રહે છે તેને બે અજાણ્યા ઇસમોએ મહિલાએ પહેરેલ સોનાનો દોરો, વીંટી અને બંગડી એક રૂમાલમાં રાખી દાગીના ડબલ આપવાની વાત કરી હતી. ત્યારે આ ઇસમો વેગેનાર કારમાં આવ્યા હતા. આ મહિલાએ સોનાના ઘરેણા ડબલ કરવાની લાલચમાં આશરે દોઢ લાખની કિંમતના દાગીના ઉતારી તે ઇસમોને હાથમાં આપ્યા હતા.

જે બાદ બંનેએ આ દાગીના રુમાલમાં બાંધી સીતાપૂર્વક બીજા રૂમાલમાં બાંધેલી વસ્તુઓ મહિલાના હાથમાં આપી અને તેને કહ્યુ કે, તે આને ઘરે જઇને ખોલે. મહિલાએ ઘરે જઇ રુમાલ ખોલતાની સાથે જ જોયુ કે તેની સાથે તો છેતરપિંડી થઇ છે. ત્યારે આ અંગે પાટણ બી ડીવીઝન પોલિસ મથકે ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પોલિસવડાની સૂચનાને આધારે બી ડીવીઝન પીઆઇના સ્ટાફના માણસે દ્વારા કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ કરતા વેગેનાર કાર મળી આવી હતી.

ત્યારે પોલિસે ટેક્નોલોજીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી જે બાદ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે રહેતા કનૈયાલાલ ડાભીની મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. પોલિસે ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં સોનાના દાગીના, વેગેનાર કાર અને મોબાઇલ સામેલ છે. આ ઉપરાંત અમદાવાદના નરોડા ખાતે રહેતા દિનેશને ઝડપી પાડવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.

Shah Jina