મોટા ભાઈને હાર્ટ એટેક આવતા, 30 મિનિટમાં નાના ભાઈએ પ્રાણ છોડ્યા, એક સાથે બે અર્થી ઉઠી
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોત થવાના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો એવું બન્યુ છે કે ક્રિકેટ કે ફૂટબોલ રમતા યુવકોના મોત થયા તો કેટલાક કિસ્સાઓમાં જીમમાં એક્સરસાઇઝ દરમિયાન કોઇ વ્યક્તિના મોતના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જે હ્રદય કંપાવી દે તેવો છે. ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે…આ કહેવત પાટણમાં સાચી પડી છે. મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઇનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
પ્રાપ્ત જાણકારી અનુસાર, પાટણના લોટેશ્વરમાં રહેતા રામલાલ પટેલના ચાર દીકરાઓમાંનો સૌથી મોટો પુત્ર અરવિંદભાઇ અને ત્રીજા નંબરનો દિનેશભાઇ પાટણના રાણકી વાવ રોડ પર આવેલ દ્વારિકા હોમ્સ સોસાયટીમાં જોડે રહે છે. તેઓ પાટણ માર્કેટયાડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાનમાં પણ સાથે જ બેસે છે. ત્યારે આજ રોજ અરવિંદભાઈ પાટણના માર્કેટયાડમાં આવેલ નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા ત્યારે ચેક ભરીને બહાર આવ્યા બાદ તેઓ ખુરસી પર બેઠા હતા. જો કે, તે બાદ તે ચાલતાં ચાલતાં રોડ પર જતાં હતા,
ત્યારે જ તેઓ એકાએક ઢળી પડે છે અને હાર્ટ એટેક આવતા તેમનું સારવાર મળે એ પહેલા જ મોત થઇ જાય છે. રામલાલ પટેલના બીજા નંબરના દીકરાએ જણાવ્યું કે, અરવિંદભાઇના મોતના સમાચાર મળતાં જ દિનેશભાઇ દુકાનેથી ઘરે આવ્યા અને પરિવારજોને આશ્વાશન આપતા હતા કે કોઇ હિંમત ન હારતા બધુ સારુ થઇ જશે. ત્યારે તેમને અચાનક ગભરાણ થતાં તેઓ ઢળી પડ્યા અને તેમને પણ તરત હોસ્પિટલ લઇ જવાયા. પરંતુ તેઓએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા.
એક બાજુ અરવિંદભાઇનો મૃતદેહ હોસ્પિટલથી ઘરે લવાયો અને તેમની અંતિમવિધિની તૈૈયારીઓ ચાલી જ રહી હતી કે દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધાના સમાચાર આવ્યા. ત્યારે બંને દીકરાઓના મોત બાદ તો પરિવાર પર આભ ફાટી પડ્યું. બંને ભાઇઓની અંતિમ યાત્રા સાથે નીકળતા પરિવાર સહિત લોકો પણ હિબકે ચઢ્યા હતા. મૃતક અરવિંદભાઇને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે, તેમની દીકરીના લગ્ન દોઢેક વર્ષ પહેલાં જ થયા હતા અને તેમનો દીકરો હાલ અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇને સંતાનમાં એક દીકરો છે.